વૉશિંગ્ટન (રાજ્ય)

January, 2006

વૉશિંગ્ટન (રાજ્ય) : વાયવ્ય યુ.એસ.માં પૅસિફિક કાંઠે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 45° 50´થી 49° 00´ ઉ. અ. અને 117°થી 125° પ. રે. વચ્ચેનો આશરે 1,76,700 ચોકિમી. જેટલો વિસ્તાર (મહત્તમ લંબાઈ 378 કિમી, મહત્તમ પહોળાઈ 571 કિમી.) આવરી લે છે. સદાહરિત જંગલો અહીં આવેલાં હોવાથી તેને સદાહરિત રાજ્ય (Evergreen state) અથવા ચિનૂક રાજ્યનું ઉપનામ આપેલું છે. આ રાજ્યની ઉત્તરે કૅનેડા, પૂર્વમાં ઇડાહો, દક્ષિણમાં ઑરેગોન અને પશ્ચિમે પૅસિફિક મહાસાગર આવેલાં છે. ઑલિમ્પિયા તેનું પાટનગર છે તથા સિયેટલ, સ્પોકેન અને ટેકોમા તેનાં મુખ્ય શહેરો છે. સિયેટલ અહીંનું મોટામાં મોટું શહેર છે. આ રાજ્યનું વૉશિંગ્ટન નામ યુ.એસ.ના પ્રથમ પ્રમુખ જ્યૉર્જ વૉશિંગ્ટનની યાદમાં અપાયેલું છે.

વૉશિંગ્ટન (રાજ્ય)

ભૃપૃષ્ઠ-આબોહવા : આ રાજ્ય તેનાં સુંદર કુદરતી દૃશ્યોને કારણે જાણીતું બનેલું છે. પશ્ચિમ તરફ પગેટના ઉપસાગરની નજીક લીલી હરિયાળીવાળો નીચો વિસ્તાર આવેલો છે. વૉશિંગ્ટન-ઑરેગોનની સરહદ પર કોલંબિયા નદી વહે છે. આ ઉપરાંત પેન્ડ ઑરિલે, સ્નેક, યાકિમા જેવી નદીઓ પણ છે. મુખ્ય સરોવરોમાં લેક કેલાન, મોસીઝ, લેક વૉશિંગ્ટન તથા કૃત્રિમ સરોવરોમાં બૅંક્સ લેક, લેક એન્ટિઆટ, ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ, લેક મૉન્યુમેન્ટલ, પૉથોલસ, રફસ વુડ્ઝ, ઉમાટિલ્લા વગેરેનો સમાવેશ થાય છે. પૂર્વ તરફ અર્ધશુષ્ક વિસ્તાર છે. રાજ્યના વાયવ્ય, નૈર્ઋત્ય ઈશાન અને મધ્ય ભાગોમાં પર્વત-માળાઓ છે. કાસ્કેડ પર્વતમાળામાં 4,392 મીટર ઊંચાઈ ધરાવતો માઉન્ટ રેનિયર છે. તે રાજ્યનું ઊંચામાં ઊંચું સ્થળ છે. માઉન્ટ રેનિયર નૅશનલ પાર્કમાં જ્વાળામુખી-શિખરો આવેલાં છે. ઉત્તર કાસ્કેડ નૅશનલ પાર્ક તથા માઉન્ટ સેન્ટ હેલેન્સ જ્વાળામુખી-સ્મારક અહીંનાં જાણીતાં સ્થળો છે. ઑલિમ્પિક દ્વીપકલ્પમાં ઑલિમ્પિક નૅશનલ ફૉરેસ્ટ અને નૅશનલ વન્યજીવન રેફ્યૂજ છે, ગ્લૅસિયર પીક (3,213 મીટર), માઉન્ટ ઑલિમ્પસ (2,428 મીટર), માઉન્ટ ઍડમ્સ (3,867 મીટર), માઉન્ટ બેકર (3,285 મીટર), લાગબીચ દ્વીપકલ્પ તેમજ વ્હીડબી ટાપુ પણ રાજ્યનાં જાણીતા ભૂમિલક્ષણો છે. પગેટના ઉપસાગરની બે સામુદ્રધુનીઓ તેને કૅનેડાથી અલગ પાડે છે. વૉશિંગ્ટન રાજ્યનું સરેરાશ તાપમાન જુલાઈમાં 19° સે. અને જાન્યુઆરીમાં 1° સે. જેટલું રહે છે. રાજ્યનો સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 750 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : જથ્થાબંધ અને છૂટક વેપાર આ રાજ્યની મુખ્ય પ્રવૃત્તિ છે. પૅસિફિક માર્ગે તેને એશિયાના દેશો વધુ નજીક પડતા હોવાથી તેનો મોટાભાગનો વેપાર યુ.એસ.નાં રાજ્યોની અપેક્ષાએ એશિયા જોડે વધુ થાય છે. સિયેટલ અને ટેકોમા બંને શહેરો શરૂઆતમાં તો લાકડાંની હેરફેર કરતાં બંદરો તરીકે વિકસેલાં; પરંતુ પછીથી તે અલાસ્કા સાથેના વેપાર માટે વહાણવટાનાં કેન્દ્રો બની રહેલાં છે. આ રાજ્ય લાકડાં અને તેની પેદાશો, કાગળ અને તેની પેદાશો, ખાદ્યપ્રક્રમિત પેદાશો, બટાટા, સફરજન, દ્રાક્ષ અને બીજાં ફળો, ઘઉં, ઍલ્યુમિનિયમ, હવાઈ જહાજ અને અવકાશી સાધનસામગ્રી, ઢોર અને તેનું માંસ, દૂધ, માછલી અને અન્ય દરિયાઈ ખાદ્યસામગ્રી વગેરે ઉદ્યોગો માટે જાણીતું છે.

વૉશિંગ્ટન રાજ્યમાં વિશાળ પાયા પર ઇમારતી લાકડું તૈયાર કરવાનો ઉદ્યોગ

વસ્તીલોકો : 2000 મુજબ આ રાજ્યની વસ્તી આશરે 58,94,121 જેટલી છે. તેમાં ઇન્ડિયન યાકિમા લોકો(1.4%)નો પણ સમાવેશ થાય છે. સિયેટલ અહીંનું મોટું શહેર, ઔદ્યોગિક અને વેપારી મથક તથા ઉત્પાદનનું કેન્દ્ર છે. અહીંનાં જાણીતાં સ્થળોમાં રૉબર્ટ વેન્ચુરીએ ડિઝાઇન કરેલું સિયેટલ આર્ટ મ્યુઝિયમ (1991), ક્લોંડાઇટ ગોલ્ડ રશ નૅશનલ હિસ્ટૉરિક પાર્ક, 1992ના દુન્યવી મેળા માટે બંધાયેલું સિયેટલ સેન્ટર, પાયોનિયર સ્ક્વેર, યાકિમા ખીણ ખાતે આવેલી દ્રાક્ષની વાડીઓ તથા બધા મળીને 90 બંધનો સમાવેશ થાય છે. બિંગ ક્રૉસ્બી, જીમી હેન્ડ્રિક્સ, મૅરી મૅક્કાર્થી અને થિયૉડોર રૉથકી અહીંની ખ્યાતનામ વ્યક્તિઓ છે.

ઇતિહાસ : અહીં શ્વેત પ્રજા વસવાટ માટે આવી તે અગાઉ ઘણા વખતથી ઇન્ડિયનો રહેતા હતા. કાસ્કેડ પર્વતમાળાથી પૂર્વનાં મેદાનો તથા નદીખીણોમાં ઇન્ડિયન જાતિજૂથોનો વસવાટ હતો. જંગલો છવાયેલાં હોવાથી તેઓ સાલમન, ક્લૅમ તેમજ અન્ય માછલીઓ પર જીવન ટકાવતા. વર્ષમાં ઋતુ મુજબ જંગલી ફળો અને શાકભાજી એકઠાં કરી રાખતા. લાકડાંમાંથી મહોરાં અને બીજી ચીજવસ્તુઓ બનાવતા.

આ પ્રદેશમાં સર્વપ્રથમ આવનારા શ્વેત લોકો અંગ્રેજો અને સ્પૅનિયાર્ડો હતા. તેઓ સોળમી સદીમાં કૅલિફૉર્નિયાથી ઉત્તર તરફ હંકારીને આવેલા; તેમ છતાં અઢારમી સદી સુધી તો અહીં યુરોપિયનો વસેલા નહિ. સોળમી સદીના મધ્યકાળમાં રશિયાઈ લોકો ઊની રુવાંટીનો વેપાર કરવા અલાસ્કામાં આવીને વસેલા. 1778માં અહીં આવી પહોંચનાર સર્વપ્રથમ અભિયંતા કૅપ્ટન જેમ્સ કૂક હતો, તે અહીંના કાંઠે તો ઊતરેલો નહિ. વળી ત્યારે વાવાઝોડાંને કારણે હવામાન સારું ન હોવાથી આ પ્રદેશને સારી રીતે જોઈ શકેલ નહિ.

સોળમી સદીની શરૂઆતમાં અંગ્રેજો અને અમેરિકનો બંને રુવાંટીનો વેપાર કરવા આવેલા. 1811માં અહીં વસાહતો સ્થપાઈ. તેમની વચ્ચેના પ્રાદેશિક દાવાઓમાં રોકી પર્વતોના પશ્ચિમ તરફની સીમા નક્કી થઈ શકી નહિ. 1846માં યુ.એસ. અને ગ્રેટબ્રિટન વચ્ચે સંધિ થઈ અને 49° અક્ષાંશની સીમા નિર્ધારિત થઈ. 1853માં તે ટેરિટરી બન્યું અને 1889માં નવેમ્બરની 11મી તારીખે તે યુ.એસ.નું 42મું રાજ્ય બન્યું. ઓગણીસમી સદીના આ ઉત્તરાર્ધકાળ દરમિયાન અહીં ખેતી, જંગલપેદાશો, માછીમારી, ખાણ-ઉદ્યોગ અને વહાણવટાની પ્રવૃત્તિઓ વિકસતી ગઈ. 1943માં સમવાયી સરકારે વૉશિંગ્ટનમાં હૅનફૉર્ડ વર્કસ નામનું આણ્વિક ઊર્જામથક સ્થપાયું, જ્યાંથી પહેલો અણુબૉંબ બનાવવામાં મદદ મળેલી. 1962માં સિયેટલમાં ‘સૅન્ચુરી 21’ નામનો દુન્યવી મેળો ભરાયેલો. 1960-70ના અરસામાં મુખ્ય લશ્કરી વિમાનો બાંધનાર બોઇંગ કંપનીએ વ્યાપારી જેટવિમાનો અને અવકાશી વિમાનોનો ઉદ્યોગ વિસ્તાર્યો. 1980ના મેની 18મી તારીખે નૈર્ઋત્ય વૉશિંગ્ટનમાં માઉન્ટ સેન્ટ હેલેન્સમાં જ્વાળામુખી-પ્રસ્ફુટન થયું, જેમાં 57 લોકો હોમાઈ ગયેલા.

ગિરીશભાઈ પંડ્યા