શંખજીરું (Talc, Soapstone, Steatite)

January, 2006

શંખજીરું (Talc, Soapstone, Steatite) : અત્યંત મૃદુ અને સુંવાળું ખનિજ. શંખજીરુંના નામ હેઠળ દળદાર, દાણાદાર, સોપસ્ટોન તથા ઘનિષ્ઠ પ્રકારના સ્ટીએટાઇટનો પણ સમાવેશ થાય છે. અત્યંત મૃદુતા, સાબુ જેવો સ્પર્શ, મૌક્તિક ચમક અને પત્રબંધી  એ આ ખનિજના લાક્ષણિક ગુણધર્મો છે. રાસાયણિક બંધારણ : 3MgO્ર4SiO2્રH2O અથવા Mg3Si4O10(OH)2. સ્ફટિક-વર્ગ : મૉનોક્લિનિક (ટ્રાઇક્લિનિક પણ). સ્ફટિક-સ્વરૂપ : સ્ફટિકો સામાન્ય રીતે પાતળા મેજઆકાર; ઘણુંખરું દળદાર, સૂક્ષ્ણ દાણાદાર; ક્યારેક પત્રબંધ-રચનાવાળા (foliated) કે રેસાદાર (fibrous) જથ્થા રૂપે અથવા ગોળાકાર તારક સમૂહો પણ મળે. પારભાસક. સંભેદ : (001) ફલક પર પૂર્ણ વિકસિત. પ્રભંગ : પડો નમનીય, બિનસ્થિતિસ્થાપક. ચમક : મૌક્તિક, ગ્રીઝ કે રાળ જેવી, નિસ્તેજ પણ હોય. રંગ : શ્વેત, રજતશ્વેત, ગુલાબી, આછા લીલાથી ઘેરા લીલા સુધી, લીલો રાખોડી. ચૂર્ણરંગ : સફેદ, કઠિનતા : 1. વિ.ઘ. : 2.58થી 2.83. પ્રકા.અચ. : મૉનોક્લિનિક હોય તો

α = 1.539થી 1.550; β = 1.589થી 1.594; γ = 1.589થી 1.600; ટ્રાઇક્લિનિક હોય તો : α = 1.545, β = 1.584, γ = 1.584. પ્રકા. સંજ્ઞા : મૉનોક્લિનિક હોય ત્યારે −Ve, 2v = 0°થી 30°; ટ્રાયક્લિનિક હોય ત્યારે +Ve, 2v = 0°થી 10°.

સામાન્ય રાસાયણિક બંધારણ ઉપર જણાવ્યા મુજબ હોવા છતાં તેમાં ક્યારેક CaOની, Al2O3ની તેમજ અન્ય ઑક્સાઇડની અશુદ્ધિઓ રહેલી મળી આવે છે. તેનું સંરચનાત્મક માળખું (પટ-સંરચના – Sheet-structure) અબરખને લગભગ મળતું આવે છે; ક્યારેક Al2O3 અમુક પ્રમાણમાં ભળેલું હોય છે. આ જ કારણથી તે અત્યંત મૃદુ (કઠિનતા-મોઝના માપક્રમ મુજબ 1) બની રહે છે. સંરચનાત્મક માળખાંમાંના અણુઓનાં બંધન પ્રબળ હોય છે. તે ખૂબ જ સ્થાયી (stable) છે. ઍસિડ-પ્રક્રિયાઓ અને ઉષ્ણતા-પ્રક્રિયાઓ પ્રતિ તે સ્થાયી રહે છે.

ઉત્પત્તિસ્થિતિ/પ્રાપ્તિસ્થિતિ : મૅગ્નેશિયમધારક (વિશેષે કરીને ઍલ્યુમિનિયમરહિત મૅગ્નેશિયન સિલિકેટ) પારબેઝિક ખડકોની ઉષ્ણજળજન્ય પરિવર્તન પેદાશ તરીકે અથવા સિલિકાયુક્ત ડોલોમાઇટની ઉષ્ણતાવિકૃતિજન્ય પેદાશ તરીકે; પરિણામી ખનિજ તરીકે વ્યાપક પ્રમાણમાં મળે છે. સ્ફટિકમય શિસ્ટ અને નાઇસમાં વીક્ષાકાર કે નાના છૂટક જથ્થાઓ રૂપે મળે છે. તે ઘણુંખરું સર્પેન્ટાઇન, ક્લોરાઇટ, ઍસ્બેસ્ટૉસ, ઍક્ટિનોલાઇટ, ટુર્મેલિન અને મૅગ્નેટાઇટના સહયોગમાં મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., ચીન, રશિયા, બ્રાઝિલ, ભારત, ફિનલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા તેના મુખ્ય ઉત્પાદક દેશો છે; અન્ય દેશોમાં કૅનેડા, ઇંગ્લૅન્ડ, નૉર્વે, સ્વીડન, ફ્રાંસ, ઇટાલી, ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

ઉત્પાદન : દુનિયાભરનું તેનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન આશરે 80 લાખ ટન જેટલું રહે છે. ઉત્પાદનમાં ભારતનો ક્રમ પાંચમો આવે છે. ભારતનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન આશરે 4 લાખ ટન જેટલું છે.

કક્ષાઓ : ઉપયોગિતાને લક્ષમાં રાખીને સફેદી પર આધારિત શંખજીરુંની A, B, C, D એ પ્રમાણેની ચાર કક્ષાઓ પાડેલી છે. (જુઓ સારણી 1.)

સારણી 1

કક્ષા સફેદી/રંગ ઉપયોગ
A 90થી 95 % શુદ્ધ સફેદથી ઝાંખા લીલા સુધીનો ઔષધમાં; સૌંદર્ય-પ્રસાધનોમાં.
B 85થી 90 % ઉચ્ચ કક્ષાના કાગળના ઉત્પાદનમાં; કાપડ-ઉદ્યોગમાં; સિરેમિક ઉદ્યોગમાં.
C 78થી 85 % હલકી કક્ષાના કાગળો, રંગો, રબર, પ્લાસ્ટિક અને ડિટરજન્ટની બનાવટોમાં.
D 78 %થી 85 %ઓછી સફેદી લીલાશ પડતા રાખોડીથી રતાશ પડતા લીલા સુધી ડી.ડી.ટી.માં.

ઉપયોગ : કાચા માલ-સ્વરૂપે તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેના જુદા જુદા ઉપયોગોની સામાન્ય ટકાવારી આ પ્રમાણે છે :

સિરેમિક ઉદ્યોગ : 30 %; રંગો : 22 %;
છતનિર્માણદ્રવ્ય : 11 %; કાગળ : 5 %;
જંતુનાશકો : 5 %; સૌંદર્ય-પ્રસાધનો : 4 %;
રબર : 3 %; અન્ય : 20 %.

આ ઉપરાંત તે મૃદુ ધાતુઓ, ચામડાં તથા ચોખા વગેરેને ઓપ આપવા માટે પણ વપરાય છે. ‘ફ્રેન્ચ ચૉક’ નામના પ્રકારનો ઉપયોગ દરજીઓ કાપડના કતરણ માટેની રેખાઓ દોરવામાં કરે છે તે સ્ટિયેટાઇટનો એક પ્રકાર છે.

સોપસ્ટોન એ શંખજીરુંને મળતું આવતું દળદાર ખનિજ છે, તેને પૉટસ્ટોન પણ કહે છે. તેમાં બીજા ઘટકો પણ હોય છે. રંગમાં તે રાખોડી-લીલું અથવા કથ્થાઈ-કાળું હોય છે. પ્રકારભેદે તે મૃદુ કે કઠિન, પતરીમય કે રેસાદાર હોય છે; તેથી તે દળી કે કાપી શકાય છે. તેના મૃદુ ગુણધર્મને કારણે તેના પર નકશીકામ, કોતરકામ કે શિલ્પકામ થઈ શકે છે. આરસની અવેજીમાં તે નાની-મોટી મૂર્તિઓ બનાવવામાં વપરાય છે.

સ્ટીએટાઇટ શંખજીરુંનો જ સમાનાર્થી પર્યાય છે, પરંતુ તે વધુ ઘનિષ્ઠ અને દળદાર હોય છે. તેમાં શંખજીરુંના ઘટક ઉપરાંત આશરે 1.57 % CaO, 1.5 % સંયુક્તપણે FeO અને Fe2O3 તથા 4 % Al2O3 પણ હોઈ શકે છે.

પાયરોફિલાઇટ નામનું ખનિજ શંખજીરુંને તદ્દન મળતું આવતું હોવાથી તે શંખજીરુંની અવેજીમાં ખપી જાય છે. તેમાં માત્ર રાસાયણિક બંધારણનો જ તફાવત છે, બાહ્ય દેખાવ એકસરખો હોય છે.

ભારત : ભારતનો શંખજીરું-સોપસ્ટોન-સ્ટીએટાઇટનો ખનનયોગ્ય સરળપ્રાપ્ય કુલ અનામત જથ્થો, 1990ની આકારણી મુજબ, 8 કરોડ 37 લાખ ટન જેટલો હોવાનું અંદાજાયું છે. રાજસ્થાન તેમાં મોખરે છે (4.43 કરોડ ટન); ઉત્તરાંચલ બીજા ક્રમે આવે છે (1.60 કરોડ ટન); મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે (0.59 કરોડ ટન) અને મધ્યપ્રદેશ ચોથા ક્રમે આવે છે (0.50 કરોડ ટન). ભૌગોલિક વિતરણ આ પ્રમાણે છે : (જુઓ સારણી 2.)

સારણી 2

રાજ્ય જિલ્લા
રાજસ્થાન ઉદયપુર, ભીલવાડા, ડુંગરપુર, જયપુર,
સવાઈ માધોપુર, અજમેર, અલ્વર, ટોંક
ઉત્તરાંચલ અલમોડા, પિથોરાગઢ
મહારાષ્ટ્ર રત્નાગિરિ
મધ્યપ્રદેશ જબલપુર (ભેડાઘાટ)
આંધ્રપ્રદેશ કૂર્નુલ, ચિત્તુર, કડાપ્પા, અનંતપુર, કરીમનગર,
નાલગોંડા, નેલ્લોર, વરંગળ, મેડક
ઓરિસા સુંદરગઢ, સંબલપુર, કોરાપુટ
કર્ણાટક ઉત્તર કન્નડ, શિમોગા, હસન, ચિત્રદુર્ગ, ટુમ્કુર
તમિલનાડુ સાલેમ, ઉત્તર આર્કટ
ઝારખંડ રાંચી, ધનબાદ, હઝારીબાગ, સિંગભૂમ
કેરળ કાનાનોર, કોઝીકોડ

ગિરીશભાઈ પંડ્યા