શંખ–છીપલાં (Gastropoda and Bivalvia) : શરીરના આવરણ તરીકે ‘પ્રાવરણ’ (mantle) નામે ઓળખાતા પટલમાં આવેલ ગ્રંથિઓના સ્રાવથી નિર્માણ થતા કૅલ્શિયમના બનેલા કવચ(shell)ને શરીરની ફરતે ધારણ કરતા મૃદુકાય (mollusa) સમુદાયનાં પ્રાણીઓ. શંખ કે શંખલાં જેવાં કવચવાળાં મૃદુકાય પ્રાણીઓનો સમાવેશ ઉદરપદી (gastropoda) વર્ગમાં કરવામાં આવેલો છે. જ્યારે બે છીપલાં વડે બનેલ કવચથી ઢંકાયેલાં મૃદુકાયો દ્વિપટલ (bivalvia) અને પરશુપદી (pelecypoda) વર્ગનાં પ્રાણીઓ તરીકે જાણીતાં છે.
શંખધારી મૃદુકાયો : મોટાભાગનાં પ્રાણીઓ સામાન્યપણે કવચ સાથે તેનું ઢાંકણ (operculum) પણ હોય છે. ઢાંકણ હોય ત્યારે તે પગ સાથે જોડાયેલું રહે છે. પગ પર શરીરનાં બધાં અંતરાંગો (internal organs) પ્રસ્થાપિત થયેલાં હોય છે. કવચનો મધ્યસ્થ ભાગ સ્તંભ(columella)નો બનેલો હોય છે અને તેની ફરતે કવચ કુંડલિત (coiled) થયેલું હોય છે. શરીરની વૃદ્ધિ સાથે શૃંખલા સ્તંભની ફરતે વીંટળાતાં શંખમાંનાં વલયોનું (whorles) નિર્માણ થાય છે.
પગ ચાલવા કે તરવા માટે અનુકૂલન પામેલા હોય છે. મોટાભાગના પગ કેશતંતુયુક્ત પણ હોય છે, જે તરવા માટે ખાસ સહાયકારી નીવડે છે.
સામાન્યપણે શૃંખલાના (ખાસ કરીને જમીનવાસી ગોકળગાય (snail) જેવાં પ્રાણીઓમાં) પગ શ્લેષ્મગ્રંથિ વડે સધાયેલા હોય છે. તેને લીધે પથની સપાટી (substratum) પર ગ્રંથિઓનો ચીકણો સ્રાવ પ્રસરતો હોય છે, જેના પરિણામે ગોકળગાય સહેલાઈથી માર્ગક્રમણ કરે છે. મોટાભાગનાં મીઠાં જળાશયીન શંખલાં પગની મદદથી આધારતળને ચોંટીને રહેવા અનુકૂલન પામેલાં હોય છે.
મોટાભાગનાં શંખલાં જલજીવી હોય છે. કેટલાંક જમીન પર વસે છે. દરિયાઈ (જલ) જીવો સામાન્યપણે ઝાલરોની મદદથી શ્વાસોચ્છ્વાસ લે છે, જ્યારે જમીનવાસી અને મીઠા જળાશયીન શંખલાં ફેફસાંની મદદથી શ્વાસોચ્છ્વાસ લેતાં હોય છે. આ મૃદુકાયો ફેફસાંધારી (pulmonate) તરીકે જાણીતાં છે.
શંખલાંનો ખોરાક શેવાળ અન્ય વનસ્પતિના અંશો કે પરજીવોનો બનેલો હોય છે.
પગ પર સ્થિતકોષો (statocyst) આવેલા છે, જે શરીરની સમતુલા જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે; જ્યારે શીર્ષપ્રદેશ પર સ્પર્શકો(antennae)ની એક જોડ આવેલી છે. તેઓ સ્પર્શ-સંવેદનગ્રાહી તરીકે સહાયકારી છે. તદુપરાંત સ્પર્શકોના મુક્ત છેડે અથવા તો તેના તલસ્થ ભાગ સાથે આંખો જોડાયેલી છે.
શંખલાં એકલિંગી અથવા તો દ્વિલિંગી હોય છે. એકલિંગી પ્રાણીઓ શિશ્ર્નની મદદથી માદાના શરીરમાં શુક્રકોષોનો ત્યાગ કરે છે. એ રીતે અંત:ફલનથી ફલિતાંડ નિર્માણ થાય છે. કેટલાંક ઉભયલિંગી પ્રાણીઓ પણ એકલિંગી તરીકે શુક્રકોષોનો ત્યાગ સાથીના શરીરમાં કરે છે. જોકે દ્વિલિંગી પ્રાણીઓ સામાન્યપણે શુક્રકોષોનું વિમોચન પાણીમાં કરે છે. એ રીતે બહિર્ફલનથી ફલિતાંડ ઉત્પન્ન થાય છે. જળવાસીઓના ફલિતાંડમાંથી ડિમ્ભ વિકાસ પામે છે. આ ડિમ્ભ મુક્તપણે તરીને યોગ્ય
જગ્યાએ સ્થાયી બનીને પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. જમીનવાસી શંખલાં ભીની જગ્યાએ ફલિતાંડનો ત્યાગ કરે છે. તેમનો વિકાસ થતાં પુખ્ત બને છે.
જમીનવાસી શંખલાંને ગોકળગાય (snail) કહે છે. હેલિક્સ નામે ઓળખાતી ગોકળગાય ભારતની સામાન્ય વતની છે. તેને ભીની જગ્યાએ કે બાગ-બગીચામાં ફરતી જોઈ શકાય છે. તેનો પગ લાંબો અને સારી રીતે વિકાસ પામેલો હોય છે. તે ઢાંકણ-વિહોણો હોય છે. જમીનવાસીઓનાં શંખલાંનું કવચ નાનું હોય છે અને તે પીઠ સાથે ચોંટેલું હોય છે. કેટલાંકમાં તો કવચને સ્થાને શરીરની અંદર એક ચપટી તકતી (plate) આવેલી હોય છે. મીઠાં જળાશયીન શંખલાંનો આકાર ગોકળગાય જેવો હોય છે. તેમનાં શરીરમાં જળાશયમાં તરતા યકૃતકૃમિ(liver fluke)નું ડિમ્ભ પ્રવેશ પામીને વિકાસ સાધે છે, જે રૂપાંતરણથી બીજા પ્રકારના ડિમ્ભમાં પરિવર્તન પામે છે. જો આ ડિમ્ભ ઘેટાંના સંપર્કમાં આવે તો તેના શરીરમાં વિકાસ પામીને યકૃતમાં સ્થાયી બને છે, જે ઘેટાં માટે વિનાશકારી છે.
આશરે 75 %થી 80 % મૃદુકાયોનો સમાવેશ શંખલાં-વર્ગમાં થયેલો છે. તેમાંનાં 40,000થી 50,000 શંખલાં દરિયામાં વસે છે. દરિયાકિનારે આવેલ રેતીમાં જાત જાતનાં શંખલાંનાં કવચ જોવા મળે છે. આશરે 17,000 જેટલાં શંખલાં ફેફસાંની મદદથી શ્વાસોચ્છ્વાસ લે છે. મોટેભાગે તેઓ જમીન પર અને મીઠાં જળાશયોમાં વસે છે. કેટલાંક તો વૃક્ષો પર કે રણપ્રદેશમાં પણ વસે છે.
ભારતના ભરતીઓટવાળા દરિયાકિનારે વસતાં શંખલાં વિવિધતા માટે જાણીતાં છે. તેમાંનાં લિંપેટ નામે ઓળખાતાં શંખલાં વલય-વિહોણાં હોય છે. કદમાં તેઓ નાનાં 2થી 5 સેમી. જેટલાં હોય છે અને ખડક જેવાને ચોંટીને જીવન પસાર કરતાં હોય છે. કર્ણશંખલાં (ear shells) આકારે માનવીના કાન જેવાં હોય છે; જ્યારે પાઘડી-શંખલાં(turban shells)નો આકાર ફેંટાને મળતો આવે છે. શંકુ-શંખલાં (top-shells), શૃંગી-શંખલાં (horn shells), કૃમિ-શંખલાં (worm shells), કપ-રકાબી-શંખલાં (cup-saucer shells), જીભ-શંખલાં (flamingo-tongue shells), બિશપટોળી-શંખલાં (bishops-mitre shells), છાયાયંત્ર-શંખલાં જેવાં શંખલાં – એમ વિવિધ આકારનાં શંખલાં હોય છે. સામાન્યપણે મળતાં અન્ય શંખલાંમાં નેરાઇટ, પેંરિવિંકલ, મ્યુરેક્સ, કોડી (cowrie) અને ચાંદ જેવાંનો સમાવેશ કરી શકાય.
હિંદુઓનો પવિત્ર ગણાતો શંખ (Xancus Pyrum) કચ્છના અખાતના પિરોટન, પોશિત્રા જેવા દ્વીપોમાં સારી સંખ્યામાં મળે છે.
છીપલાં : તેમને દ્વિપટલ (bivalve) પટલલોમી (lamelli branchia) પણ કહે છે. આ મૃદુકાયોનું કવચ બે પટલોનું બનેલું હોય છે. પટલો છીપલાં નામે જાણીતાં છે. છીપલાં મજાગરા (hinge) વડે એકબીજાં સાથે જોડાયેલાં હોય છે. કવચની પ્રાવરણ-ગુહા (mantle cavity) સારી રીતે વિસ્તરેલી હોય છે. સામાન્યપણે છીપલાં પર વૃદ્ધિરેખા (growth-line) સારી રીતે ઊમટેલી હોય છે. ગુહા બંધ હોય ત્યારે તે અંતર્વાહી (inflow) અને બહિર્વાહી (outflow) નામે ઓળખાતી બકનળી (siphons) વડે બાહ્ય પર્યાવરણ સાથે સંપર્ક સાધે છે.
છીપલાંધારી મૃદુકાયોનો પગ આકારે કુહાડી જેવો હોય છે. આ મૃદુકાયો પગની મદદથી મંદ ગતિએ ચાલતાં હોય છે. ઘણી દ્વિપટલનું નીચલું છીપલું આધારસ્થળને ચોંટેલું હોય છે. તેથી પુખ્તાવસ્થામાં તે સાવ સ્થાયી જીવન પસાર કરે છે. આવાં મૃદુકાયોમાં કાલુછીપ (edible oyster ostrea) અને મોતીછીપ (pearl oyster) જેવાંનો સમાવેશ થાય છે. દ્વિપટલની ઝાલર ગડીયુક્ત (lamillated) હોય છે. ઝાલરો શ્વાસોચ્છ્વાસ ઉપરાંત પ્રાવરણ-ગુહામાંથી પસાર થતા ખોરાકને ભેગો કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. પ્રાવરણની કિનારીએ સંવેદી કોષો આવેલા હોય છે. તેમાં સ્પર્શકોષો, પ્રકાશગ્રાહી કોષો અને સ્થિત કોષો વગેરેનો સમાવેશ થાય છે.
ભારતના દરિયાકિનારે અને તેની આસપાસ વસતી દ્વિપટલની ઘણી જાતો આર્થિક અગત્યની છે. અગાઉ જણાવેલ કાલુછીપ, દરિયાના પશ્ર્ચ જલવિસ્તાર (back water) અને નદમુખી (estuarine) વિસ્તારમાં દેખાતી પશ્ર્ચજલ-છીપ (meretrix), હરિત છીપ (green mussel) અને નીલ છીપ (mytelus) જેવાં છીપલાં માનવ માટે ખોરાકી જલજીવોની ગરજ સારે છે. કાદવમાં વસતી કાચશુક્તિ(window-pane)-છીપ ચપટી અને આકારે ગોળ હોય છે. દેખાવે સુંદર હોવાથી તેઓ કાચની બારીઓ જડવા તેમજ શણગારવા માટે વપરાય છે. હરિત છીપ અને નીલ છીપ જાતે બનાવેલ તાંતણા વડે આધારતળને ચોંટીને સ્થાયી જીવન પસાર કરે છે. કાચશુક્તિ અને છૂરિકા-છીપ (razor clam), બેટદ્વારકાના કાદવમાં મોટી સંખ્યામાં ખૂંપેલી જોવા મળે છે. કંકત છીપ (scallop/pecten) અને હૃદ્-છીપ (cardium) દેખાવમાં લગભગ સરખી હોય છે. તેના મજાગરા કાનના આકારના હોય છે. જ્યારે તેની બાહ્ય સપાટી પાંસળીઓ (ribs) વડે સધાયેલી હોય છે. તેઓ દરિયાના તળિયે કૂદીને પસાર થતી જોવા મળે છે. તેનાં છીપલાં દરિયાકિનારે સારી સંખ્યામાં અહીંતહીં પસરેલાં જોવા મળે છે. ભરતી-ઓટ વિસ્તારમાં વસતી મૃદુ-કવચ છીપ (soft-shell clam/mya) પોતાની બકનળીઓને લંબાવી શકે છે.
દેખાવે ખજૂર જેવી ખજૂર-છીપ (date shell/ lithophaga), ચૂના-પથ્થર (lime stone) કે પ્રવાળ (coral) વીંધીને પોતે બનાવેલ દરમાં સ્થાયી જીવન પસાર કરે છે. હોડી-કૃમિ-(ship-warm)-છીપ લાકડાને વીંધીને બનાવેલા દરમાં રહે છે. કોતરેલ લાકડાની ભૂકી ખાઈને, હોડી, થાંભલા (pier), ધક્કો (Jetty/dock) જેવાને નુકસાન પહોંચાડે છે. આ કૃમિએ ખોદેલ દ્વારનું છિદ્ર અત્યંત નાનું હોવાથી લાકડું બરડ બને ત્યારે જ તેનો ખ્યાલ આવે છે.
મ. શિ. દુબળે