વૈદ્યનાથ (જ્યોતિર્લિંગ) : બિહારમાં સંથાલ પરગણામાં આ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ. 51 શક્તિપીઠોમાં પણ આ સ્થાનની ગણના છે. અહીં સતીનું હૃદય પડેલું હોવાનું મનાય છે. આ મહાદેવનું એક નામ દેવધર પણ છે. રાવણ દ્વારા લવાયેલ શિવલિંગ વૈદ્યનાથ મહાદેવના મંદિરમાં સ્થાપિત છે. આ મંદિરના પરિસરમાં બીજાં 21 મંદિરો આવેલાં છે તેમજ નિકટવર્તી ક્ષેત્રમાં પણ અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે.
પૌરાણિક આખ્યાન અનુસાર રાવણની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવે તેને લંકામાં સ્થાપવા માટે એક શિવલિંગ આપ્યું એની સાથે રાવણને તાકીદ કરી કે રસ્તામાં તું ક્યાંય પણ એને મૂકી દઈશ તો પછી એ ત્યાં જમીન સાથે જડાઈ જશે અને તું એને ઉખાડી નહિ શકે તેમ લંકા પણ લઈ જઈ નહિ શકે. રાવણે શિવલિંગ લઈને પ્રસ્થાન કર્યું. દેવતાઓ એ શિવલિંગ લંકામાં સ્થપાય એમ ઇચ્છતા નહોતા. આથી વરુણદેવે રાવણના ઉદરમાં પ્રવેશી એને લઘુશંકા માટે બાધ્ય કર્યો. તેથી એક વાર એણે શિવલિંગ નીચે મૂક્યું તો પછી એને ઉઠાવી શક્યો નહિ. હારીને રાવણે ત્યાં જ શિવલિંગને સ્થાપીને એની પૂજા કરી અને ત્યાર પછી લિંગને ત્યાં મૂકીને તે લંકા સિધાવ્યો. પાછળથી બૈજૂ નામના એક ભીલે તેનાં દર્શન કરતાં તેની સર્વપ્રથમ પૂજા કરી. ત્યારથી આજદિન સુધી વૈદ્યનાથની પૂજા નિરંતર ચાલ્યા કરે છે. તાજેતરમાં આ જ્યોતિર્લિંગધામનો અપૂર્વ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને રોજ હજારો ભક્તો એમનાં દર્શન-પૂજન માટે આવતા રહે છે.
પ્રવીણચંદ્ર પરીખ