વેનિડિયમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની પ્રજાતિ. આ કુળના ફૂલ તરીકે ઓળખાતા ખરેખર પુષ્પસમૂહ સ્તબક છે. તેની એક શોભન-જાતિનું નામ Venidium fastuosum છે. તે 60 સેમી.થી 70 સેમી. ઊંચી શાકીય જાતિ છે. તેને સુંદર ડેઝીનાં ફૂલ સમૂહ જેવાં ફૂલ સમૂહ(સ્તબક) આવે છે. સ્તબકના પુષ્પો કિરણોની માફક ફેલાતી હોય છે. ફૂલ સમૂહ 8થી 10 સેમી. પહોળાં હોય છે. પુષ્પીકાઓ ગાઢ નારંગી રંગની અને વચમાં ગાઢ કથ્થાઈ રંગનું ચક્કર અને ટપકું ધરાવતી હોય છે. સામાન્ય રીતે બી રોપ્યા પછી એનું ધરુ બીજે રોપ્યા પછી લગભગ દોઢ-બે માસમાં ફૂલ સમૂહ આવે છે અને ફૂલ સમૂહ(સ્તબક) બેએક માસ ટકે છે.

આ છોડના ઉછેર માટે સારી નિતારવાળી ફળદ્રૂપ જમીન અને માપસરનું પાણી અને ખાતર ખાસ જરૂરી છે. ગુજરાતમાં સમુદ્રસપાટીનાં સ્થળોને કરતાં ઊંચાઈવાળી જગ્યાઓએ મોટેભાગે ઉનાળામાં આ છોડ સારી રીતે ઊછરી શકે છે. થોડો છાંયો પડતો હોય તેવી જગ્યા તેને માફક આવતી નથી.

આ જાત મૂળ દક્ષિણ આફ્રિકાથી અહીં આવી છે.

મ. ઝ. શાહ