શાસ્ત્રી, વ્રજલાલ કાળીદાસ (. 26 નવેમ્બર 1825, મલાતજ, તા. પેટલાદ; . 14 નવેમ્બર 1892, મલાતજ) : ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ. સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. અવટંકે ત્રવાડી. પ્રાથમિક શિક્ષણ મલાતજમાં લીધું. પ્રાકૃત વ્યાકરણ, સંસ્કૃત કાવ્ય, કાવ્યશાસ્ત્ર, દર્શનો અને વ્યાકરણનો અભ્યાસ પેટલાદ સંસ્કૃત પાઠશાળામાં કર્યો. તેઓ પ્રાકૃત વ્યાકરણ અને સાહિત્યના પ્રખર વિદ્વાન બન્યા. ત્યારબાદ 1857માં અમદાવાદમાં જૈન મંદિર ખાતે સંસ્કૃતના શિક્ષક તરીકે નિમાયા. જૈન ધર્મગ્રંથોના અભ્યાસથી તેઓ પ્રાકૃત, અપભ્રંશ, પાલિ અને અર્ધમાગધી ભાષાથી માહિતગાર બન્યા.

વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી

1865માં તેઓ ગુજરાત વિદ્યાસભા અને ધર્મસભામાં જોડાયા. આ સંસ્થાઓનાં માસિકો ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘ધર્મપ્રકાશ’નું તેમણે સંપાદન કર્યું. 1876માં વર્નાક્યુલર કૉલેજ ઑવ્ સાયન્સમાં જોડાયા અને 1879માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક બન્યા.

વિદ્વાન સંશોધક અને લેખક તરીકે તેમની 25 વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે કુલ 15 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ (1866); ‘ઉત્સર્ગમાલા’ (1870); ‘ધાતુસંગ્રહ’ (1870); ‘હિતોપદેશ શબ્દાર્થ’ (1870); ‘વૈશેષિક તર્કસાર’ (1878); ‘ગુર્જર ભાષાપ્રકાશ’ (1892) અને ‘ઉક્તિસંગ્રહ’ ખાસ ઉલ્લેખનીય છે. ‘બ્રહ્મસૂત્રાર્થ પ્રકાશ’, ‘મુક્તામાળા’, ‘રસગંગા’ (1934, મરણોત્તર), ‘નાગરોત્પત્તિ’, ‘ભક્તિભાસ્કર’ તેમના પ્રકીર્ણ ગ્રંથો છે; જ્યારે તેમનું ‘યાજ્ઞવલ્ક્યચરિત’ ગુજરાતીમાં આ પ્રકારનું પ્રથમ ચરિત્ર છે.

કે. કા. શાસ્ત્રી