શર્મા, શિવકુમાર (. 1933, જમ્મુ) : સંતૂરવાદનમાં વિશ્વસ્તર પર ખ્યાતિ ધરાવતા વાદક. પિતા પંડિત ઉમાદત્ત કાશ્મીરના જાણીતા સંગીતકાર હતા. તેમની પાસેથી શિવકુમારે સાત વર્ષની ઉંમરથી શાસ્ત્રીય કંઠ્યસંગીત શીખવાનું શરૂ કર્યું હતું. સમય જતાં કંઠ્યસંગીતને બદલે વાદ્યસંગીતમાં તેમની રુચિ વિકસી, જેને પરિણામે શિવકુમારે તબલાવાદન શીખવાની શરૂઆત કરી. તબલા ઉપરાંત તેઓ સિતાર અને સરોદવાદનમાં પણ કુશળતા ધરાવે છે. આમ છતાં સંગીતક્ષેત્રમાં સંતૂરવાદક તરીકે તેમની વિશેષ ખ્યાતિ છે – એટલે સુધી કે શિવકુમાર અને સંતૂરને એક જ સિક્કાની બે બાજુ ગણવામાં આવે છે !

શિવકુમાર શર્મા

આજના જમાનામાં સંતૂર નામથી ઓળખાતું વાદ્ય મૂળ કાશ્મીરનું લોકવાદ્ય છે અને તેનું મૂળ નામ ‘શતતંત્રી વીણા’ હતું. ‘સંતૂર’ નામ એના પરથી આવ્યું છે. તેના મૂળ નામ પ્રમાણે તેમાં સો જેટલા તાર રહેતા, જેને કારણે તે વગાડતાં પહેલાં તેનું સમાયોજન (tuning) કરવું પડતું. જોકે બધાં જ તંતુવાદ્યોમાં સમાયોજન અનિવાર્ય હોય છે; પરંતુ જે વાદ્યમાં સો જેટલા તાર હોય તેનું સમાયોજન અત્યંત કઠિન હોય તે સ્વાભાવિક છે. સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે સો જેટલા તાર હોવા છતાં તે વાદ્યની મૂળ મર્યાદા એ હતી કે તેના પર ઝાલા, જોડ અને ગતકારી જેવા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જુદા જુદા પ્રકારો રજૂ થઈ શકતા ન હતા. પરિણામે સદીઓ સુધી આ શતતંત્રી વાદ્ય લોકસંગીતના ક્ષેત્રમાં જ વગાડવામાં આવતું હતું. શતતંત્રી વાદ્યની આ મર્યાદા દૂર કરી ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં તેની પ્રતિસ્થાપના કરવાનો જશ શિવકુમાર શર્માના પિતા ઉમાદત્ત શર્માના ફાળે જાય છે. તેમણે તેના મૂળ સો તારમાં સોળ વધારાના તાર ગોઠવ્યા, જેને લીધે હવે તેમાં કુલ 116 તાર હોય છે. તેના દ્વારા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગોની તથા તેના જોડ, ઝાલા અને ગતકારી જેવા ભિન્ન ભિન્ન પ્રકારોની રજૂઆત સહેલાઈથી કરી શકાય છે. 116 તાર ઉપરાંત સંતૂરવાદ્ય પર હવે 25 જેટલા ‘બ્રિજ’ હોય છે અને દરેક ‘બ્રિજ’ પર ઓછામાં ઓછા ચાર તાર હોય છે.

શિવકુમાર શર્માનો સંતૂરવાદનનો સર્વપ્રથમ જાહેર કાર્યક્રમ 1955માં મુંબઈમાં સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં રજૂ થયો હતો. તેમાં તેમને વાદ્યસંગીતના ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયું હતું. ત્યારથી અત્યાર સુધી તેમના દેશવિદેશમાં અનેક કાર્યક્રમો થઈ ચૂક્યા છે. શિવકુમારની વાદક તરીકેની લોકપ્રિયતામાં અમુક અંશે તેમના મોહક વ્યક્તિત્વનો ભાગ પણ ખરો જ. તેઓ સર્જનશીલ અને પ્રયોગશીલ સંગીતકાર તરીકે દેશવિદેશમાં ખ્યાતિ ધરાવે છે. દેશના બધાં જ નાનાંમોટાં નગરો ઉપરાંત વિશ્વના ઘણા દેશોમાં તેમના એકલ કાર્યક્રમો પ્રસ્તુત થયા છે. તેમાં ઇંગ્લૅન્ડ, અમેરિકા, કૅનેડા, ફ્રાન્સ, સ્વીડન અને બેલ્જિયમ જેવા દેશો તથા ઈરાનનો સમાવેશ થાય છે. તેમની કેટલીક લાગ પ્લેઇંગ રેકર્ડ પણ બહાર પડી છે.

હવે તેમના પુત્ર રાહુલ શર્મા પણ પિતા સાથે કુશળતાથી સંગત કરતા હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે