શંકુદ્રુમ (conifers) : અનાવૃત્ત બીજધારીના કૉનિફરેલ્સ અને ટેક્સેલ્સ ગોત્રની શંકુ આકારની બહુવર્ષાયુ વૃક્ષ કે ક્ષુપસ્વરૂપ વનસ્પતિઓ. શંકુદ્રુમનું અસ્તિત્વ ઉપરિક અંગારયુગથી પ્રારંભી – મહાસરટ અને ખટીયુગમાં ઘનિષ્ઠ સ્વરૂપે વિકસી હતી; પરંતુ મધ્યકલ્પ કાળમાં તેની સંખ્યામાં ક્રમશ: ઘટાડો થવા લાગ્યો; કારણ કે આવૃત બીજધારીઓ (angiosperms) વચ્ચે તીવ્ર સંઘર્ષ થયો અને આવૃત બીજધારીઓનો ફેલાવો ઝડપથી વધતો ગયો ત્યારે શંકુદ્રુમ વનસ્પતિઓ મહાકાય સ્વરૂપને લીધે ક્રમશ: નાશ પામતી ગઈ. મોટા ભાગની શંકુદ્રુમ વનસ્પતિ પરિમૃત થઈ. કેટલીક અત્યંત જાણીતી અને આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિઓ જેવી કે પાઇનસ (pinus-ચીર), દેવદાર (cedarus), એબિસ, જ્યૂનિપર્સ, ક્યૂપ્રેસસ, થૂજા, સિક્વોયા, ટૅક્સૉડિયમ, ટેક્સસ, સ્યૂગા, પિસિયા, લેરિક્સ, પોડોકાર્પસ, સીફેલો-ટૅક્સસ, ક્રિપ્ટોમેરિયા, બાયૉટા, ઑરોકેરિયા, કેલિટ્રિસ, અગાથીસ – વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. સિક્વોયા અમેરિકાનાં કૅલિફૉર્નિયાનાં જંગલોમાં જોવા મળે છે. સિક્વોયા જાયજેન્શિયા 100 મીટર જેટલું ઊંચું અને 5થી 11 મીટર જેટલો થડનો ઘેરાવો અને 4,000 વર્ષનું આયુષ્ય ધરાવતું વૃક્ષ છે. મોટાભાગનાં શંકુ આકારનાં અનાવૃત બીજધારીઓનાં થડ નીચેથી પહોળાં ફેલાયેલાં અને ઉપર જતાં ક્રમશ: સાંકડાં થતાં જતાં હોય છે. શાખાઓ અને પર્ણો એવી રીતે ગોઠવાયેલાં હોય છે કે તેમની ઉપર પડતો બરફ ધીરે ધીરે ક્રમશ: ઉપરથી પસાર થઈ જમીન ઉપર પડે. શંકુદ્રુમની વિશ્વભરમાં 52 પ્રજાતિઓ અને 570 જાતિઓ નોંધાઈ છે. સિક્વોયાના મહાકાય વૃક્ષથી માંડી ડેક્રિડિયમ જેવી જાતિ યુરોપ અને અમેરિકાના શીત પ્રદેશોમાં થાય છે, જે ફક્ત થોડા ઇંચની ઊંચાઈ ધરાવે છે. વિશ્વનાં જંગલોમાં શંકુદ્રુમ જંગલોનો હિસ્સો 35 % જેટલો છે. પૃથ્વીના ઉત્તર તથા દક્ષિણ ગોળાર્ધમાં તે નૈસર્ગિક રીતે ઊગે છે. ભારતમાં હિમાલય તથા આસામનાં જંગલોમાં 900 મી.ની ઊંચાઈથી પ્રારંભી 1,800 મી.ની ઊંચાઈ સુધી કૉનિફેરલ્સનાં જંગલો નૈસર્ગિક રીતે ઊગેલાં છે. દક્ષિણ ભારતમાં તેઓ મુખ્યત્વે ઉટાકામંડ, કોડાઇકેનાલ અને કેરળના પર્વતીય પ્રદેશોમાં છે. અહીં હિમાલયની જેમ શંકુદ્રુમ જંગલોની નૈસર્ગિક પ્રાપ્તિ જોવા મળતી નથી.

શંકુદ્રુમ-સ્વરૂપીય વનસ્પતિઓને કુલ અગિયાર કુળમાં વર્ગીકૃત કરવામાં આવે છે; જેમાંનાં પાંચ કુળો અશ્મીભૂત સ્વરૂપો છે; જેમાં (1) લીબાશિયેસી, (2) વૉલ્ટઝિયેસી, (3) પેલિસિયેસી, (4) ચીરોલેપિડિયેસી અને (5) પ્રોટોપાઇનેસીનો સમાવેશ થાય છે; જ્યારે બાકીનાં છ કુળ જીવંત અને અશ્મી-સ્વરૂપે મળી આવે છે; જેમાં (6) પાઇનેસી, (7) ટેક્સૉડિયેસી, (8) ક્યૂપ્રેસેસી, (9) પોડોકાર્પેસી, (10) ઑરોકેરિયેસી અને (11) સીફેલોટૅક્સેસીનો સમાવેશ થાય છે. શંકુદ્રુમની કેટલીક જીવંત પ્રજાતિ અને જાતિઓનું ભૌગોલિક પ્રસારણ આ પ્રમાણે છે :

પાઇનેસી : ઉત્તર ગોળાર્ધનું  સમશીતોષ્ણ અને શીતકટિબંધનું આ જાણીતું કુળ છે, જેમાં 10 પ્રજાતિઓ અને 145 જેટલી જાતિઓનો સમાવેશ થાય છે, જેની માહિતી નીચે પ્રમાણે છે :

એબિસની 50 જેટલી જાતિઓ જોવા મળે છે. તે ઉત્તરીય સમશીતોષ્ણ કટિબંધ તથા મધ્ય અમેરિકામાં નૈસર્ગિક રીતે મળી આવે છે. ‘એબિસ બાલ્સામિયા’માંથી કૅનેડા બાલ્સમ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ જીવવિજ્ઞાનની પ્રયોગશાળામાં આસ્થાપનના દ્રવ્ય તરીકે થાય છે. ભારતમાં હિમાલયમાં નૈસર્ગિક રીતે મળી આવે છે.

દેવદાર તરીકે જાણીતી આ વનસ્પતિની ચાર જાતિઓ થાય છે. તે મુખ્યત્વે ભારત, સાયપ્રસ, અલ્જેરિસ અને મધ્ય-પૂર્વ યુરોપના દેશોમાં પ્રાકૃતિક રીતે મળી આવે છે. ભારતના ગઢવાલ-હિમાલયમાં 1,200થી 1,300 મી.ની ઊંચાઈ સુધી તે જોવા મળે છે. ઘણી વાર તેની ઊંચાઈ 75 મી. અને થડનો ઘેરાવો 13.5 મી. જેટલો નોંધાયો છે. આ ક્ષેત્રમાંથી 700 વર્ષનું પ્રાચીન વૃક્ષ બૉટનિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાએ શોધ્યું છે. આ cedarus deodaraનો અર્થ ‘દેવે દીધેલું કાષ્ઠ’ એવો થાય છે; તેથી આ વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે.

પિસિયાની 50 જેટલી જાતિઓ થાય છે. હિમાલય ઉપરાંત ઉત્તરીય ગોળાર્ધના શીતકટિબંધમાં તે નૈસર્ગિક રીતે મળી આવે છે. સિક્કિમ, ભૂતાન તથા નેપાળમાં પણ તે મળી આવે છે.

પાઇનસ ઇમારતી લાકડું, રેઝિન, ટર્પેન્ટાઇન જેવી બનાવટો માટે જાણીતા પાઇનસની 100 જેટલી જાતિઓ નોંધાઈ છે. તેનું ભૌગોલિક વિતરણ – ઉત્તરીય યુરોપ, ઉત્તરીય-મધ્ય અમેરિકા, ઉત્તર આફ્રિકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાનમાર, ભારત, નેપાળ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં જોવા મળે છે. ભારતમાં તેની છ જાતિમાંની ચાર હિમાલયમાંથી નોંધાઈ છે. તેમાં Pinus roxburghii, P. wallichiana, P. insularis અને P. gerardiana મુખ્ય છે. બાકીની બે P. armandi અરુણાચલ પ્રદેશ અને P. merkusii આંદામાન- નિકોબારમાંથી મળી આવે છે. પાઇનસને ચીર વૃક્ષ કહેવામાં આવે છે. ચીલગોઝા મોટાભાગે પર્વતીય લોકો ખાય છે. P. aristata નામનું 4,600 વર્ષ જૂનું પ્રાચીન વૃક્ષ કૅલિફૉર્નિયાના નૅશનલ ફૉરેસ્ટમાંથી મળી આવ્યું છે. તે વિશ્વનું પ્રાચીનતમ પાઇનસ વૃક્ષ છે.

કેથાયાની બે જાતિઓ ફક્ત ચીનમાં થાય છે. કેટેલેરિયા, સ્યૂડોલેરિક્સ, સ્યૂડોસ્યુગા વગેરે યુરોપ, અમેરિકા, ઇન્ડોનેશિયા અને ચીનમાં જોવા મળે છે; જ્યારે લેરિક્સ અને સ્યુગા આ દેશો ઉપરાંત ભારતમાં પણ જોવા મળે છે.

ટૅક્સૉડિયેસી : આ કુળની કુલ 10 પ્રજાતિઓ અને 15 જાતિઓ વિશ્વભરમાંથી નોંધાઈ છે. તેમાંની આર્થોટૅક્સિસ ઑસ્ટ્રેલિયા અને ટાસ્માનિયામાં; ટાઇવાનિયા ચીન અને તાઇવાનમાં; ટૅક્સોડિયમ મેક્સિકો અને અમેરિકામાં; સિક્વોઇયા મહાકાય વૃક્ષ અમેરિકાના કૅલિફૉર્નિયામાં; સિક્વોઇયા ડેડ્રૉન કૅલિફૉર્નિયામાં; કનિંગહેમિયા તાઇવાન-ચીનમાં; ગ્લિપ્ટોસ્ટ્રૉબસ ચીનમાં; સાયેડોપિટિસ જાપાનમાં અને મેટાસિક્વોઇયા ફક્ત ચીનમાં મળી આવે છે. જાપાનનું Cryptomeria japanica ભારતભરમાં પર્વતીય ઊંચાઈએ મોટા પાયે ઉછેરવામાં આવે છે. દાર્જિલિંગ, કોડાઈકેનાલ અને ઉટાકામંડ ઉપર તેનાં અતિશય ઊંચાં અને મહાકાય વૃક્ષોનાં જંગલ જોવા મળે છે.

આકૃતિ 1 : કેટલીક શંકુદ્રુમ વનસ્પતિઓ : (અ) એબિસ, (આ) પિસિયા, (ઇ) ક્રિપ્ટોમેરિયા, (ઈ) લેરિક્સ, (ઉ) સીડ્રસ, (ઊ) જ્યુનિપેરસ, (ઋ) ઑરોકેરિયા બિડવિલી, (એ) ફાયલોક્લેડસ, (ઐ) પોડોકાર્પસ, (ઓ) ટૅક્સસ, (ઔ) જિન્કો.

આસામની ખાસી, ગારો અને જિન્ટિયાની ટેકરી ઉપર તેનાં ગાઢ જંગલો છે. ઑરોકેરિયેસી કુળમાં એગેથિસની 20 જાતિઓ અને ઑરોકેરિયાની 18 જાતિઓનો સમાવેશ થાય છે. આ બંને પ્રજાતિઓ ભારત સહિત ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચિલી, ન્યૂઝીલૅન્ડ, મલેશિયા વગેરે દેશોમાં જોવા મળે છે. ઑરોકેરિયાને ‘મન્કી પઝલ’ તરીકે ઓળખવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં આ વૃક્ષને પવિત્ર ગણી નાતાલની ઉજવણીમાં Araucaria bidwillii ‘ક્રિસ્ટમસ ટ્રી’ તરીકે ઘરઆંગણે સુશોભિત કરાય છે. બૅંગલુરુના લાલ બાગમાં લગભગ 24 મી. ઊંચાઈવાળાં વૃક્ષો છે. દહેરાદૂનની વનસંશોધન-સંસ્થા(FRI)ના પરિસરમાં ઑરોકેરિયા અને એગેથિસની ઘણી જાતિઓ જીવંત સ્વરૂપે રક્ષાયેલી છે. Agathis robusta લગભગ 40 મી. ઊંચું વૃક્ષ છે. એગેથિસનું લાકડું બાંધકામમાં પર્વતીય પ્રદેશોમાં વપરાય છે.

સીફેલોટૅક્સેસી કુળની સીફેલોટૅક્સસ પ્રજાતિની 7 જાતિઓ પૂર્વ એશિયામાં જોવા મળે છે. ભારતમાં Cephalotaxus manii ખાસી તથા નાગા ટેકરીઓ ઉપર અને C. griffithii અરુણાચલ, મણિપુર તથા નાગા ટેકરીઓ ઉપર નૈસર્ગિક રીતે જોવા મળે છે. મ્યાનમારમાં તે વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ક્યુપ્રેસેસી કુળમાં 16 પ્રજાતિઓ અને 133 જાતિઓ થાય છે. ક્યુપ્રેસસની 15 જાતિઓ પૈકી ભારતમાં Cupressus torulosaનું વૃક્ષ 45 મી. ઊંચાઈવાળું હોય છે. તેનું લાકડું અત્યંત કીમતી અને ટકાઉ હોય છે. C. cashmeriana કાશ્મીરમાં નૈસર્ગિક રીતે ઊગે છે. C. sempervirensને બાગ-બગીચામાં શોભાના વૃક્ષ તરીકે ઉછેરવામાં આવે છે. Juniperus communis હિમાલયમાં અને કુમાઉની ટેકરીઓ ઉપર જોવા મળે છે. યુરોપમાં તે વિપુલ પ્રમાણમાં ઊગે છે. તેનાં ફળો દારૂ-જિનના ઉત્પાદનમાં વપરાય છે, જ્યારે શુષ્ક પ્રકાંડ ધૂપ બનાવવામાં ઉપયોગી છે. J. macropodaના કાષ્ઠમાંથી પેન્સિલ બનાવવામાં આવે છે. કેલિટ્રિસની 20 જાતિ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાંથી મળી આવે છે. નીલગિરિ પર્વતમાળામાં તે મોટા પાયે ઉછેરાય છે. થુજાને ગુજરાતીમાં વિદ્યા કહે છે. તેની 6 જાતિઓ થાય છે. Thuja orientalis ભારતભરના બગીચાઓમાં ઉછેરાય છે. તેને મળતી થુજોપ્સિસ જાપાનમાં નૈસર્ગિક રીતે ઊગે છે. કુન્નુર બૉટનિકલ ગાર્ડનમાં તેનો એક નમૂનો કાળજીપૂર્વક ઉછેરાયો છે.

પોડોકાર્પસની 7 પ્રજાતિઓ અને આશરે 111 જાતિઓ થાય છે. પીળી કરેણ જેવાં પર્ણ ધરાવતા પોડોકાર્પસની આશરે 80 જાતિઓ જોવા મળે છે. Podocarpus nerifolius હિમાલય, સિક્કિમ અને આંદામાનનાં જંગલોમાં નૈસર્ગિક રીતે પ્રાપ્ત થાય છે. તેનું લાકડું હોડી-હલેસાંની બનાવટમાં ઉપયોગી છે. P. wallichianus દક્ષિણ ભારતમાં નૈસર્ગિક રીતે નીલગિરિ(ઉટાકામંડ)માં ઊગે છે. આ ઉપરાંત ડેક્રિડિયમ ન્યૂઝીલૅન્ડ, ચિલી તથા ઇન્ડોનેશિયામાં; માયક્રૉસ્ટ્રોબસ ઑસ્ટ્રેલિયા અને તાસ્માનિયામાં તેમજ ફાયલોક્લેડસ પણ ત્યાં મોટા પાયે ઊગે છે. સેક્સેગોથિયા ચિલીમાં, એકમોપાઇલ ન્યૂકૅલિડોનિયા અને ફિજીમાં નૈસર્ગિક રીતે મળી આવે છે.

ટૅક્સેલ્સ ગોત્રમાં એક જ કુળ ટૅક્સેસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટૅક્સેસી કુળ 5 પ્રજાતિઓ અને 15 જેટલી જાતિઓ ધરાવે છે. એનેન્ટોટૅક્સસ ચીનમાંથી ટર્શિયરી ભૂસ્તરીય યુગમાં મળી આવેલ અશ્મીભૂત પ્રજાતિ છે. ટોરેયા પ્રજાતિ 5 જાતિઓ ધરાવે છે. તે ઉપરિ જુરાસિક સમયથી મળી આવતી પ્રજાતિ છે અને ચીન, જાપાન, કૅલિફૉર્નિયા અને ફ્લોરિડામાં મળી આવે છે.

ઑસ્ટ્રૉટૅક્સસ એક જાતિ ધરાવે છે. તે ન્યૂકૅલિડોનિયામાં જોવા મળે છે. નૉથોટૅક્સસની એક જાતિ ચીનમાંથી મળી આવે છે. ટૅક્સસ પ્રજાતિ (યૂ) 7થી 8 જાતિઓ ધરાવે છે અને તે ઇંગ્લૅન્ડ, યુરોપ, એશિયા માઇનોર, હિમાલય, ચીન, જાપાન, ફિલિપાઇન્સ, ઉત્તર અમેરિકા અને મેક્સિકોમાં જોવા મળે છે. તે જુરાસિક યુગથી મળી આવે છે.

ભારતમાં Taxus baccata સમશીતોષ્ણ હિમાલય, ખાસી અને નાગા ટેકરીઓ, મણિપુર અને ઉપરિ મ્યાનમારમાં થાય છે. તે 15 મી. ઊંચું વૃક્ષ છે અને ઘણી વાર ખૂબ જૂનું હોય છે. તેનું કાષ્ઠ સખત હોય છે. T. wallichianaનાં પર્ણો વધારે સાંકડાં હોય છે અને તેને એક અલગ જાતિ તરીકે મૂકવામાં આવે છે; છતાં T. baccata કરતાં અલગ છે કે કેમ તે શંકાસ્પદ છે.

શંકુ આકારના વૃક્ષના દેખાવને કારણે જિન્કોએલ્સ ગોત્રને પણ કૉર્નિફેરોપ્સિડા વર્ગમાં મૂકવામાં આવે છે. તેની એક જ જાતિ Ginkgo biloba(મેડન હેર ટ્રી)નો ઉદભવ ડેવોનિયન ભૂસ્તરીય યુગમાં થયો હતો. ટ્રાયેસિક ભૂસ્તરીય યુગમાં તેનું વિસ્તરણ, જુરાસિકમાં તેની પરાકાષ્ઠા અને તે પછી ક્રમશ: નષ્ટપ્રાય બનતી જતી જીવંત અશ્મીભૂત જાતિ ગણાય છે. તેનું વાવેતર ચીન અને જાપાનનાં મંદિરોમાં થાય છે. દાર્જિલિંગ, દહેરાદૂન અને મસૂરીમાં તેનાં બહુ ઓછી સંખ્યામાં વૃક્ષો મળી આવે છે. દહેરાદૂનની વનસંશોધન સંસ્થામાં તેનો જીવંત નમૂનો છે.

જૈમિન વિ જોશી