શકુનિકાવિહાર : પ્રાચીન કાળમાં શ્રીલંકાની રાજકુમારીએ ભરુકચ્છમાં બંધાવેલ જૈનમંદિર.

શ્રીલંકાની એક રાજકુમારી સુદર્શનાએ ત્યાંથી ભરૂચ આવી, અશ્વાવબોધતીર્થમાં ‘શકુનિકાવિહાર’ નામે જૈનમંદિર બંધાવ્યું હતું એવી અનુશ્રુતિ અનેક પ્રાચીન જૈન ગ્રંથોમાં નોંધાઈ છે, અને એનો નિર્દેશ કરતાં શિલ્પ અનેક જૈન મંદિરોમાં છે. એ પ્રસંગનો ચોક્કસ સમય-નિર્ણય કરવો મુશ્કેલ છે, પણ વિજયે શ્રીલંકામાં વસાહત સ્થાપ્યા પછી કેટલાક સમય બાદ એ બન્યો હોય એ સંભવિત છે. ‘શકુનિકા વિહાર’માં જીર્ણોદ્ધાર અનેક વાર થયા. મુસ્લિમ સમયમાં ‘શકુનિકાવિહાર’ની મસ્જિદ બની ગઈ. આજે પણ એ મસ્જિદ ભરૂચમાં છે. ગુજરાત અને શ્રીલંકાના સાંસ્કૃતિક સંપર્કની યાદ એ તાજી કરે છે.

ભરુકચ્છમાં ઘણા જ પ્રાચીન કાળથી વીસમા તીર્થંકર મુનિ સુવ્રતનું ચૈત્ય હતું, જે ‘અશ્વાવબોધતીર્થ’ના નામથી ઓળખાતું હતું. શ્રીલંકાની એક રાજકુમારી સુદર્શનાએ એનો જીર્ણોદ્ધાર કરાવી એમાં ચોવીસ દેવકુલિકાઓ, પૌષધશાળા, દાનશાળા, અધ્યાપનશાળા વગેરે બંધાવી એ તીર્થને ‘શકુનિકા વિહાર’ નામ આપ્યું હતું, જે ‘સમળી વિહાર’ તરીકે પણ ઓળખાતું.

જયકુમાર ર. શુક્લ