વૈદ્ય, પંડિત હરિપ્રપન્નજી શર્મા

February, 2005

વૈદ્ય, પંડિત હરિપ્રપન્નજી શર્મા : ભારતીય રસ-ઔષધીય શાખાના વિદ્વાન લેખક. બિહાર રાજ્યના ‘આરા’ ગામના નિવાસી પંડિત હરિપ્રપન્નજી શર્માજીએ સને 1927થી 1930ના સમયગાળા દરમિયાન આયુર્વેદમાં ‘રસશાસ્ત્ર’ (ઔષધ-પ્રકાર-ભેદ) વિષયના ‘રસયોગ સાગર’ નામના એક ઉત્તમ ગ્રંથની બે ભાગમાં રચના કરી છે. આ ગ્રંથનું પ્રકાશન મુંબઈના નિર્ણયસાગર પ્રેસે કરેલું.

રસશાસ્ત્રના ઔષધિયોગોનો આ ગ્રંથમાં દરિયા જેવડો મોટો સંગ્રહ છે; જેમાં પંડિતજીએ રસયોગોને ‘અ’કારાદિ ક્રમે અનેક પાઠાંતરો (ફૉર્મ્યુલા-તફાવત) સાથે બતાવેલ છે. પ્રથમ ભાગમાં તેમણે अ થી त વર્ગ સુધીનાં નામ પર આવતાં ઔષધો લીધાં છે. તે પછીનાં બીજા ભાગમાં બાકીના વર્ણાક્ષરો પર આવતાં ઔષધો સમાવી લીધેલ છે. વળી રસશાસ્ત્રના આ ગ્રંથમાં રસશાસ્ત્રના અનેક ગુપ્ત અને લુપ્ત વિષયો પર પણ સુંદર પ્રકાશ ફેંક્યો છે.

વિદ્વાન લેખક પંડિત હરિપ્રપન્નજીએ આ ગ્રંથના ઉપોદ્ઘાતમાં આયુર્વેદનાં ઇતિહાસને લગતાં ઘણાં કારણો બતાવેલ છે; જેથી આ ગ્રંથ ખૂબ ઉપયોગી અને ઐતિહાસિક તથ્યો પર પ્રકાશ પાડતો હોઈ મૂલ્યવાન છે.

હાલમાં આ પુસ્તક અપ્રાપ્ય કે દુષ્પ્રાપ્ય છે. આજે પણ જૂના રસવૈદ્યો પંડિત હરિપ્રપન્નજીના આ ગ્રંથની ખૂબ પ્રશંસા કરે છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા