શાસ્ત્રી, શંકરલાલ માહેશ્વર (. 1844, જામનગર; . 1917) : સંસ્કૃત ભાષાના ગુજરાતના અગ્રણી કવિ અને નાટ્યકાર. તેમના પિતાનું નામ મહેશ્વર કે માહેશ્વર ભટ્ટ અને તેમનાં માતાનું નામ મોંઘીબહેન હતું. તેઓ ભારદ્વાજ ગોત્રના પ્રશ્ર્નોરા નાગરજ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમનું વતન સૌરાષ્ટ્રમાં જામનગર હતું, પરંતુ તેમની કર્મભૂમિ મોરબી શહેર હતું. તેઓ કેશવજી મોરારજી શાસ્ત્રી નામના શાસ્ત્રજ્ઞ ગુરુ પાસે જામનગરમાં ભણેલા. મહામહોપાધ્યાય હાથીભાઈ શાસ્ત્રી તેમના પહેલાં સતીર્થ (સહપાઠી) અને પછી પરમ મિત્ર હતા. ફક્ત 15 વર્ષની વયે તેમણે સંસ્કૃતમાં કાવ્ય લખવાનો શુભારંભ કરેલો. જામનગરના જામ રણજિતસિંહે તેમને શીઘ્રકવિ(ex-tempore poet)નું બિરુદ આપેલું. કેશવજી ગુરુ પાસે અભ્યાસ કરી તેઓ કાશીમાં પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ પાછા ફર્યા. 21 વર્ષની વયે તેઓ મોરબીના રાજા રવાજીરાજના નામની પાઠશાળામાં આચાર્ય થયા અને સાથે સાથે રાજા રવાજીરાજના પુત્ર રાજા વાઘજી ઠાકોરની રાજસભાના પંડિત પણ થયા. રાજમહેલમાં રાજમાતા મોંઘીબા પાસે હરિકથા કરવા સાંજે જતા. ત્યારે રાજા વાઘજી ઠાકોરે પોતાના ભાયાતોને હરિકથામાં ન આવવા દેવા કહ્યું; પરંતુ શંકરલાલ શાસ્ત્રીએ કહ્યું કે હરિકથામાં આવતા કોઈને હું રોકી શકું નહિ. આથી ગુસ્સે ભરાયેલા યુવાન રાજાએ તેમને પોતાના રાજ્યની હદ છોડી ચાલી જવા કહ્યું. આથી નિર્ભીક શંકરલાલે પૂછ્યું કે મારા ઘેર થઈને જઉં કે અહીંથી જ સીધો ચાલ્યો જઉં ? ગુસ્સે થયેલા રાજા વાઘજી ઠાકોરે કહ્યું કે અહીંથી સીધા જ ચાલ્યા જાઓ. શંકરલાલે તેમ જ કર્યું. આથી તેમની માતા જેમનું નામ પણ મોંઘીબહેન હતું તેમણે બે દિવસ પુત્રની રાહ જોઈ અને ત્રીજે દિવસે સાંજે રાજમાતા પાસે ગયાં અને હરિકથા કરવા આવેલો પોતાનો પુત્ર હજી ઘેર પાછો આવ્યો નથી એમ કહ્યું. પરિણામે રાજમાતાએ વાઘજી ઠાકોરને આ બાબત પૂછ્યું. રાજાએ પરાણે માતાને બનેલો પ્રસંગ કહ્યો અને શંકરલાલ શાસ્ત્રીને પાછા લઈ આવવા સૈનિકોને મોકલ્યા. તેઓ વાંકાનેરથી વીરમગામ થઈ મુંબઈ જતી રેલવેના પાટે પાટે ચાલ્યા જતા શંકરલાલને આદરપૂર્વક પાછા લઈ આવ્યા અને આ પ્રસંગથી રાજા વાઘજી ઠાકોરનો શંકરલાલ શાસ્ત્રી તરફનો આદર કાયમી બન્યો.

શંકરલાલ શાસ્ત્રી પ્રતિભાવંત મહાકવિ અને નાટ્યકાર તરીકે વર્ષો સુધી અધ્યાપનકાર્ય સાથે કંઈક ને કંઈક લખતા જ રહ્યા. છેક તેમના મૃત્યુ સમયે પણ ‘દુર્ગાવિજય’ નામનું મહાકાવ્ય સંસ્કૃતમાં લખી રહ્યા હતા. એ અપૂર્ણ મહાકાવ્ય તેમના પ્રગાઢ સખા અને સહપાઠી જામનગરના મહામહોપાધ્યાય હાથીભાઈ શાસ્ત્રીએ પૂર્ણ કરેલું. શંકરલાલ શાસ્ત્રીએ બીજું ‘बालाचरितम्’ નામનું 21 સર્ગનું મહાકાવ્ય પણ રચેલું. વળી (1) ‘सावित्रीचरितम्’, (2) ‘ध्रुवाभ्युदम्’ નામનું છાયાનાટક, (3) ‘अमरमार्कंण्डेयम्’, (4) ‘गोपालचिंतामणिविजयम्’, (5) ‘भद्रायुर्विजयम्’, (6) ‘श्रीकृष्णचंद्राभ्युदयम्’ નામનું છાયાનાટક એમ 6 નાટકો લખ્યાં છે. એમાં 3 અને 4 ક્રમાંકનાં નાટકો અદ્યાપિ અપ્રકાશિત છે. પોતાના આશ્રયદાતા રાજાના વંશને વર્ણવતું ‘रवाजिराजकीर्तिविलासम्’ એ નામનું ત્રીજું મહાકાવ્ય પણ તેમના મહાકવિપણાને સિદ્ધ કરે છે. બાણની કાદંબરી જેવી ‘चन्द्रप्रभाचरितम्’ નામની ગદ્યકથા પણ તેમણે લખી છે. તેવો જ ‘कैलासयात्रा’ નામનો ગદ્યગ્રંથ પણ લખ્યો છે. પોતાના ગુરુ માટે તેમણે ‘केशवकृपालेशलहरी’ લખી છે. વળી ઉપદેશાત્મક ‘विद्वत्कृत्यविवेकः’ અને ‘विपन्मित्रम्’ જેવા નિબંધગ્રંથો પણ લખ્યા છે. તદુપરાંત, ‘अनसूयाभ्युदयम्’, ‘प्रसन्नलोपामुद्रा’, ‘भगवतीभाग्योदयम्’, ‘भोगवतीभाग्योदयम्’, ‘वामनविजयम्’, ‘महेशप्राणप्रिया’, ‘पार्वतीपरिणयम्’, ‘पांचालीचरित्रम्’, ‘मेघप्रार्थना’, ‘भ्रान्तिभयभंजनम्’ અને ‘अरुन्धतीविजयम्’ જેવી તેમની રચનાઓ અત્યંત સુંદર છે. વેદાંતવિષયક ‘અધ્યાત્મરત્નાવલી’ નામનો તેમનો ગદ્યગ્રંથ ગુજરાતીમાં લખાયેલો છે. વ્યાકરણશાસ્ત્રની વરદરાજરચિત ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’ પર તેમણે ‘प्रयोगमणिमाला’ નામની મૂળને સરળ કરતી ટીકા રચી છે. સંસ્કૃતમાં તેમણે લખેલાં અનેક સ્તોત્રો, લઘુલેખો અને પ્રશસ્તિઓ તેમના કવિત્વ અને પાંડિત્યનો પરિચય આપે છે. તેમની તમામ રચનાઓ પાછળનો ઉદ્દેશ એકમાત્ર લોકોના કલ્યાણનો છે. એમનાં નાટકો કે કાવ્યોમાં શૃંગાર હોવા છતાં ક્યાંય કશું અશ્ર્લીલ નથી. ક્ધયાઓ પણ તેને ખચકાયા વગર વાંચી શકે તેવી તે રચનાઓ છે. દેશી વિદ્વાનો અને મૅક્સમૂલર જેવા પરદેશી વિદ્વાનોએ પણ તેમની રચનાઓની પ્રશંસા કરી છે.

તેમના કવિત્વ અને પાંડિત્યની કદર કરીને 1914માં બ્રિટિશ સરકારે રાજા પંચમ જ્યૉર્જ તરફથી ‘મહામહોપાધ્યાય’ની સર્વોચ્ચ ઉપાધિ આપી હતી.

તેઓ કુશળ અવધાની હતા અને તેથી પણ વધુ તેઓ મહાશાક્ત અને શિવભક્ત હતા. તેમણે ભગવાન શિવ અને ભગવતી શક્તિની ઉપાસના કરી સિદ્ધ ભક્તની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. પરિણામે મોરબીમાં તેમના ઘરની નજીક આવેલા કુબેરનાથ મહાદેવના મંદિરે સવારે તેઓ પૂજા કરવા નીકળતા ત્યારે રસ્તાની બંને બાજુએ તેમનાં દર્શન કરવા આબાલવૃદ્ધ સૌ નમસ્કાર કરી ખડા રહેતા અને તેમના આશીર્વાદ લેતા.

છેલ્લે, વાઘજી ઠાકોરના આગ્રહથી તેમને પેટની શસ્ત્રક્રિયા કરવાની થઈ ત્યારે તેઓ મોરબીમાં પોતાના પ્રગાઢ મિત્ર હાથીભાઈ શાસ્ત્રીના મોરબીમાં પરણેલાં બહેન અંબાબહેન પાસે ગયેલા. તેઓ અંબાબહેનને પોતાની જ બહેન ગણતા હતા. તેથી તેમણે અંબાબહેનને કહ્યું કે મને શસ્ત્રઘાત છે અને રાજા વાઘજી ઠાકોર ઑપરેશન માટે હઠ લઈને બેઠા છે તેથી ઑપરેશનમાં મારું મૃત્યુ થશે એટલે છેલ્લે ‘જીવ્યામર્યાના જુહાર’ કરવા આવ્યો છું. એ પછી 1917માં તે ઑપેરેશન દરમિયાન તેમનું મૃત્યુ થયું. તેમના ભક્તો અને ચાહકોએ તેમની સ્મૃતિમાં તેમની સમાધિ મોરબીમાં જ બંધાવી છે અને તે ‘શંકરાશ્રમ’ તરીકે ઓળખાય છે. આજે પણ ત્યાં ભારતભરમાંથી સંન્યાસીઓને વ્યાખ્યાનો આપવા નિમંત્રવામાં આવે છે. ટૂંકમાં, શંકરલાલ શાસ્ત્રીએ કવિત્વ અને પાંડિત્યમાં ગુજરાતનું નામ ઉજ્જ્વળ બનાવ્યું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી