શર્મા, રોહિત (જ. 30 એપ્રિલ 1987, નાગપુર) : જમણા હાથે બૅટિંગ કરતા અને વર્ષ 2022થી ભારતીય ટીમના ક્રિકેટના ત્રણેય વિભાગના સુકાની.

પિતાનું નામ ગુરુનાથ શર્મા. માતાનું નામ પૂર્ણિમા શર્મા.

રોહિત શર્મા એક અત્યંત સાધારણ કુટુંબમાં જન્મી પિતાની મહેનતથી ક્રિકેટમાં ટોચના સ્થાને પહોંચ્યા છે. મુંબઈના ડોંબીવલી વિસ્તારમાં માત્ર એક રૂમના મકાનમાં રહેતાં માતા-પિતા સાથે બાળપણ વ્યતિત કર્યું. અભ્યાસ માટે બોરીવલીમાં પોતાનાં દાદા-દાદી સાથે રહેતા રોહિતની ક્રિકેટમાં રુચિ જોઈ તેના કાકાએ પોતાના ખર્ચે 1999માં દિનેશ લાડના કોચિંગ કૅમ્પમાં મૂક્યો. કોચે તેને સલાહ આપી કે રોહિત તારે સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય સ્કૂલમા આવવું જોઈએ જ્યાં હું ખેલાડીઓને કોચિંગ શીખવાડું છું. રોહિતે ખૂબ જ નમ્રતાથી કહ્યું કે તે સ્કૂલનો ખર્ચ અમને પરવડે તેમ નથી. રોહિતની ક્રિકેટ પ્રત્યેની ધગશ જોઈ કોચે તેને સ્કૉલરશિપ અપાવી અને ચાર વર્ષ સુધી એક પણ પૈસો ખર્ચ કર્યા સિવાય રોહિત ત્યાં અભ્યાસ સાથે ક્રિકેટ પણ શીખ્યો. શરૂઆતમાં ઑફસ્પીન ગોલંદાજી અને થોડી ઘણી બૅટિંગ કરતા રોહિતે કોચની સલાહથી બૅટિંગ ઉપર વધુ ધ્યાન આપ્યું. સામાન્ય રીતે આઠમા ક્રમે બૅટિંગ કરતા રોહિતને હેરિસ અને ગાઇલ્સ શિલ્ડ સ્કૂલ ક્રિકેટ હરીફાઈમાં ઓપનિંગ કરાવી. અહીં રોહિતે સદી ફટકારી.

વર્ષ 2005માં દેવધર ટ્રૉફીમાં મધ્ય ઝોન સામે પશ્ચિમ ઝોન તરફથી ગ્વાલિયરમાં સૌપ્રથમ વખત મોટી ટુર્નામેન્ટ રમવા મળી. અહીં રોહિતે અણનમ 31 રન કર્યા અને 24 દડા બાકી હતા ત્યારે પોતાની ટીમ વિજેતા બની. ત્યારબાદ ઉત્તર ઝોન સામે રોહિતે 123 દડામાં અણનમ 142 રન કર્યા.

રોહિતની આ રમતે પ્રથમકક્ષાના ક્રિકેટમાટેનો માર્ગ મોકળો કરી આપ્યો. જુલાઈ 2006માં ન્યુઝીલૅન્ડ ‘એ’ ટીમ સામે ભારતીય ‘એ’ ટીમ તરફથી રમી પોતાની પ્રથમ કક્ષાની ક્રિકેટની શરૂઆત કરી. અહીં તેણે 57 અને 22 રન કર્યા. આ મૅચ ભારત ‘એ’ ટીમ ત્રણ વિકેટે વિજેતા બની.

વર્ષ 2006-07ની રણજી ટ્રૉફીમાં સૌપ્રથમ વખત મુંબઈ તરફથી રમવા મળ્યું. અહીં તેણે ગુજરાત સામે 267 દડામાં 205 રન કર્યા. મુંબઈ આ સિઝનમાં રણજી ટ્રૉફી વિજેતા બન્યું. બંગાળ સામેની ફાઇનલમાં પણ રોહિતે બીજા દાવમાં 57 રન કર્યા. ડિસેમ્બર 2009માં પણ રોહિતે રણજી ટ્રૉફીમાં ગુજરાત સામે પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 309 રનનો કર્યો. મુંબઈના સુકાની અજિત અગારકરની નિવૃત્તિ પછી રોહિતને ઑક્ટોબર 2009માં મુંબઈની ટીમનો સુકાની બનાવાયો.

નવેમ્બર 2013માં તેંડુલકરની છેલ્લી સિરીઝમાં રોહિત શર્માને સૌપ્રથમ વખત ભારત તરફથી ટેસ્ટ રમવાની મળી. વેસ્ટ ઇન્ડીઝ સામે કૉલકાતાના ઇડન ગાર્ડનના મેદાન ઉપર રમાયેલ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં છઠ્ઠા ક્રમે રમવા આવી શાનદાર 177 રન કર્યા. ટેસ્ટ પ્રવેશે સદી કરનાર તે ભારતનો 14મો ખેલાડી બન્યો. તેનો 177 રનનો સ્કોર ટેસ્ટ પ્રવેશે ભારત તરફથી શિખર ધવનના 187 રન પછી બીજા ક્રમનો શ્રેષ્ઠ સ્કોર બન્યો. ત્યારબાદ 14 નવેમ્બર, 2013ના રોજ પોતાના મેદાન ઉપર વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં પણ તેણે અણનમ 111 રન કર્યા. પોતાની પ્રથમ ટેસ્ટમાં મૅન ઑફ ધ મૅચ બનનાર રોહિતને આ બે ટેસ્ટની શ્રેણીમાં બંને મૅચમાં સદી કરવા માટે મૅન ઑફ ધ સિરીઝનો ખિતાબ પણ આપવામાં આવ્યો.

ઑક્ટોબર 2019માં રાંચી ખાતેની દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં ઓપનિંગમાં આવી પોતાની ત્રીસમી ટેસ્ટમાં સૌપ્રથમ વખત બેવડી સદી (212 રન) અને કારકિર્દીની છઠ્ઠી સદી કરનાર રોહિતે ટેસ્ટમાં પોતાના બે હજાર રન પણ પૂરા કર્યા. વારંવાર ટેસ્ટ ટીમમાંથી અંદર-બહાર થતા રોહિતને જ્યારે પણ તક આપવામાં આવી છે ત્યારે તેણે પોતાની કાબેલિયત બતાવી છે. ઘરઆંગણે સફળ થયેલ રોહિતને 2021માં ઇંગ્લૅન્ડ સામે રમવા માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું. અહીં શર્માએ ચેન્નાઈની બીજી ટેસ્ટમાં શાનદાર સદી અને અમદાવાદમાં રમાયેલ ત્રીજી ટેસ્ટમાં બંને દાવમાં ટીમમાં સૌથી વધુ રન કર્યા. ત્રણ ટેસ્ટની આ શ્રેણીમાં 58 રનની સરેરાશથી 345 રન કર્યા જે ભારતીય ટીમમાં કોઈ પણ ખેલાડી કરતાં સૌથી વધુ રન હતા. ઘરઆંગણે સારો દેખાવ કરનાર રોહિતે 4 સપ્ટેમ્બર, 2021ના રોજ ઇંગ્લૅન્ડ સામે આવેલ ટેસ્ટમાં સૌપ્રથમ વખત સદી (127 રન) કરી. આ ટેસ્ટમાં તેણે 3000 રન પણ પૂરા કર્યાં.

ફેબ્રુઆરી, 2022માં કોહલીએ સુકાની તરીકે રાજીનામું આપતાં રોહિત શર્માને ક્રિકેટના ત્રણેય વિભાગનો સુકાની બનાવવામાં આવ્યો.

23 જૂન, 2007ના રોજ બેલફાસ્ટમાં રમાયેલ આયર્લૅન્ડ સામેની મૅચમાં રોહિત શર્માને વન ડે ક્રિકેટમાં સૌપ્રથમ વખત રમવા મળ્યું. જોકે આ મૅચ ભારતે 9 વિકેટે જીતી લેતાં રોહિતને બૅટિંગ કરવાની તક ન મળી. ત્યારબાદ વન ડે તે નિયમિત રમતો રહ્યો. 28 મે, 2010ના રોજ ઝીમ્બાબ્વે સામે પોતાની સૌપ્રથમ વન ડે સદી (114 રન) કરી એટલું જ નહીં ત્યાર પછીની શ્રીલંકા સામે મૅચમાં પણ તેણે અણનમ 101 રન કર્યા. રોહિતના કમનસીબે 2011ના વિશ્વકપ સ્પર્ધા પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં તેનો દેખાવ અત્યંત નબળો રહેતાં તેને વિશ્વકપ સ્પર્ધાની ટીમમાં સ્થાન ન મળ્યું.

ઑક્ટોબર-નવેમ્બર 2013માં ભારતમાં ઑસ્ટ્રેલિયા સામે 7 વન ડેની શ્રેણી ભારતે જીતી લીધી. આ શ્રેણીમાં રોહિત શર્માએ પોતાની પ્રથમ બેવડી સદી નોંધાવી. બૅંગાલુરુમાં 2 નવેમ્બર, 2013ના રોજ રમાયેલ મૅચમાં ઓપનિંગમાં રમવા આવી રોહિતે 16 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી માત્ર 158 દડામાં 209 રન કર્યા. 114 દડામાં સદી કરનાર રોહિતે ત્યાર પછી માત્ર 44 દડામાં 109 રન બનાવી દીધા. એક દાવમાં રોહિતે મારેલ 16 છગ્ગા તે સમયે એક દાવમાં સૌથી વધુ છગ્ગાનો વિક્રમ હતો.

નવેમ્બર, 2014માં ભારત રમવા આવેલ શ્રીલંકા સામેની શ્રેણીમાં રોહિતે ફરી એક વખત આતશી ફટકાબાજી કરતા 13 નવેમ્બર, 2014ના રોજ કૉલકાતામાં રમાયેલ શ્રેણીની ચોથી મૅચમાં માત્ર 173 દડામાં વન ડે ક્રિકેટનો શ્રેષ્ઠ સ્કોર 264 રન કર્યા. અહીં તેણે 33 ચોગ્ગા ફટકારી એક દાવમાં સૌથી વધુ ચોગ્ગાનો વિશ્વ કીર્તિમાન પોતાના નામે કર્યો. ફરી એક વાર શ્રીલંકા સામે રોહિતે આવી જ રનની આતશબાજી 13 ડિસેમ્બર, 2017ના રોજ મોહાલી સ્ટેડિયમ ઉપર કરી. માત્ર 153 દડામાં અણનમ 208 રન કર્યા. વન ડે ક્રિકેટમાં એકથી વધુ બેવડી સદી કરનાર એક માત્ર ખેલાડી રોહિતે તેની આ આતશબાજી દરમિયાન 12 છગ્ગા ફટકાર્યા. અહીં પણ બીજી સદી માત્ર 36 દડામાં જ પૂરી કરી આમાં પણ છેલ્લા 92 રન માત્ર 27 દડામાં 11 છગ્ગાની મદદથી પૂરા કર્યા.

2011ની વિશ્વકપ સ્પર્ધા ચૂકી જનાર શર્માને 2015ના વિશ્વકપમાં રમવા મળ્યું. અહીં તેણે 1 સદીની મદદથી 330 રન કર્યા. રોહિતના વન ડેમાં સતત સારા દેખાવે તેને ઇંગ્લૅન્ડમાં રમાયેલ 2019ના વિશ્વકપમાં સ્થાન અપાવ્યું. આ વિશ્વકપમાં તેણે પાંચ સદીની મદદથી 81 રનની સરેરાશથી 648 રન નોંધાવ્યા. એક વિશ્વકપમાં પાંચ સદી કરનાર તે વિશ્વનો એક માત્ર ખેલાડી બન્યો. એટલું જ નહીં તેણે કરેલ 648 રન એક જ વિશ્વકપમાં ત્રીજા નંબરના સૌથી વધુ રન બન્યા.

ટેસ્ટ અને વન ડેની જેમ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ રોહિત શર્મા શ્રેષ્ઠ સાબિત થયો છે. 2007ના આઈ.સી.સી. વિશ્વકપમાં પ્રથમ મૅચ રમી પોતાની ટી-20 કારકિર્દીની શરૂઆત કરનાર રોહિતે 125 મૅચમાં 4 સદી અને 26 અડધી સદીની મદદથી 3313 રન (આંકડા 12 માર્ચ, 2022 સુધીના જ છે) કરનાર શર્મા
આંતરરાષ્ટ્રીય ટી-20માં 4 સદી કરનાર વિશ્વનો એક માત્ર ક્રિકેટર છે.

જાન્યુઆરી, 2020માં તેને વર્ષના શ્રેષ્ઠ વન ડે ખેલાડી જાહેર કરાયેલ. શર્માને અગાઉ 2015માં અર્જુન ઍવૉર્ડ તેમજ 2020માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર પણ મળ્યા છે.

જગદીશ શાહ