શાતકર્ણિ 1લો (ઈ. સ. પ્રથમ સદી) : શાતવાહન વંશનો રાજા અને કૃષ્ણનો પુત્ર.
સાતવાહનોની ઓળખ વિશે ઇતિહાસકારોમાં જુદા જુદા મત પ્રચલિત છે. પુરાણોમાં સાતવાહનોનો ઉલ્લેખ આંધ્રભૃત્ય કે આંધ્ર તરીકે કરવામાં આવ્યો છે. પ્રાચીન સાહિત્યમાં તે શાલિવાહનના નામે જાણીતા છે.
સાતવાહનો કૃષ્ણા અને ગોદાવરી નદીઓના તળેટીના પ્રદેશમાં વસતા હતા. પુરાણોમાં આ પ્રદેશનો ઉલ્લેખ આંધ્રપ્રદેશ તરીકે કરાયો છે. આ પ્રદેશની રાજધાની કૃષ્ણા નદીને કિનારે વસેલું ધાન્યકટક હતું, જે હાલમાં આંધ્રપ્રદેશના વિજયવાડા પાસે આવેલું હોવાનું મનાય છે. એક અન્ય મત અનુસાર સાતવાહનો ગોદાવરી નદીના ઉપરવાસમાં રહેતા હતા, જેમની રાજધાનીનું શહેર પ્રતિષ્ઠાન હતું. તે હાલમાં મહારાષ્ટ્રમાં આવેલા ઔરંગાબાદ જિલ્લામાં આવેલું હોવાનું મનાય છે.
સાતવાહન રાજા શાતકર્ણિ 1લાની માહિતી મુખ્યત્વે પુરાણો, અભિલેખો અને મુદ્રાઓમાંથી મળી આવે છે. મહારાષ્ટ્રમાં પુણે પાસે આવેલી નાના ઘાટની ગુફાઓમાંથી મળી આવેલ યજ્ઞલેખ અને મૂર્તિ ઉપર કોતરેલ મૂર્તિનામલેખ શાતકર્ણિ 1લાની માહિતી પૂરી પાડનાર મુખ્ય સાધન છે. આ ઉપરાંત ખારવેલના હાથીગુફાલેખ તથા સાંચીનો સ્તૂપ પણ શાતકર્ણિની માહિતી પૂરી પાડે છે.
સાતવાહનોની માહિતી આપતી પૌરાણિક અનુશ્રુતિઓમાંથી અનેક સાતવાહન રાજાઓનાં નામ મળી આવ્યાં છે; જેમાં શાતકર્ણિ નામ વારંવાર જોવા મળે છે. સાતવાહનો સૂર્યના ઉપાસક હતા અને શાતકર્ણિનો એક અર્થ ‘સૂર્યનાં સાત કિરણ’ એવો થાય છે.
પુરાણો અનુસાર કાણ્વવંશના રાજા સુશર્માને મારીને આંધ્રજાતિના સિમુકે સાતવાહન વંશની સ્થાપના કરી હતી. ‘સાતવાહન’ એ સિમુકના કોઈ પૂર્વજનું નામ હતું. જે સિમુકના સમયથી સાતવાહનોના કુળનામ તરીકે પ્રચલિત બન્યું હતું. સિમુક પછી તેનો ભાઈ કૃષ્ણ 1લો ગાદીએ આવ્યો. કૃષ્ણ 1લાનો પુત્ર શાતકર્ણિ 1લાના નામથી જાણીતો છે. કેટલાક ઇતિહાસકારોના મતે શાતકર્ણિ 1લો કૃષ્ણ 1લાનો નહિ, પણ સિમુકનો પુત્ર હતો.
નાના ઘાટની ગુફાઓમાંથી શાતકર્ણિ 1લાની માહિતી પૂરી પાડતી આઠ શિલ્પકૃતિઓ મળી આવી છે. તેમાંથી ચોથી અને પાંચમી શિલ્પકૃતિ ઘસાઈ ગઈ છે. આ લેખ અનુસાર શાતકર્ણિ 1લાની પત્નીનું નામ નાયનિકા હતું. શાતકર્ણિ 1લાએ બે અશ્વમેધ યજ્ઞ, એક રાજસૂય યજ્ઞ ઉપરાંત બીજા અનેક યજ્ઞો કરાવ્યા હતા.
યજ્ઞમાં દક્ષિણાના સ્વરૂપમાં અનેક હાથી, ઘોડા, ગાયો અને સોના-ચાંદીની મુદ્રાઓ આપવામાં આવી હતી. જે શાતકર્ણિ 1લાના શાસનની આર્થિક સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. યજ્ઞની આ વિગતો શાતકર્ણિ 1લાના સમયમાં દક્ષિણ પ્રદેશમાં યજ્ઞપ્રધાન વૈદિક ધર્મના પુનરુત્થાનનું પણ સૂચન કરે છે.
ખારવેલના હાથીગુફા-અભિલેખ અનુસાર શાતકર્ણિ 1લો કલિંગના રાજા ખારવેલનો સમકાલીન હતો, જેણે શાતકર્ણિની પરવા કર્યા વગર તેના રાજ્ય ઉપર આક્રમણ કર્યું હતું. આ ઉલ્લેખ એ શાતકર્ણિ 1લાના રાજ્યની સીમા પૂર્વમાં કલિંગ સુધી વિસ્તરેલી હોવાનું સૂચન કરે છે.
શાતકર્ણિ 1લાનો સમય ઈ. પૂ. 1લી સદીના અંતભાગમાં કે ઈ. સ.ની 1લી સદીના પ્રથમ ચરણ હોવાનું મનાય છે. તેણે માત્ર અઢારેક વર્ષ રાજ્ય કર્યું હતું. આટલા ટૂંકા ગાળામાં તેણે દક્ષિણાપથપતિ અને અપ્રતિહત ચક્ર જેવાં બિરુદો ધારણ કર્યાં હતાં, જે તેની જ્વલંત કારકિર્દીનું સૂચન કરે છે.
ફાલ્ગુની પરીખ