શર્મા, વેણુધર (જ. 1894, ચેરિંગ, જિ. શિવસાગર, આસામ; અ. 1981) : આસામી ભાષાના અગ્રેસર ઇતિહાસકાર. આસામના ઇતિહાસ-પ્રસિદ્ધ સ્થળે મધ્યમવર્ગીય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ચેરિંગ એહોમ રાજ્યવંશની રાજધાનીનું ઐતિહાસિક ઘટનાઓનાં સંસ્મરણોથી ભરેલું પ્રાચીન શહેર હતું. આથી શાળાના અભ્યાસકાળથી જ તેમનામાં ઐતિહાસિક જિજ્ઞાસા જાગી ચૂકી હતી. શિવસાગરમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી કોલકાતાની બંગવાસી કૉલેજમાં તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો. પણ ગાંધીજીની અસહકારની ચળવળના એલાનને માન આપી પરીક્ષા આપ્યા વિના જ અભ્યાસ પડતો મૂક્યો. સ્વાતંત્ર્ય-ચળવળમાં જોડાયા. 1920-21 તથા 1930-31ની એમ બે રાષ્ટ્રીય ચળવળમાં તેમણે ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો.
1930ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમણે ‘દૈનિક બાતારી’ના તંત્રીવિભાગમાં કાર્ય કર્યું. આસામી સાપ્તાહિક ‘તરુણ આસામ’ના તંત્રી તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો. 1956માં તેમણે આસામ સાહિત્યસભાના પચીસમા વાર્ષિક અધિવેશનનું પ્રમુખપદ સંભાળ્યું.
આસામી સાહિત્યક્ષેત્રે ઇતિહાસકાર, જીવનચરિત્રલેખક તથા બાળસાહિત્યના સર્જક – એમ તેમનું ત્રિવિધ યોગદાન રહ્યું છે. સાહિત્યિક કારકિર્દીના આરંભ રૂપે તેમણે પોતાના એક મિત્રની સહાયથી ‘રૉબિન્સન ક્રુઝો’નો સંક્ષિપ્ત અનુવાદ 1918માં પ્રગટ કર્યો. 1927માં તેમણે જે. પી. વેડ કૃત ‘એન એકાઉન્ટ ઑવ્ આસામ’ સંપાદિત કરી તેનું પ્રકાશન કર્યું. તત્કાલીન સામયિકોમાં પ્રગટ થયેલા અનેક ઐતિહાસિક લેખોના સંગ્રહો ‘દૂરબીન’ (1951) અને ‘સતવાન ચાલ’ (1957) રૂપે પ્રગટ થયા. તેમણે લખેલાં આશરે 6 જેટલાં જીવનચરિત્રો પૈકી 1857ના બળવાખોર શહીદ મણિરામ દીવાનની જીવનકથા સંશોધન તથા પરિશ્રમપૂર્વકના લેખનના કારણે અનન્ય ઠરી છે.
‘કાગ્રેસાર કચિયાલી રાદત’ (1959) (‘ઇન ધ ડૉન ઑવ્ કૉંગ્રેસ’) બદલ તેમને કેંદ્રીય સાહિત્ય અકાદમીનો 1966ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમાં કૉંગ્રેસના પ્રથમ આંદોલનનો આસામના ગ્રામીણ પ્રજાજનો પર કેવો પ્રભાવ પડ્યો હતો તેનું તાદૃશ અને સંસ્મરણસભર ચિત્રણ ઐતિહાસિક તેમજ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યવાન છે. 1921માં પોતાના ગામમાં સૌપ્રથમ તેમણે જ આ જનઆંદોલન જગવ્યું હતું. પુસ્તકમાં તેમણે આ ચળવળનાં રચનાત્મક તેમજ આંદોલનાત્મક પાસાંની છણાવટ કરી છે. સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેનારી વ્યક્તિઓનાં નિકટવર્તી રેખાચિત્રો તથા તેમનાં પોતાનાં સંસ્મરણોથી આ પુરસ્કૃત કૃતિ વિશેષ રસપ્રદ બની છે.
તેમની બીજી અગત્યની કૃતિ તે ‘ઈખનપટ સતરાર બુરંજી’ (1968), આ ગ્રંથમાં કેવળ વૈષ્ણવ સંપ્રદાયનો ઇતિહાસ નથી પણ મધ્યયુગીન આસામના સાંસ્કૃતિક વારસાની સામગ્રીનો ભંડાર છે.
1983માં તેમને ‘પદ્મભૂષણ’નો મરણોત્તર ખિતાબ અપાયો હતો.
મહેશ ચોકસી