વૉશિંગ્ટન, ડી.સી.

January, 2006

વૉશિંગ્ટન, ડી.સી. : યુનાઇટેડ સ્ટેટ્સ(યુ.એસ.)નું પાટનગર. તે 38° 53´ ઉ. અ. અને 77° 02´ પ. રે.ની આજુબાજુનો 179 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બૃહદ વૉશિંગ્ટનનો વિસ્તાર 10,249 ચોકિમી. જેટલો છે. સમુદ્રસપાટીથી 7.6 મીટરની ઊંચાઈએ વસેલા આ મહાનગરનું નિર્માણ આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલું છે. તેની ઉત્તર, પૂર્વ અને દક્ષિણે મેરીલૅન્ડ રાજ્યની સીમા આવેલી છે, જ્યારે તેની પશ્ચિમે વાયવ્ય-અગ્નિ દિશામાં પોટોમૅક નદી વહે છે. પોટોમૅક નદીને એક કાંઠે વૉશિંગ્ટન શહેર અને બીજે કાંઠે વર્જિનિયા રાજ્યની હદ આવેલાં છે. આ શહેરની અગ્નિ દિશા તરફ એનાકોસ્ટિયા નદી પસાર થાય છે. આ બંને નદીઓના પાણીનો ઉપયોગ કરીને દક્ષિણથી ઉત્તર તરફ વહેતી એક નહેર તૈયાર કરવામાં આવેલી છે, તે વૉશિંગ્ટન નહેર તરીકે ઓળખાય છે. ચેસપીક અખાત પર આવેલું બાલ્ટિમોર આ વિસ્તાર માટેનું નજીકમાં નજીક આવેલું બંદર છે.

મેરીલૅન્ડ અને વર્જિનિયા રાજ્યો વચ્ચે પોટોમૅક નદી પર આવેલું યુ.એસ.નું પાટનગર વૉશિંગ્ટન ડી.સી.

આબોહવા : આ શહેરની આબોહવા માટે તેનું ઊંચું અક્ષાંશીય સ્થાન અને નજીક આવેલો આટલાંટિક મહાસાગરનો ક્ધિાારો મહત્વનો ભાગ ભજવે છે. અહીંનું શિયાળા અને ઉનાળાનું સરેરાશ તાપમાન અનુક્રમે 3° સે. અને 26° સે. જેટલું રહે છે. જલવર્ષા અને હિમવર્ષા બંનેનું સંયુક્ત સરેરાશ પ્રમાણ 1270 મિમી. જેટલું થાય છે. અહીંનો ઑક્ટોબર માસ ખૂબ જ ખુશનુમા અને આહ્લાદક રહે છે.

અર્થતંત્ર : વૉશિંગ્ટન યુનાઇટેડ સ્ટેટ્સનું પાટનગર હોવાથી મોટેભાગે અહીં સરકારી વસાહતો અને વહીવટી એકમો આવેલાં છે. અહીં વસવાટ કરતા કર્મચારીઓની જીવનજરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નાના પાયા પરના ઔદ્યોગિક એકમો ઊભા કરવામાં આવેલા છે.

શહેરનું આયોજન વ્યવસ્થિત કરાયેલું હોવાથી મોટાભાગના માર્ગો વિકેન્દ્રિત અથવા ત્રિજ્યાકારે ગોઠવાયેલા છે. 1970માં અહીં મેટ્રો ટ્રેન બાંધવાનું શરૂ કર્યું હતું. 1976માં 86 રેલમથકો સહિત રેલવ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે; તેને વર્જિનિયાના પરાવિસ્તાર સાથે પણ સાંકળી લેવામાં આવ્યો છે. આ શહેરનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વર્જિનિયાના પોટોમૅક ખાતે ઊભું કરવામાં આવ્યું છે. આશરે 42 કિમી.ને અંતરે ચાન્ટિલી ખાતે ડલેસ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, ઈશાનમાં 51 કિમી. અંતરે બાલ્ટિમોર પાસે ફ્રેન્ડશિપ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સ્થાપવામાં આવ્યાં છે. ઈ. સ.  1960થી ન્યૂયૉર્ક અને વૉશિંગ્ટન વચ્ચે ઝડપી ગતિથી દોડતી રેલવેનો પ્રારંભ થયેલો છે. એ જ રીતે ઉત્તમ પ્રકારની બસસેવા પણ કાર્યરત છે. ભૂમિમાર્ગોનું મુખ્ય જંક્શન ઍલેક્ઝાન્ડ્રિયા વા (Alexandria, Va) છે.

સંદેશાવ્યવહાર : આધુનિક ગણાતા આ શહેરમાં ‘લિબરલ’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’, ‘ઇવનિંગ સ્ટાર’ અને ‘ડેઇલી ન્યૂઝ’ જેવાં વર્તમાનપત્રો પ્રગટ થાય છે. દેશનું સૌથી મોટું સરકારી છાપખાનું આ શહેરમાં આવેલું છે. અહીંથી ‘નૅશનલ જ્યૉગ્રાફિક’ મૅગેઝિન; ‘યુ. એસ. ન્યૂઝ’, ‘વર્લ્ડ રિપૉર્ટ’ અને ‘નૅશનલ બિઝનેસ’ જેવાં પ્રતિષ્ઠિત મૅગેઝિનો પણ પ્રગટ થાય છે.

પાટનગરઆયોજન : આ શહેરને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચવામાં આવેલું છે : (i) નૉર્થ-વેસ્ટ, (ii) નૉર્થ-ઈસ્ટ (iii) સાઉથ- ઈસ્ટ અને (iv) સાઉથ-વેસ્ટ. નૉર્થ-વેસ્ટ એ વૉશિંગ્ટનનો સૌથી મોટો વિસ્તાર છે. આ વિભાગમાં સાંસ્કૃતિક, આર્થિક અને સરકારી પ્રવૃત્તિઓ વિશેષ પ્રમાણમાં થતી રહે છે. આ વિભાગની દક્ષિણે વ્હાઇટ હાઉસ, સરકારી કચેરીઓ સ્મિથ્સોનિયન મ્યુઝિયમ, લિંકન મેમૉરિયલ જેવી વિશિષ્ટ સ્થાપત્ય-શૈલીવાળી ઇમારતો છે. નૉર્થ-ઈસ્ટ વિભાગમાં મોટેભાગે મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા લોકોની વસાહતો છે. ત્યાં ખાસ કરીને મૂળ અશ્વેત અમેરિકન નાગરિકો વસે છે. અહીં કૅથલિક યુનિવર્સિટી ઑવ્ અમેરિકા, નૅશનલ યુનિવર્સિટી ઑવ્ રોમન કૅથલિક ચર્ચ અને મ્યુઝિયમ આવેલાં છે. સાઉથ-ઈસ્ટ વિભાગમાં આર્થિક રીતે સુખી-સંપન્ન લોકોના આવાસો આવેલા છે. અહીં ઉત્તમ પ્રકારની ખાદ્યસામગ્રીનું મોટું બજાર આવેલું છે. સાઉથ-વેસ્ટ વિભાગમાં તદ્દન નવી વસાહતો ઊભી થયેલી છે, તેમાં મોટેભાગે સરકારી કર્મચારીઓ વસે છે.

સેનેટ અને પ્રતિનિધિ-ગૃહના સભાસદોની બેઠકનું ભવન

વસ્તી : વૉશિંગ્ટન (ડી. સી.) શહેરની વસ્તી 5,72,059 (2000) અને વસ્તીની ગીચતા પ્રતિ ચો.કિમી. 3,620ની છે. વસ્તીના 70 % લોકો અશ્વેત અને 27 % લોકો શ્વેત છે, જ્યારે બાકીના 3 %માં ઇન્ડો-અમેરિકન, અને એશિયન લોકોનો સમાવેશ થાય છે. પરાં-વિસ્તારોમાં 78 % લોકો શ્વેત અને 17 % લોકો અશ્વેત છે. અહીં વિવિધ દેશોની એલચી-કચેરીઓ આવેલી હોવાથી વિવિધ દેશોના લોકો પણ જોવા મળે છે.

ઇતિહાસ : આ વિસ્તારમાં પિસકાટાવે ઇન્ડિયન જાતિના લોકો વસતા હતા. 1600ની સાલમાં શ્વેત લોકોએ તેમને ત્યાંથી હાંકી કાઢીને બાગાયત ખેતીપદ્ધતિનો વિકાસ કર્યો. 1749માં અહીં ઍલેક્ઝાન્ડ્રિયા શહેરની સ્થાપના થઈ; વર્જિનિયા વસાહત તે પછી ઊભી કરવામાં આવી. 1783માં સરકારે નક્કી કર્યું કે રાજ્યવહીવટ માટે કોઈ પાટનગર હોવું જરૂરી છે, પરંતુ ઉત્તર અને દક્ષિણ વિભાગોના લોકો પોતપોતાના વિસ્તારમાં પાટનગર રચાય તે માટે પ્રયાસો કરતા હતા. 1791માં જ્યૉર્જ વૉશિંગ્ટને પોટોમૅક નદીને કિનારે પાટનગરની રચના કરવાની સ્વીકૃતિ આપી. પાટનગરનું નિર્માણકાર્ય ફ્રાંસના ઇજનેર પ્યેર શાર્લ લાં ફાંને સોંપવામાં આવ્યું. 1800માં ફિલાડેલ્ફિયા ખાતે કામચલાઉ પાટનગર ઊભું કરવામાં આવ્યું. 1819 સુધીમાં વ્હાઇટ હાઉસ તેમજ સરકારી કાર્યાલયોનું બાંધકામ પૂરું થયું. 1861થી 1865ના ગાળા દરમિયાન ગૃહયુદ્ધ ફાટી નીકળતાં પારાવાર નુકસાન થયેલું. 1917માં પ્રથમ વિશ્વયુદ્ધને કારણે તેનો વિકાસ રૂંધાયો હતો. 1941-45માં બીજા વિશ્વયુદ્ધને કારણે અમેરિકાને તેની સામર્થ્ય બતાવવાની તક મળી. આ યુદ્ધમાં મિત્રરાજ્યોની જીત થતાં વિશ્વમાં અમેરિકી વર્ચસ્ વધી ગયું. આજે તે મહાશક્તિશાળી દેશ તરીકેનો દરજ્જો ભોગવે છે. 2001ના સપ્ટેમ્બરની 11મી તારીખ ઇસ્લામી આતંકવાદીઓ દ્વારા વિમાની હુમલા થવાથી અહીંની પેન્ટાગૉન (લશ્કરી વડુંમથક) જેવી ઇમારતને ભારે નુકસાન પહોંચેલું.

નીતિન કોઠારી