વૉશિંગ્ટન, જ્યૉર્જ

January, 2006

વૉશિંગ્ટન, જ્યૉર્જ (. 22 ફેબ્રુઆરી, 1732 પોપ્સક્રીક, વેસ્ટમોરલૅન્ડ કાઉન્ટી, વર્જિનિયા; . 14 ડિસેમ્બર, 1799 માઉન્ટ વરનોન, વર્જિનિયા) : અમેરિકાના પ્રથમ પ્રમુખ, દેશના પિતા, બંધારણીય સંમેલનના પ્રમુખ, સ્વાતંત્ર્ય-સેનાની અને અમેરિકાની ક્રાંતિ દરમિયાન લશ્કરના સરસેનાધિપતિ. તેઓ ઑગસ્ટાઇન વૉશિંગ્ટનના સૌથી મોટા પુત્ર હતા. તેમનાં પ્રારંભિક વર્ષો પોટોમેક નદીના કાંઠે પોપ્સક્રીક ખાતે આવેલી કૌટુંબિક જાગીર પર વીત્યાં હતાં.

પ્રારંભિક અને શાલેય અભ્યાસ સાથે, ગણિત અને જમીન-માપણી-પ્રવૃત્તિનો અભ્યાસ કરવા સાથે તેમણે પ્રશિષ્ટ ગ્રંથોનું વાચન કર્યું. 1743માં તેમના પિતાનું અવસાન થતાં તેઓ ઓરમાન ભાઈ લોરેન્સ સાથે માઉન્ટ વરનોનની પોતાની જાગીર પર વસ્યા. દરિયાકાંઠે જવાની તેમની તીવ્ર ઇચ્છાને માતા હંમેશાં હતોત્સાહ કરતી.

1748માં 16 વર્ષની ઉંમરે તેઓ વર્જિનિયાના સૌથી મોટા જમીનદાર લૉર્ડ ફેરફૅક્સને ત્યાં કામે લાગ્યા અને જમીનમાપણીની કામગીરી સ્વીકારી. 1749માં અધિકૃત જમીનમાપણી અધિકારી તરીકે તેમણે કામગીરી આરંભી. એ સમયે અમેરિકાની અંદર વિવિધ રાજ્યો પર મુખ્યત્વે બ્રિટિશ અને ફ્રેંચ વિદેશી શાસકો શાસનની ધુરા સંભાળતા હતા, અમેરિકા વસાહતવાદનો ભોગ બનેલું હતું. 1753માં ઓહાયો વેલી પરના અંકુશ બાબતે બ્રિટિશરો અને ફ્રેંચ શાસકો વચ્ચે વ્યાપક દુશ્મનાવટ ઊભી થતાં 1754માં યુદ્ધ આરંભાયું; જેમાં વૉશિંગ્ટનને તક મળી અને તેઓ વર્જિનિયાના નાગરિક-લશ્કર(militia)માં અધિકારી નિમાયા. 1755માં ફ્રેંચો વિરુદ્ધની લડતમાં મેજર જનરલ એડવર્ડ બ્રેડોક સાથે તેઓ જોડાયા. બ્રેડોકને ફ્રેંચોની ગેરીલા પદ્ધતિની લડતનું જ્ઞાન ન હોવાથી તે સંઘર્ષમાં બ્રેડોક પરાજિત થયા અને વૉશિંગ્ટનને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા.

જ્યૉર્જ વૉશિંગ્ટન

1758માં તેમને વર્જિનિયા રાજ્યના નાગરિક-લશ્કર(militia)ના સેનાપતિ બનાવવામાં આવ્યા અને રાજ્યની સરહદોના રક્ષણની જવાબદારી તેમને સુપરત કરવામાં આવી. આ જ વર્ષે તેમણે જનરલ જ્હૉન ફૉર્બેસના સફળ આંદોલનમાં ભાગ લીધો. આ ગાળા દરમિયાનના તેમના પત્રવ્યવહાર પરથી જણાય છે કે તેઓ કાચા, અધીરા અને અપરિપક્વ અધિકારીમાંથી પરિપક્વ અધિકારી બની રહ્યા હતા. લાંબી સમજશક્તિ અને વહીવટ પરની મજબૂત પકડ સાથે નાગરિક સત્તાવાળાઓ સાથે અસરકારક કામગીરી બજાવવા અંગેના પાઠ તેઓ પાકા કરી રહ્યા હતા. વર્જિનિયાના રાજકારણી અને સેનાપતિ તરીકે  તેમણે રાજ્યની સરહદોને ફ્રેંચ આક્રમણની દહેશતથી મુક્ત બનાવી. આ સાથે તેમણે તેમની જાગીરની સંભાળ લઈ ત્યાં નવાં મકાનો ચણાવ્યાં, સામાજિક પ્રભાવ ધરાવતું બહોળું મિત્રવર્તુળ રચ્યું અને રાજકીય જીવનમાં પ્રવેશી (1759-74) વર્જિનિયાના હાઉસ ઑવ્ બુઝર્વા(વિધાનસભા)માં સભ્યપદ પ્રાપ્ત કર્યું.

આ વર્ષોમાં વતન માઉન્ટ વરનોન ખાતે એક અગ્રણી અને વગદાર ફેરફૅક્સ કુટુંબ હતું. 1759માં આ જાગીરદાર કુટુંબની એકમાત્ર વારસદાર અને 26 વર્ષની વિધવા મહિલા માર્થા સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. માર્થા 17,000 એકર જમીનની અને 300 ગુલામોની માલિકણ હતી. વૉશિંગ્ટને માર્થાના બે પુત્રોને અને પાછળથી બે પ્રપૌત્રોને દત્તક લીધા હતા. વૉશિંગ્ટન-માર્થા દંપતી નિ:સંતાન હતું.

1769થી વર્જિનિયા ખાતે તેમનું નેતૃત્વ કોળવા લાગ્યું હતું. તેમણે બ્રિટનની વસાહતી નીતિઓનો વિરોધ કર્યો. સ્થાનિક લશ્કરી અધિકારીઓ પ્રત્યે અંગ્રેજો દ્વારા દર્શાવવામાં આવતા ભેદભાવથી તેઓ સભાન હતા. 1774 અને 1775માં પ્રથમ અને બીજી કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસની બેઠકો યોજાયેલી ત્યારે તેમણે તેમાં વર્જિનિયા રાજ્યના પ્રતિનિધિ તરીકે હાજરી આપેલી. તેમનું કાર્યક્ષેત્ર વર્જિનિયા રાજ્ય બહાર વિસ્તરી રહ્યું હતું. જૂન, 1775માં કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસે તેમને બધાં રાજ્યોનાં સામૂહિક દળોના સરસેનાધિપતિ તરીકે સર્વસંમતિથી નીમ્યા.

આ નિમણૂક સાથે વૉશિંગ્ટનનું કાર્યક્ષેત્ર અને કામગીરી બંનેમાં ભારે બદલાવ આવ્યો. એથી અમેરિકાની ક્રાંતિ યા અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધનાં બીજ રોપાયાં. 3 જુલાઈ, 1775ના રોજ બ્રિટિશ કબજા હેઠળના બૉસ્ટનને ઘેરો ઘાલીને પડેલી લશ્કરી ટુકડીઓની જવાબદારી વૉશિંગ્ટને હાથ ધરી. લશ્કરને તાલીમબદ્ધ કરવામાં આવ્યું. માર્ચ, 1776થી નાના પાયા પર અંગ્રેજો સાથે યુદ્ધ આરંભાયું. ડોરચેસ્ટર-(Dorchester)ની ટેકરીઓ વૉશિંગ્ટનના લશ્કરે કબજે કરતાં બ્રિટિશ દળોને તે વિસ્તાર ખાલી કરવાની ફરજ પડી. તે પછી તેમનું લશ્કર ન્યૂયૉર્ક શહેરના રક્ષણ માટે આગળ વધ્યું. ન્યૂયૉર્કના બ્રુકલીન વિસ્તાર પર કબજો જમાવી લશ્કરી વ્યૂહરચનાની દૃષ્ટિએ તેમણે મોટી ભૂલ કરી અને તેથી ‘બેટલ ઑવ્ લાગ આયલૅન્ડ’ ચાલી. તે પછી અમેરિકાની ક્રાંતિ નિમિત્તે દેશભરમાં નાનાંમોટાં યુદ્ધોનો સિલસિલો ચાલ્યો. ફિલાડેલ્ફિયા પર બ્રિટિશ હુમલાની શક્યતા વધી ગઈ. ન્યૂ જર્સી ખાતે ટ્રેનટનના યુદ્ધમાં ટ્રેનટનને બચાવી વૉશિંગ્ટને પહેલી અને વ્યૂહાત્મક જીત હાંસલ કરી. જોકે સરસેનાધિપતિ તરીકે તેમની સમક્ષ અનેક સમસ્યાઓ મોં ફાડીને ઊભી હતી. સામૂહિક દળો તરીકે કામ કરતું કૉન્ટિનેન્ટલ આર્મી અને રાજ્યોના નાગરિક લશ્કર(militia)ની ટુકડીઓને વ્યવસ્થિત કરવી; તેમને શસ્ત્રસરંજામ પૂરો પાડવો; તેમને ખોરાક, કપડાં અને પુરવઠાની અન્ય સામગ્રી પહોંચતી કરવી વગેરે મહત્વના પ્રશ્નો હતા. ક્યારેક સૈનિકોને બરફવર્ષા થતી હોય તોપણ ઉઘાડા પગે યુદ્ધ ફરવું પડતું. આ તકલીફો છતાં વૉશિંગ્ટને લશ્કરમાં વ્યવસ્થા આણી, ચીજવસ્તુઓની તંગી દૂર કરી લશ્કરને મજબૂત કર્યું. તે પછી 1777માં સારાટોગા ખાતે બ્રિટિશ લશ્કરને હરાવ્યું. આ અરસામાં ફ્રાંસે અમેરિકાના સ્વાતંત્ર્યને માન્ય રાખી વૉશિંગ્ટનને મદદ કરી. જૂન, 1778માં ન્યૂજર્સીના મન્મથ કૉર્ટ હાઉસ પાસે તેમના લશ્કરે બ્રિટિશ દળો પર હુમલો કર્યો, મન્મથનું યુદ્ધ લડાયું અને અમેરિકાના લશ્કરે વૉશિંગ્ટનના નેતૃત્વ નીચે ભારે મુકાબલો કર્યો.

આ પછી 1780થી યુદ્ધનું કેન્દ્રબિંદુ દક્ષિણ અમેરિકામાં ખસ્યું. અમેરિકાને ફ્રેંચ લશ્કરની મદદ સાંપડવાથી તેમણે યૉર્કટાઉન યુદ્ધનું આયોજન કરી 19 ઑક્ટોબર, 1781ના રોજ યૉર્કટાઉનમાં વિજય મેળવ્યો. કૉર્નવૉલિસ અને તેના 8,000 માણસો શરણે આવ્યા. બ્રિટિશ વસાહતવાદ હવે ત્યાં ટકી શકે એમ નહોતો. આથી પૅરિસ ખાતે ઘણા મહિનાઓ સુધી શાંતિમંત્રણાઓ ચાલી. નિયત કાર્યક્રમ કરતાં બે મહિના વહેલી આ શાંતિમંત્રણા આટોપી લેવામાં આવી. નવેમ્બર, 1783ની પૅરિસ-સંધિથી અમેરિકા સ્વતંત્ર બન્યું. આ યુદ્ધો દરમિયાન વૉશિંગ્ટનનું વ્યક્તિત્વ પ્રચંડ પ્રતિભાશાળી બની ચૂક્યું હતું. તેમની યુદ્ધ-કુનેહ અસાધારણ પુરવાર થઈ હતી. આ અનુભવોથી તેમણે એક અસાધારણ ગુણ વિકસાવ્યો હતો, તે અનુસાર તેઓ નાગરિક વહીવટી તંત્રને અનુરૂપ બની, તેની સાથે તાલ મિલાવી યુદ્ધ-આયોજન કરતા હતા. આથી કૉંગ્રેસ અને રાજ્યસરકારો સાથેના પ્રશ્નો ઝડપથી ઉકેલી શકાતા હતા. આ પ્રચંડ વિજય સાથે તેઓ માઉન્ટ વરનોનની તેમની જાગીર પર પાછા ફર્યા અને જાગીરનાં કામોમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમની રોજનીશીમાં તેઓ નોંધે છે કે દેશી-વિદેશી મુલાકાતીઓનો અવિરત પ્રવાહ તેમને આંગણે વહેતો રહ્યો.

આ પછી અમેરિકાનાં વિવિધ રાજ્યો વતી મે 1787માં ફિલાડેલ્ફિયા ખાતે કૉન્સ્ટિટ્યૂશનલ કન્વેન્શન (બંધારણ માટેનું સંમેલન) બોલાવવામાં આવ્યું. આ સંમેલનમાં વૉશિંગ્ટન વર્જિનિયા રાજ્યના પ્રતિનિધિ-મંડળના વડા હતા. તેમણે મહત્વનાં સૂચનો સાથે આ સંમેલનમાં ભાગ લીધો અને ભવિષ્યના વિદેશી આક્રમણથી બચવા મજબૂત કેન્દ્ર સરકારની ભલામણ કરી. તે પછી અમેરિકાનું બંધારણ ઘડાયું, તેને વિવિધ રાજ્યોની મંજૂરી મળતાં તે સ્વીકૃતિ પામ્યું અને 1789માં સર્વસંમતિથી વૉશિંગ્ટન અમેરિકાના પ્રથમ પ્રમુખ ચૂંટાયા.

30 એપ્રિલ, 1789ના રોજ તેમણે આ હોદ્દો ધારણ કર્યો અને અમેરિકાના કાયદેસરના પ્રથમ પ્રમુખ બન્યા. તેમનાં અનુભવી, કાળજીભર્યાં, વિચારપૂર્વકનાં દૂરંદેશીભર્યાં વર્તન અને નિર્ણયોથી પ્રમુખપદનો મજબૂત પાયો નંખાયો. તેઓ હેમિલ્ટન અને જેફરસન વચ્ચેના વિચારભેદથી વ્યથિત હતા, છતાં વિવિધ નેતાઓ વચ્ચેના વિચારભેદને નવા રચાતા રાજ્યનાં હિતો આડે આવતાં નિવારી શક્યા હતા, રાષ્ટ્રીય હિતનો ભોગ ધર્યા વિના સ્વસ્થ પરિપાટીનો આરંભ કરી શક્યા હતા. તેમની સ્વસ્થ વિચારસરણી જાહેરજીવનમાં ભારે આદરપાત્ર નીવડી અને 1792માં તેઓ બીજી મુદત માટે પણ પ્રમુખ ચૂંટાયા. આ સંદર્ભમાં જૂની નીતિઓ ચાલુ રાખી તેમણે અમેરિકાના મજબૂત રાજ્યને વધુ દૃઢતા બક્ષી અને માર્ચ, 1797માં પ્રમુખપદ છોડ્યું ત્યારે અમેરિકા રાજકીય અને આર્થિક રીતે મજબૂત દેશ તરીકે ઊભરી રહ્યો હતો. ત્રીજી મુદત માટેના તેમના પ્રમુખપદની ભલામણનો ઇન્કાર કરી સ્વસ્થ પરિપાટી સ્થાપી. પ્રમુખપદના વિદાયપ્રવચનમાં તેમણે વિદેશો સાથેના કાયમી જોડાણ બાબતે સૌને લાલબત્તી ધરી સાવધ કર્યા અને ફરી વાર વતન માઉન્ટ વરનોન પાછા ફર્યા.

આ નિવૃત્તિ પછી 1798માં અમેરિકા અને ફ્રાંસ વચ્ચે યુદ્ધ જાહેર થયું ત્યારે તેમણે આનાકાની સાથે લશ્કરના વડાનો હોદ્દો ધારણ કર્યો. સક્રિય ભાગ લીધા વિના લશ્કરને દોરવણી પૂરી પાડી અને જીવનના અંતિમ શ્વાસ માઉન્ટ વરનોન ખાતે લીધા.

અમેરિકાની પ્રજાએ દેશના પિતાને પૂરા જિગરથી ચાહ્યા છે. પ્રમુખ વૉશિંગ્ટને દેશની રાજધાની માટે 1791માં જમીનનો જે વિસ્તાર પસંદ કર્યો તેને રાજધાની તરીકે સ્થાપી વૉશિંગ્ટન ડી.સી. તરીકે તેનું નામાભિધાન કરી, સમુચિત અંજલિ આપી વૉશિંગ્ટન ડી. સી. (ડિસ્ટ્રિક્ટ ઑવ્ કોલંબિયા) ખાતે અમેરિકાના ત્રણ પ્રમુખોનાં સ્મારકો રચાયેલાં છે. તેમાં મધ્યમાં આવેલી એક ગગનચુંબી ઇમારત વૉશિંગ્ટન મૉન્યુમેન્ટ તરીકે મશહૂર છે, જે તેમનું પ્રજા દ્વારા રચાયેલું કાયમી સ્મારક છે.

તેમના વિશે, તેમનાં વ્યાખ્યાનો અંગે અને તેમની લશ્કરી કુનેહ અંગે સંખ્યાબંધ ગ્રંથો અમેરિકામાં પ્રકાશિત થયા છે. તેમાં ‘ધ રાઇટિંગ્સ ઑવ્ જ્યૉર્જ વૉશિંગ્ટન… 1745-1799’ શીર્ષક હેઠળની, જ્હૉન સી ફિટ્ઝ પેટ્રિક દ્વારા પ્રકાશિત થયેલી 39 ગ્રંથોની શ્રેણી નોંધપાત્ર છે.

રક્ષા મ. વ્યાસ