શર્મા, શંકર દયાળ (ડૉ.) (. 19 ઑગસ્ટ 1918, ભોપાલ, મધ્યપ્રદેશ; 26 ડિસેમ્બર 1999, દિલ્હી) : ભારતના 10મા રાષ્ટ્રપ્રમુખ (25 જુલાઈ 1992થી 25 જુલાઈ 1997), સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી રાજકારણી. પિતા કુશીલાલ અને માતા સુભદ્રા. તેઓ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા અને અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયો સાથે અનુસ્નાતક પદવી મેળવી કાયદાના અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં દાખલ થયા હતા. ત્યાંથી કાયદાની વિદ્યાશાખામાં બંધારણીય કાયદાના વિષયમાં ડૉક્ટરેટની પદવી હાંસલ કરી થોડો સમય ત્યાં અધ્યાપનકાર્ય પણ કર્યું. ત્યાંની આ ટૂંકી શૈક્ષણિક કારકિર્દી પછી તેઓ ભારત પાછા આવ્યા અને કાયદાના ક્ષેત્રમાં કાર્ય કર્યું.

ડૉ. શંકર દયાળ શર્મા

1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં તેમણે ભાગ લીધો હતો. આઝાદી પછી તુરત દેશી રિયાસતોના એકીકરણના સંદર્ભમાં ભોપાલનું ભારતીય સંઘ રાજ્ય સાથે જોડાણ કરવા અંગેના આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. 1950માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષમાં જોડાયા અને તે સાથે તેમની પ્રદીર્ઘ રાજકીય કારકિર્દીનાં મંડાણ થયાં. 1952માં તે સમયની ભોપાલ રિયાસતની લોકપ્રિય સરકારના મુખ્ય મંત્રી બન્યા. 1956 સુધી તેમણે આ હોદ્દો ભોગવ્યો. 1978માં તેઓ મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી બન્યા. પરિશ્રમ અને કામ પ્રત્યેના ખંતથી તેઓ કૉંગ્રેસ પક્ષમાં ક્રમશ: વિવિધ હોદ્દાઓ ધરાવતા રહ્યા અને પક્ષના મહામંત્રી તેમજ 1972થી 1974માં કૉંગ્રેસપ્રમુખ બન્યા. ભારતમાં જનતા પક્ષની સરકારના શાસન દરમિયાન તેમણે 1978માં જેલવાસ વેઠ્યો હતો. તેઓ 1984માં આંધ્રપ્રદેશના રાજ્યપાલ નિમાયા. ત્યારબાદ પંજાબ અને દ્વિભાષી મુંબઈ રાજ્યના રાજ્યપાલ રહ્યા. પંજાબના રાજ્યપાલ તરીકે તેમણે ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ પછી ઉદ્ભવેલી પરિસ્થિતિને થાળે પાડવા સફળ પ્રયાસ કર્યા હતા.

1971થી ’77 અને 1980થી ’84 તેઓ લોકસભાના સાંસદ હતા; જેમાં 1974-77નાં વર્ષોમાં કેન્દ્ર સરકારના સંચારમંત્રીની કામગીરીનો સમાવેશ થાય છે. કૉંગ્રેસ પક્ષનાં અગ્રિમ નેતા ઇન્દિરા ગાંધીના તેઓ હંમેશ વિશ્વાસુ સાથી રહ્યા. 1987થી 1992 દરમિયાન તેમણે ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખનું પદ શોભાવ્યું હતું. રાષ્ટ્રપ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વિવિધપક્ષી સરકારો અને વડાપ્રધાનો સાથે રાજકીય પ્રૌઢતા સાથે કામ કર્યું હતું. તેમની આ કારકિર્દી દરમિયાન પી. વી. નરસિંહ રાવ, અટલબિહારી વાજપેયી, એચ. ડી. દેવગૌડા અને આઇ. કે. ગુજરાલ વડાપ્રધાનપદે વરાયા હતા.

તેઓ સારા તરવૈયા હતા. વળી સંગીત, કવિતા અને વાચનનો રસ પણ ધરાવતા હતા. તેમનાં પુત્રી અને જમાઈ ગીતાંજલિ માકન અને લલિત માકન ની આતંકવાદીઓના હાથે દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને હત્યા થઈ હતી. તેમનાં પત્ની વિમલા શર્માએ સામાજિક કાર્યકર તરીકે દીર્ઘ સેવાઓ પૂરી પાડી હતી.

રક્ષા મ. વ્યાસ