શાસ્ત્રી, શંકરલાલ ગંગાશંકર (જ. 2 મે 1902, ચુણેલ, તા. નડિયાદ, જિ. ખેડા, ગુજરાત; અ. 1 જૂન 1946) : ગુજરાતી વિવેચક અને નવલિકાકાર. સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમણે પ્રાથમિક શિક્ષણ મલાતજમાં અને માધ્યમિક શિક્ષણ સોજિત્રામાં લીધું હતું. 1919માં તેઓ મૅટ્રિક થયા. 1923માં ગુજરાત કૉલેજમાંથી બી.એ. ઑનર્સ અને 1925માં સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે એમ.એ. થયા. 1929માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી.
પ્રારંભમાં એકાદ વર્ષ નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ 4 વર્ષ અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. થોડો વખત વકીલાત કર્યા બાદ 1932માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક નિમાયા. ત્યાં 14 વર્ષ સુધી અધ્યાપન અને સાહિત્યની પ્રવૃત્તિ કરી.
‘સાહિત્યને ઓવારેથી’(1938)ના ખંડ 1માં તેમણે કેટલાક અગ્રગણ્ય સાહિત્યકારોનાં અવલોકનો અને ખંડ 2માં પ્રાચીન-અર્વાચીન સાહિત્યકારો વિશેના લેખો છે. ‘સાહિત્યદ્રષ્ટાને’ (1941) ખંડ 1માં સાહિત્યને લગતા સામાન્ય વિષયોની છણાવટ છે, જ્યારે ખંડ 2માં પ્રેમાનંદથી માંડીને ‘લલિત’ સુધીના સાહિત્યકારોનાં અવલોકનો જોવા મળે છે. ‘પાનદાની’ (1941) એમનો વાર્તાસંગ્રહ છે. તેમણે વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીના અપ્રકાશિત ‘રસગંગા’ ગ્રંથનું 1934માં સંપાદન કરેલું.
1946માં હૃદયરોગથી તેમનું અવસાન થયેલું.
હરિપ્રસાદ શાસ્ત્રી