શાજાપુર : મધ્યપ્રદેશના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 2૩° 00´થી 24° 15´ ઉ. અ. અને 75° 45´થી 77° 00´ પૂ. રે. વચ્ચેનો 6,196 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાજસ્થાનનો ઝાલાવાડ જિલ્લો, ઈશાન અને પૂર્વમાં રાજગઢ જિલ્લો, અગ્નિકોણમાં સિહોર જિલ્લો, દક્ષિણમાં દેવાસ જિલ્લો તથા પશ્ચિમમાં ઉજ્જૈન જિલ્લો આવેલા છે. જિલ્લામથક શાજાપુર જિલ્લાની મધ્યમાં પશ્ચિમ ભાગમાં આવેલું છે.

શાજાપુર જિલ્લો

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ નાની-નાની ટેકરીઓથી બનેલું છે. ટેકરીઓના ઢોળાવો પર વનસ્પતિનું આછું આવરણ જોવા મળે છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ સમુદ્રસપાટીથી 400થી 480 મીટર વચ્ચેની છે. કાલીસિંધ અહીંની એકમાત્ર નદી છે, તે ઈશાન તરફની શાજાપુર-રાજગઢ સરહદ રચે છે.

ખેતી : જિલ્લાની આશરે 5,06,000 હેક્ટર ભૂમિ પર ખેતી થાય છે, તે પૈકીની 15 % જમીનમાં સિંચાઈ ઉપલબ્ધ થાય છે. કૂવા અને નળકૂપ (ટ્યૂબવેલ) સિંચાઈનો મુખ્ય સ્રોત છે. ઘઉં, ડાંગર, જુવાર, ચણા, મગફળી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ગાયો-ભેંસો અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે.

ઉદ્યોગવેપાર : ટ્રાયસ્ટાર સોયા પ્રૉડક્ટસ્ લિ. અહીંનો એકમાત્ર ઉદ્યોગ છે. આ સિવાય જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો નથી. અહીં સોયાબીનનું પ્રક્રમણ થાય છે અને તેના તેલના ખોળની નિકાસ થાય છે. જિલ્લામાં અનાજ, કઠોળ વગેરેનો છૂટક વેપાર થાય છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લામાં રાજ્ય-પરિવહન નિગમની બસોની સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લાનાં 180 જેટલાં ગામો પાકા રસ્તાઓથી જોડાયેલાં છે. અહીં કોઈ વિશિષ્ટ પ્રકારનાં જોવાલાયક સ્થળો આવેલાં નથી. વારતહેવારે અહીં મેળા અને ઉત્સવો યોજાય છે.

વસ્તી : 2001ની વસ્તીગણતરી મુજબ આ જિલ્લાની વસ્તી 12,90,2૩0 જેટલી વસ્તી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ અનુક્રમે 52 % અને 48 % તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું સંખ્યાપ્રમાણ 84 % અને 16 % જેટલું છે. તેમાં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ છે, જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ અને જૈનોની વસ્તી ઓછી છે. હિન્દી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે. અહીંના આશરે ૩0 % લોકો શિક્ષિત છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા 6 કૉલેજો તેમજ 4 વ્યાવસાયિક શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. વહીવટી અનુકૂળતા માટે તેને 7 તાલુકાઓમાં અને 8 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 12 નગરો અને 1,124 (56 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : મુઘલ શહેનશાહ શાહજહાં 1640માં અહીં આવીને થોડોક વખત રહેલા હોવાથી તેનું મૂળ નામ શાહજહાંપુર હતું. ગ્વાલિયર દેશી રાજ્ય બન્યું ત્યારથી આ જિલ્લો બનેલો છે. 190૩માં અગર તાલુકાને તેમાં ભેળવી દેવામાં આવેલો.

ગિરીશભાઈ પંડ્યા