વેનિસ (વેનેઝિયા) : ઇટાલીના ઈશાન કાંઠે આવેલું મહત્વનું શહેર, બંદર તથા આજુબાજુના ટાપુઓનો સમાવેશ કરતું પરગણું. ભૌગોલિક સ્થાન : તે 45° 27´ ઉ. અ. અને 12° 21´ પૂ. રે. પર આવેલું છે અને 7 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પરગણાનો વિસ્તાર 70 ચોકિમી. જેટલો થાય છે. ઇટાલીના ઈશાનકોણમાં ઍડ્રિયાટિક સમુદ્રના ઉત્તર કાંઠે આશરે 120 જેટલા ટાપુઓનો સમાવેશ કરતું ખાડીસરોવર તૈયાર થયેલું છે. બીજના ચંદ્ર જેવા આકારમાં પથરાયેલું આ ખાડીસરોવર 144 કિમી. જેટલી પરિમિતિવાળું છે. ઈશાનવાયવ્યમાં તેની લંબાઈ 51 કિમી. જેટલી છે. પરગણાના વિસ્તારમાં ગ્રાન્ડ કૅનલ પસાર થાય છે, તે ઉપરાંત ટાપુઓને અન્યોન્ય સાંકળી લેવા માટે 180 જેટલી નહેરોનું નિર્માણ કરાયેલું છે અને તે બધી ગ્રાન્ડ કૅનલ સાથે સંકળાયેલી છે. ગ્રાન્ડ કૅનલની પહોળાઈ 37થી 39 મીટર અને ઊંડાઈ સરેરાશ 3 મીટરની છે. શહેરની દક્ષિણે સેંટ માર્ક્સ કૅનલ, ગીડેકા અને ફ્યુસિના નહેરો આવેલી છે.
આબોહવા : વેનિસ સમુદ્રકિનારે આવેલું હોવાથી શહેરનું હવામાન બારેમાસ ખુશનુમા રહે છે. ઉનાળા પ્રમાણમાં ગરમ અને શિયાળા ઠંડા રહે છે. જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 24° સે. અને 3° સે. જેટલાં રહે છે. વરસાદ ઉનાળામાં પડે છે. અહીંનો સરેરાશ વરસાદ 710 મિમી. જેટલો રહે છે. જ્યારે જ્યારે દરિયો તોફાની બને છે ત્યારે પાણી ભરાવાથી કૅનલની જળસપાટી ઊંચી જાય છે.
પરિવહન : ઇટાલીના મુખ્ય ભૂમિભાગથી આ શહેર લગૂનમાં પણ વિસ્તરેલું હોવાથી તેને અનેક નહેરોથી સાંકળી લેવામાં આવેલું છે. ટાપુઓમાં અવરજવર કરવા માટે નહેરો પર આશરે 400 જેટલા પુલો બાંધવામાં આવેલા છે. ઇટાલીની મુખ્ય ભૂમિ પર જવા લાઇબેરિયા નામના મુખ્ય પુલનો ઉપયોગ થાય છે. તેના પરથી રેલમાર્ગ અને સડકમાર્ગ પસાર થાય છે. નહેરોમાં મોટરબોટ સરળતાથી હરીફરી શકે છે.
અર્થતંત્ર : દર વર્ષે દુનિયાભરમાંથી આશરે 30 લાખ જેટલા પ્રવાસીઓ આ ઐતિહાસિક શહેરની મુલાકાત લેવા આવે છે. અહીંના મુરાનો અને બુરાનો ટાપુના નિષ્ણાત કારીગરો કાચ, લાખ અને માટીમાંથી અનેક જાતની ચીજવસ્તુઓ તૈયાર કરે છે. મારઘેરા અને મેસ્ત્રે ટાપુ પર ઍલ્યુમિનિયમ, રસાયણો, કોક, રાસાયણિક ખાતર, કાપડ, રંગ, તથા ખનિજતેલની આડપેદાશો બનાવવાના વિવિધ એકમો આવેલા છે. જુદા જુદા પ્રકારના ઉદ્યોગોને કારણે અહીં હવા-પાણીના પ્રદૂષણની સમસ્યાઓ ઉદ્ભવી છે.
વસ્તી : વેનિસ શહેર જુદા જુદા ટાપુઓને સાંકળીને નિર્માણ કરાયેલું હોવાથી અહીંના લોકોનો ખોરાક દરિયાઈ જીવસૃદૃષ્ટિ પર આધારિત રહે છે. આવાસો નિર્માણ કરવા લાકડાના થાંભલાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. વેનિસના નિવાસીઓ ‘વૅનેશિયન’ કહેવાય છે, તેઓ રોમન કૅથલિક ધર્મ પાળે છે. તેઓ તેમના ધાર્મિક ઉત્સવો અને તહેવારો હર્ષોલ્લાસથી ઊજવે છે. અહીંના આવાસોમાં પ્રાચીન શિલ્પો જોવા મળે છે. ટિશિયન, ટિન્ટોરેટો અને પાવલો વેરોનિઝ જેવા વૅનેશિયન કલાવિદોએ તૈયાર કરેલાં ચિત્રોનો ખ્યાતનામ સંગ્રહ અહીંની લલિતકલા અકાદમીમાં જોવા મળે છે. અહીં આવેલી વેનિસ યુનિવર્સિટીમાં સ્થાપત્ય, કલા અને સંગીત વિષયશાખાઓમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીંનું ફેનિસ થિયેટર ખૂબ જાણીતું છે. સેંટ માર્કસ ચોક વેનિસનું હૃદય ગણાય છે. બૅસિલિકા, ડોજેઝ, પૅલેસ, કૅમ્પેનિલ બેલ ટાવર તથા સભાગૃહો જોવાલાયક છે. અહીં બાગબગીચાઓનું પ્રમાણ મર્યાદિત છે. યુરોપનો સૌથી જાણીતો બનેલો સમુદ્રરેતપટ ‘લીડો’ અહીં છે.
ઇતિહાસ : ઇટાલીમાં, ઍડ્રિયાટિક સમુદ્રમાં ઉત્તરના છેડે, 120 ટાપુઓમાં, માર્ગોને બદલે નહેરો ધરાવતું, દુનિયાના સૌથી વધુ જાણીતા નગરોમાંનું એક અનોખું નગર. મોટરગાડીઓ, બસો, ટૅક્સીઓ અને ખટારાને બદલે આ નગરના લોકો હોડીઓ વાપરે છે. વેનિસમાં ઇટાલીની કેટલીક મુખ્ય ભૂમિનો પણ સમાવેશ થાય છે.
સુંદર સ્થાપત્ય અને કલાની અમૂલ્ય કૃતિઓએ વેનિસને પ્રવાસનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું છે. ઇટાલીના સૌથી મોટાં બંદરોમાંના એક તરીકે પણ વેનિસ મહત્વનું છે. ઇટાલીના 20 રાજકીય વિભાગોમાંના એક વૅનેશિયાનું તે પાટનગર છે. ઇટાલિયન ભાષામાં આ નગરનું નામ ‘વૅનેઝિયા’ છે.
ઈસવી સનની 9મી સદીમાં વેનિસ વેપારનું મહત્વનું કેન્દ્ર હતું. તે સમુદ્રની મજબૂત સત્તા બન્યું અને તેનું સાંસ્થાનિક સામ્રાજ્ય સ્થપાયું. વર્ષો વીતતાં તેણે આર્થિક અને રાજકીય તાકાત ગુમાવી; પરંતુ આ શહેરના કલાના સંગ્રહને લીધે તે દુનિયાનું સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે. હાલમાં પ્રદૂષિત પાણી, હવા તથા પૂરને લીધે ધીમે ધીમે નગરનો નાશ થવાનો ભય પેદા થયો છે. તેને આ આપત્તિમાંથી રક્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે.
વેનિસના બધા ટાપુઓ ઉપર રસ્તાને બદલે 150થી વધારે નહેરોમાં હોડીઓ દ્વારા અવરજવર થાય છે. આ ટાપુઓને જોડવા વાસ્તે 400થી વધારે પુલ બાંધવામાં આવ્યા છે.
વેનિસના સૌપ્રથમ વસાહતીઓ, ઉત્તર યુરોપમાંથી થતા જંગલી લોકોનાં આક્રમણોને લીધે પાંચમી સદીમાં ટાપુઓ ઉપર નાસી ગયા. તેમના વ્યવસાયો માછીમારી તથા વેપાર હતા. નવમી સદીમાં વેનિસનો વેપાર, કૉન્સ્ટૅન્ટિનોપલ તથા આફ્રિકાના ઉત્તરના કિનારા સાથે તથા ઇટાલીની મુખ્ય ભૂમિનાં શહેરો સાથે ચાલતો હતો. વેનિસ ઉમરાવો દ્વારા શાસિત સ્વતંત્ર નગર-રાજ્યની રીતે વિકસ્યું.
1202થી 1204 દરમિયાન ચોથા ધર્મરક્ષક યુદ્ધમાં વહાણો વેનિસે પૂરાં પાડ્યાં અને ત્યાંના લોકો લડાઈમાં જોડાયા અને કૉન્સ્ટૅન્ટિનોપલ સહિત બાયઝેન્ટાઇન સામ્રાજ્ય જીતી લીધું હતું. સમુદ્ર પરની સત્તા મેળવવા માટે વેનિસને જિનોઆ સાથે યુદ્ધો થયાં અને છેવટે 1380માં વેનિસે જિનોઆને હરાવીને પૂર્વીય ભૂમધ્ય સમુદ્રના વેપાર ઉપર અંકુશ મેળવ્યો. વેનિસ યુરોપનાં સૌથી મોટાં શહેરોમાંનું એક બન્યું. 15મી સદીમાં તેનાં સંસ્થાનોમાં ક્રીટ, સાયપ્રસ, ડાલ્મેશિયન કિનારો (હાલમાં યુગોસ્લાવિયાનો એક પ્રદેશ) અને ઈશાન ઇટાલીનો સમાવેશ થતો હતો. વેનેશિયન વહાણો એશિયામાંથી યુરોપ રેશમ, મસાલા અને મોજશોખની વસ્તુઓ લઈ જતાં. પંદરમી અને સોળમી સદીમાં કલાના ક્ષેત્રે નવજાગૃતિનું મુખ્ય કેન્દ્ર વેનિસ હતું.
ઈ. સ. 1797માં નેપોલિયન બોનાપાર્ટની આગેવાની હેઠળ ફ્રેન્ચ લશ્કરે વેનિસ કબજે કર્યું. તે પછી ઑસ્ટ્રિયાના અંકુશ હેઠળ તેને મૂકવામાં આવ્યું. ઈ. સ. 1866માં વેનિસ ઇટાલીના સ્વતંત્ર રાજ્યનો એક ભાગ બન્યું. વીસમી સદીથી વેનિસમાં આવેલા મારઘેરા અને મેસ્ટરનું ઔદ્યોગિકીકરણ શરૂ થયું. દ્વિતીય વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન જર્મન લશ્કરે વેનિસ કબજે કર્યું. મિત્ર રાજ્યોનાં વિમાનોએ મારઘેરા બંદર પર બૉંબવર્ષા કરી. પરન્તુ વેનિસના ટાપુઓને નુકસાન કર્યું નહિ. ઈ. સ. 1966માં ભયંકર પૂર આવ્યું અને વેનિસમાં વ્યાપક વિનાશ થયો. શહેરનાં ઘણાં ચિત્રો અને મૂર્તિઓ(બાવલાં)નો નાશ થયો. તે પછી આંતરરાષ્ટ્રીય સંગઠનો અને ખાનગી લોકોએ ઇટાલીની સરકારને આર્થિક સહાય કરી. એંસીના દાયકામાં પૂરમાંથી શહેરનું રક્ષણ કરવાની યોજનાઓને સરકારે માન્ય કરી.
નીતિન કોઠારી
જયકુમાર ર. શુક્લ