શર્મા, વેદાંત સત્યનારાયણ

January, 2006

શર્મા, વેદાંત સત્યનારાયણ (. 1934, કુચિપુડી ગામ, આંધ્રપ્રદેશ) : કુચિપુડી નૃત્યશૈલીના વિખ્યાત કલાકાર. પિતાનું નામ સુબ્બયા અને માતાનું નામ વેંકટરત્નમ્. સોળમી સદીમાં ભક્તકવિ સિદ્ધેન્દ્ર યોગીએ ભાગવતના પ્રસંગો પર આધારિત નાટિકાઓ રચી અને તેમને ભજવવા બ્રાહ્મણ યુવકોને તૈયાર કર્યા. તેમની પ્રસ્તુતિથી રાજા ખૂબ પ્રસન્ન થયા અને આખું ગામ તેમને ભેટ આપ્યું અને સાથે વચન માંગ્યું કે આની પરંપરા જળવાઈ રહે તે માટે દરેક બ્રાહ્મણ કુટુંબમાંથી ઓછામાં ઓછો એક છોકરો આ શૈલીને અપનાવે અને તેની રજૂઆત કરે. એ પ્રમાણે વેદાંત સત્યનારાયણ શર્માએ તેમના મોટાભાઈ પ્રહ્લાદ શર્મા પાસેથી પ્રારંભિક તાલીમ મેળવી. આગળ જતાં ચિંતા કૃષ્ણમૂર્તિ પાસે વધુ તાલીમ મેળવી. બાળકલાકાર તરીકે લવ, પ્રહ્લાદ વગેરે પાત્રો ભજવ્યાં અને કિશોર અવસ્થાથી ‘ઉષા પારિજાત’માં ઉષા, ‘ક્ષીરસાગરમંથન’માં મોહિની અને બીજાં નાટ્યોમાં પાર્વતી જેવી મુખ્ય સ્ત્રીવેશની ભૂમિકાઓ ભજવી અને ખૂબ પ્રશંસા મેળવી. 1964માં કુચિપુડી ઉત્સવમાં ભાગ ભજવ્યો અને 1969માં કુચિપુડી ગામની વેંકટરામ નાટ્યમંડળીના પ્રમુખ બન્યા. તેમનું સ્ત્રીપાત્રોનું ઉત્કૃષ્ટ નિરૂપણ શાસ્ત્રીય નૃત્યશૈલી ક્ષેત્રે બેજોડ રહ્યું છે; તેથી ઘણી મહિલાસંસ્થાઓએ તેમનું સન્માન કર્યું છે. રૂપગર્વિતા સત્યભામા પ્રેમવ્યાકુળ થઈ શ્રીકૃષ્ણને પત્ર લખે છે તે પ્રસંગની રજૂઆત તેમની અભિનયકુશળતાથી આધુનિક યુગના પ્રેક્ષકોને પણ શુદ્ધ શૃંગારરસનો અનુભવ કરાવી શકે છે. સ્ત્રીસહજ સૂક્ષ્મભાવો, આવેગો અને અંગચેષ્ટાઓની તેઓ એટલી આબેહૂબ રજૂઆત કરે છે કે ઘણી વાર પુરુષ-પ્રેક્ષકો અચંબામાં પડી જાય છે. એક વાર તો એક પુરુષ-પ્રેક્ષકે તેમને કહેલું કે જો તમે સ્ત્રી હોત તો જરૂર લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. સ્ત્રીસહજ લજ્જા-લાવણ્ય અને ઉત્તમ કુળનારીના ગુણ જાણે તેમના રોમરોમમાં નિખરી ઊઠે છે. તેમની નિર્વિવાદ કળાને કારણે 1961માં કેન્દ્રીય સંગીત-નાટક અકાદમીએ તેમને પુરસ્કૃત કર્યા અને 1968માં તે સંસ્થાની ફેલોશિપ પણ એનાયત કરી. 1970માં તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નો ઇલકાબ મળ્યો. અન્ય અનેક સંસ્થાઓએ તેમને પુરસ્કારોથી નવાજ્યા છે. તેમાં મુખ્ય છે આંધ્રપ્રદેશની નૃત્યકલા દ્વારા એનાયત થયેલ ‘ભારત કલાપ્રપૂર્ણ’ (1983), અને વિક્રમ યુનિવર્સિટી ઉજ્જૈન દ્વારા એનાયત થયેલ કાલિદાસ સન્માન (1987).

કુચિપુડી ગામમાં સિદ્ધેન્દ્ર કલાક્ષેત્રના તેઓ આચાર્ય થયા તે અગાઉ અન્ય નાટ્યમંડળીઓના અધ્યક્ષ રહ્યા હતા. 1985માં ફ્રાન્સની મુલાકાત લીધેલી અને 1986માં અમેરિકાનો નૃત્યપ્રવાસ ખેડ્યો હતો.

પ્રકૃતિ કાશ્યપ