શકુનિ : ‘મહાભારત’નું એક અત્યન્ત દુષ્ટ, કુટિલ, કપટી પાત્ર. ‘મહાભારત’ના કેટલાયે મહત્વના પ્રસંગોના મૂળમાં તેની કુટિલ નીતિ જ રહેલી. તેની આ દુષ્ટતાએ પવિત્ર પાંડવોને દુ:ખી કરવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું અને છેવટે ભયંકર યુદ્ધ અનિવાર્ય બનાવી દીધું, જેણે સર્વનાશ સર્જ્યો.
શકુનિ ગાંધાર દેશના નૃપતિ સુબલનો જ્યેષ્ઠ પુત્ર હતો અને તેમના પછી રાજ્યાધિકારી બન્યો હતો. ગાંધારી તેની નાની બહેન હતી અને તેણે જ પિતાને આગ્રહ કરીને ધૃતરાષ્ટ્ર સાથે તેનાં લગ્ન કરાવેલાં. આમ ધૃતરાષ્ટ્ર તેના બનેવી થાય અને દુર્યોધન વગેરે કૌરવભાઈઓનો તે મામો થાય. વૃષક, બૃહદખલ, અચલ, શરભ, સુભ્રમ, વિભુ, ભાનુ, દત્ત, ગજ, ગવાક્ષ, ચર્મવાન્, આર્જય અને શુક તેના નાના ભાઈઓ હતા. દેવતાઓના કોપને કારણે તે ધર્મવિરોધી બની ગયો હતો અને દુરાચારી કામો જ કરતો હતો. એના માટે એવું વિધાન કરવામાં આવ્યું છે કે દ્વાપર દૈત્યના અંશમાંથી ઉત્પન્ન થયેલો હોવાથી તે આવો દુષ્ટ અને દુરાચારી હતો.
પહેલાંથી જ તેનામાં પાંડવો પ્રત્યે દ્વેષ હતો. પ્રથમથી જ તે પોતાનું ગાંધાર રાજ્ય છોડીને હસ્તિનાપુરમાં રહેવા આવી ગયો હતો ! આથી દુર્યોધનને તેનો કાયમી સંગ મળી રહેતાં તેની અવળચંડાઈ અને આડોડાઈને કાયમ તેના મામાનું પ્રોત્સાહન મળતું રહેતું. રાજા ધૃતરાષ્ટ્ર સાળાને કાંઈ કહી શકતા નહિ અને દુર્યોધન કહે તેમ કરતા. ‘મૃચ્છકટિક’ અને ‘ચારુદત્ત’માં જેમ રાજાનો સાળો સેનાપતિ બનીને નીચ કૃત્યો કરતો અને ‘मैं राजा का शाला’ એવી દલીલ કરી છટકી જતો એવું આ શકુનિનું હતું. ‘મહાભારત’માં આવો સાળાની સત્તાનો બીજો દાખલો પણ આવે છે. વિરાટ રાજાનો સાળો કીચક બહુ બળવાન પણ હલકા વિચારનો હતો અને બલ્લાલ રૂપે રહેલ ભીમસેને તેનો ઘડોલાડવો કર્યો અને તેના બાકીના બધા ભાઈની પણ એવી જ ગતિ કરી ત્યારે પ્રજાને હાશકારો થયો ! આપણે ત્યાં ‘મામો શકુનિ’ કહેવતરૂપ બની ગયો છે અને પોતાના સાળાને ઘરમાં ન ઘાલવાની સાવધાની સામાન્ય રીતે લોકો રાખે છે. નહિ તો સાળો ઘરનો આગવો માલિક બની જતો હોય છે.
પાંડવોનું કાસળ કાઢવાના સર્વ પ્રયાસોમાં તે દુર્યોધનનું પ્રેરક બળ બની રહ્યો હતો. ‘મહાભારત’ની પ્રસિદ્ધ ‘ચંડાળ ચોકડી’માં દુર્યોધન, તેનો ભાઈ દુ:શાસન, તેનો મિત્ર કર્ણ અને મામો શકુનિ – એ ચાર હતા, પણ તેમાં નેતૃત્વ અને પ્રભુત્વ તો શકુનિનું જ રહેતું. આ ચોકડી જ બધું આયોજન કરતી. પાંડવોને વારણાવતમાં હવાફેર નિમિત્તે લાક્ષાગૃહમાં રહેવા મોકલવાની યુક્તિ શકુનિની જ હતી. ત્યાંથી બચીને બ્રાહ્મણવેશે ફરતા તેઓ દ્રૌપદીના સ્વયંવરમાં પહોંચી ગયા તો ત્યાંયે દુર્યોધનની સાથે શકુનિ ઉપસ્થિત હતો ! પણ પાંડવોનું નિત્યનું આશ્રયસ્થાન એવા શ્રીકૃષ્ણ પણ ત્યાં આદર પામી રહ્યા હતા. સ્વયંવરમાં બ્રાહ્મણવેશે આવેલ અર્જુન મત્સ્યવેધ કરીને દ્રૌપદને જીત્યો ત્યારે કૌરવોએ અને તેમના મળતિયાઓએ ઝઘડો ઊભો કર્યો તેમાં પણ આ ‘મામા’ની જ પ્રેરણા હતી અને પછી તો એ જીતનારો અર્જુન હતો અને પાંડવો જીવિત છે એ જાહેર થતા જ શકુનિનું દોષી દિલ ઊકળી ઊઠ્યું. તેણે ત્યાં જ દુર્યોધનને પાંડવોને જડમૂળથી ઉખેડી નાખવાની સલાહ આપી દીધી હતી. દ્રુપદ જેવો બળવાન સાથી પાંડવોને અચાનક મળી ગયો તેથી તે ખૂબ ગિન્નાયો હતો. પાંડવોને તેમના હક્કનું અર્ધું રાજ્ય આપવાના પ્રસ્તાવનો પણ તેણે વિરોધ કર્યો અને એ સભામાં કે જ્યાં ખરી રીતે એને બોલવાનો અધિકાર જ ન હતો. યુધિષ્ઠિરના રાજસૂયયજ્ઞમાં દુર્યોધનની સાથે શકુનિ પણ ઉપસ્થિત રહ્યો હતો અને દ્રૌપદીએ દુર્યોધનની ઠેકડી ઉડાવી તે પરિસ્થિતિમાં શકુનિએ દુર્યોધનને ખૂબ ઉશ્કેર્યો હતો. તે હંમેશાં દુર્યોધનના પાંડવો પ્રત્યેના દ્વેષાગ્નિને સળગાવવાનો પ્રયત્ન કર્યા કરતો.
આખું સભાપર્વ જાણે શકુનિનું જ આયોજન હતું ! દ્યૂત રમવામાં, કપટ કરવામાં તે એક્કો હતો. તેથી તેણે હસ્તિનાપુર પહોંચી દુર્યોધનને દ્યૂત રમવા માટે યુધિષ્ઠિરને નિમંત્રણ મોકલીને બોલાવવા ઉશ્કેર્યો. તે અંધ રાજાના પુત્રપ્રેમનો હંમેશ ગેરલાભ ઉઠાવતો હતો. યુધિષ્ઠિર જાણતા હતા કે દ્યૂત માટેનું નિમંત્રણ એ યુદ્ધના નિમંત્રણ જેવું જ ગણાય છે અને વીરપુરુષે તેવા નિમંત્રણને સ્વીકારી લેવું જ જોઈએ. અને આશ્ર્ચર્યની વાત એ છે કે ભરી સભામાં યુધિષ્ઠિર સાથે દ્યૂત રમ્યો દુર્યોધન નહિ, કે રાજા ધૃતરાષ્ટ્ર નહિ, પણ મામો શકુનિ ! તેને આ સભામાં કૌરવો તરફથી દાવ લેવાનો શો અધિકાર હતો ?! કોણે એ અધિકાર એને આપેલો ?! સભામાં ઉપસ્થિત પિતામહ ભીષ્મ અને ગુરુદ્રોણાચાર્ય જેવાએ આ સામે કેમ વાંધો ઉઠાવ્યો નહિ ?! યુધિષ્ઠિર જેવા ધર્માત્મા અને સત્યનિષ્ઠ રાજવી દ્યૂતના દાવમાં કપટ કરવામાં પાવરધા શકુનિ સામે કેવી રીતે જીતી શકે ? પોતાની તમામ સંપત્તિ અને પોતાના ભાઈઓને પણ હારી ગયા પછી યુધિષ્ઠિર પોતાની જાતને પણ હારી ગયા. તેમને તેણે ઉશ્કેર્યો કે છેલ્લી તક છે જીતવાની. દ્રૌપદીને હોડમાં મૂકો અને જો જીતો તો તમને ગુમાવેલું બધું જ પાછું મળે ! છેવટે રજસ્વલા એકવસ્ત્રા કુલવધૂ દ્રૌપદીના વસ્ત્રહરણનો અભદ્ર પ્રસંગ ઊભો થયો અને ભીમની પ્રતિજ્ઞાઓ પણ ત્યારે જ આવી પડી !
ધૃતરાષ્ટ્રની કૃપાથી બધું પાછું મેળવી પાંડવો ઇન્દ્રપ્રસ્થ જવા નીકળ્યા તો વળી રસ્તામાં જ ફરીથી એ જ નિમંત્રણ મળ્યું અને પાછા ફર્યા ! ફરી શકુનિએ પાસા નાખ્યા. શરત મુજબ હારેલા પાંડવો દ્રૌપદી સાથે 12 વર્ષ વનવાસ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ ભોગવવા નીકળી પડ્યા ! ત્યાં પણ દુર્યોધન-શકુનિએ ઉપદ્રવો ચાલુ રાખ્યા.
ઘોષયાત્રા : આ ઉપદ્રવોમાં ‘ઘોષયાત્રા’ ખાસ નોંધપાત્ર છે. પાંડવો જ્યારે દ્વૈતવનમાં વસતા હતા ત્યારે શકુનિને વિચાર આવ્યો કે દુર્યોધનની તાકાતનો પરચો તેમને બતાવવો જોઈએ. આ માટે સૈન્ય લઈને એ લોકો ઊપડ્યા પણ પરિસ્થિતિએ જુદો જ વળાંક લીધો. દ્વૈતવનમાં ગન્ધર્વરાજ ચિત્રસેનનો ભેટો થયો અને સંઘર્ષ થયો. કૌરવો હાર્યા અને બંદીવાન બન્યા. છેવટે જેમની આગળ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા નીકળેલા એમની મદદ માગવી પડી, એ સજ્જન ભાઈઓએ એ બધાને છોડાવી લીધા !
યુદ્ધમાં : જે યુદ્ધ શકુનિની કુટિલતાને લીધે જ નિવારી ન શકાયું તેમાં તે પણ અનેક સાથે લડ્યો તેવાં વર્ણન ‘મહાભારત’માંથી પ્રાપ્ત થાય છે. તેમાં મોટેભાગે તે હાર્યો. પ્રતિવિન્ધ્ય, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, અર્જુન તથા ભીમસેન સાથે તે લડ્યો. છેલ્લા દિવસે પાંડવોની અશ્વસેનાએ એના ઉપર આક્રમણ કર્યું ત્યારે તે યુદ્ધભૂમિ પરથી ભાગી ગયો. છેવટે સહદેવે તેને માર્યો. તે મર્યો તે દિવસ યુદ્ધનો છેલ્લો દિવસ – પોષ વદ અમાવાસ્યાનો દિન હતો. તેના પુત્ર ઉલૂકને પણ સહદેવે માર્યો.
જયન્ત પ્રેમશંકર ઠાકર