વૈદ્ય, જ્યોતિ ભાસ્કરરાવ (. 9 સપ્ટેમ્બર 1935) : આધુનિક ગુજરાતી રંગભૂમિના જાણીતા નટ, દિગ્દર્શક અને મુખ્યત્વે તો નાટ્યકાર. અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી અંગ્રેજીના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી. સન 1995માં નવયુગ સાયન્સ કૉલેજ, સૂરતમાંથી અંગ્રેજી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા.

સન 1952થી સન 1977 – એમ પચીસ વર્ષ સુધી દિગ્દર્શક તરીકે પ્રવૃત્ત રહી ‘મૃત્યુંજય’, ‘મહાદેવ કૈલાસવાસી થયા’, ‘બંધ દરવાજા’, ‘બી. વી. શિવમ્’, ‘પથ્થર થરથર ધ્રૂજે’, ‘શાહ-બાદશાહ’, ‘ચિરંતન માતૃત્વ’, ‘ચાંડાલિકા’, ‘હું તું ને તે’, ‘ચાલો ઘરઘર રમીએ’ જેવાં એકાંકીઓ તેમજ ‘એકલો જાને રે’, ‘ઘાસને આવ્યાં ફૂલ’, ‘પૅનિક ઇન પ્રીતમવિલા’, ‘યાત્રા’, ‘પારકી જણી’, ‘ભટ્ટનું ભોપાળું’, ‘નીલ ગગનનાં પંખેરું’ જેવાં ત્રિઅંકી નાટકોનું દિગ્દર્શન કરી યુનિવર્સિટી, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દિગ્દર્શનનાં અનેક પારિતોષિકો મેળવ્યાં. વળી ‘મુકુન્દરાય’, ‘છોરુકછોરુ’, ‘અમલદાર’, ‘ઇડિપસ’ જેવાં નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી શ્રેષ્ઠ નટનાં ઇનામો પણ મેળવ્યાં. સન 1977 પછી, અભિનય-દિગ્દર્શનને તિલાંજલિ આપી નાટ્યલેખન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

તેમનું મુખ્ય પ્રદાન તો રંગમંચના કસબને પૂર્ણપણે આત્મસાત્ કરી તખ્તાલાયકી ધરાવતાં એકાંકી અને ત્રિઅંકી નાટકો લખનાર એક કાબેલ નાટ્યકાર તરીકેનું છે. બહુધા વિદેશી નાટકોમાંથી ક્યારેક કથાબીજ તો ક્યારેક વિષયવસ્તુ લઈ તેને ભારતીય પરિવેશમાં સર્જનાત્મક રીતે ઢાળવાની તેમની આગવી હથોટીને લીધે તેમનાં એકાંકી અને ત્રિઅંકી ગુજરાતનાં તમામ શહેરોમાં પ્રતિવર્ષ ભજવાય છે અને પારિતોષિક જીતે છે. યુનિવર્સિટી-સ્તરે, રાજ્ય-સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પારિતોષિક-વિજેતા નાટકોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે એમની જ કૃતિઓ હોય એવું વારંવાર બન્યું છે. એમના સાત એકાંકીસંગ્રહો પ્રસિદ્ધ થયા છે – ‘ઝાંઝવાનાં જળ’, ‘જ્યોતિ અને ઝંઝાવાત’, ‘હરિયાળીના હત્યારા’, ‘હું તું ને તે’, ‘જુગ જુગનો અન્યાય’, ‘શાંતિની શરત યુદ્ધ’ અને ‘બંધ દરવાજા’. તેમણે 158 એકાંકીઓ ઉપરાંત 38 જેટલાં ત્રિઅંકીઓ પણ લખ્યાં છે. એમાંનાં ઘણાં નાટકોએ ગુજરાત રાજ્યની ત્રિઅંકી નાટ્યસ્પર્ધાઓમાં અનેક વાર પારિતોષિકો જીત્યાં છે. તેમનાં મુખ્ય ત્રિઅંકી નાટકોમાં ‘યાત્રા’, ‘રાજભોગ’, ‘હું તું ને મસ્તરામ’, ‘ઉલ્કા’, ‘આખેટ’, ‘લોપ-અલોપ’, ‘વિષચક્ર’, ‘સૂર્યપુત્ર’ – આ તમામ નાટકો ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત નાટ્યસ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મેળવી ચૂક્યાં છે. ‘યાત્રા’ નાટક બંગાળીમાં ભાષાંતર થઈ કોલકાતામાં ભજવાયું અને વિજેતા થયું, ‘ઉલ્કા’ નાટક ગોવા ખાતે રાષ્ટ્રીય નાટ્યમહોત્સવમાં હિન્દીમાં પણ રજૂ થયેલું છે. તેમણે લખેલાં ‘શુક્રમંગળ’, ‘ફૅમિલી આલબમ’, ‘બાજ’, ‘ક્ષણ વત્તા ક્ષણ’ જેવાં નાટકો મુંબઈના વ્યાવસાયિક રંગમંચ ઉપર સફળતાપૂર્વક ભજવાયાં છે અને પ્રત્યેક નાટકના બસોથી વધારે શો થયા છે. અમેરિકાની એફલોર યુનિવર્સિટીમાં એમનું નાટક ‘ઘર, કબર અને સાગર’ – The Home, The Grave and The Sea ભજવાયું તો આ જ યુનિવર્સિટીમાં ‘Impact of the American Plays on Gujarati Theatre’ વિષયક તેમનું વ્યાખ્યાન પણ યોજાયું હતું.

એમણે લખેલી ટીવી સિરિયલોમાં ‘જીવનસંગ્રામ’, ‘શપથ’, ‘માનો યા ન માનો’ તથા ‘નર્મદ’ ખૂબ જાણીતી છે. આ ઉપરાંત નર્મદા પ્રૉજેક્ટ ઉપર ‘નર્મદા, તારાં વહેતાં પાણી’ – એ ગુજરાતી ફિલ્મની પટકથા પણ લખી છે; જેણે રાજ્યકક્ષાએ અનેક ઍવૉર્ડ પ્રાપ્ત કર્યા છે. મુંબઈ દૂરદર્શને તેમનાં ‘આયખું લઈ લો’, ‘ચાલો ઘરઘર રમીએ’, ‘ચતુષ્કોણના ચાર ખૂણા’ નાટકો; અમદાવાદ દૂરદર્શન પરથી તેમનાં ‘કાળરાત્રિના શ્યામ સિતારા’, ‘ધ રાગ મૅન’, ‘હું તમે અને મસ્તરામ’ નાટકો રજૂ કર્યાં છે તો આકાશવાણીનાં મુંબઈ અને વડોદરા કેન્દ્રો ઉપર એમની અનેક નાટ્યશ્રેણીઓ પ્રસારિત થઈ છે જેમાં ‘ઘરથી ઘાટ સુધી’, ‘પાણી તરસ સતત’, ‘ટી. યુ. એસ.’, ‘માઇગ્રેટર’ ઉલ્લેખનીય છે.

વિવિધ યુનિવર્સિટીઓ અને ગુજરાત રાજ્યની નાટ્યલેખન અને દિગ્દર્શનની અનેક શિબિરોનું એમણે સંચાલન કર્યું છે. તેમના નાટ્યવિષયક લેખો પ્રસિદ્ધ સામયિકો અને દૈનિકોમાં છપાયા છે. ‘ચહેરા પાછળના ચહેરા’, ‘હાસ્યમિજાજ’, ‘એક ખંડેર, એક ખોજ’, ‘ચકરાવો’, ‘વિષપ્રયોગ’, ‘વાસુકિ’ વગેરે નવલકથાઓ ઉપરાંત ‘કથાદર્પણ’ વાર્તાસંગ્રહ પણ પ્રગટ થયો છે. આ ઉપરાંત સન 1992થી ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં તેમણે વિદેશી વાર્તાઓનાં કરેલાં રૂપાંતરો પ્રત્યેક સપ્તાહે છપાતાં રહ્યાં છે.

ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રમાણપત્ર બૉર્ડ તથા ફિલ્મ ઍવૉર્ડ કમિટીના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી છે. નાટ્યક્ષેત્રે તેમની યશસ્વી કારકિર્દી માટે ગુજરાત રાજ્ય દ્વારા ગૌરવ પુરસ્કાર, ઑલ ઇન્ડિયા આર્ટિસ્ટ ઍસોસિયેશન તરફથી બલરાજ સહાની ઍવૉર્ડ અને ગુજરાત સમાચાર આઇ.એન.ટી. દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

મહેશ ચંપકલાલ શાહ