વેનેઝુએલા : દક્ષિણ અમેરિકા ભૂમિખંડનો સૌથી વધુ ઉત્તરનો કૅરિબિયન સમુદ્રકાંઠે આવેલો દેશ. તેની પશ્ચિમે કોલમ્બિયા, દક્ષિણે બ્રાઝિલ અને પૂર્વ ગુયાના (Guyana) જેવા દેશો આવેલા છે. તે આશરે 0° 38´થી 12° 13´ ઉ. અક્ષાંશવૃત્તો તથા 59° 47´થી 73° 25´ પ. રેખાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલો છે. તેના દક્ષિણ છેડાથી નજીકમાં જ વિષુવવૃત્ત રેખા પસાર થાય છે. આ દેશ આશરે 9,12,050 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે.

વેનેઝુએલાનો અર્થ ‘નાનું વેનિસ’ એવો થાય છે. શરૂઆતના સ્પૅનિશ સંશોધકોએ અહીંના છીછરા મારાકાઇબો સરોવરમાં લાકડાના થાંભલા પર બાંધેલા ઇન્ડિયન લોકોનાં રહેઠાણો જોયાં, જે વેનિસ શહેરના સ્તંભો પર બાંધેલાં આવાસો જેવાં જ હતાં. તેથી મારાકાઇબો સરોવરના કિનારાના પ્રદેશને ‘વેનેઝુએલા’ નામ આપવામાં આવ્યું. સમય જતાં આ સમગ્ર પ્રદેશ આ નામે ઓળખાયો.

પ્રાકૃતિક રચના : પ્રાકૃતિક રચના મુજબ આ દેશને મુખ્યત્વે ચાર ભૌગોલિક એકમોમાં વહેંચી શકાય : (1) ઉત્તરનો પહાડી પ્રદેશ : આશરે 1,000 કિમી. લાંબા ઍન્ડિઝ ગિરિમાળાના ઉત્તરના છેડાને ‘ઉત્તરનો પહાડી પ્રદેશ’ કહે છે, જે દેશના લગભગ 12 % ભૂમિવિસ્તારને આવરે છે. ગ્વાહિરા (Guajira) દ્વીપકલ્પ તરફ કોલમ્બિયાની પૂર્વી હારમાળાનો લંબાયેલો આ ફાંટો ‘સિયેરા દ પેરિહા’ (Sierra de Perija) તરીકે ઓળખાય છે, જેમાં કોલમ્બિયા અને વેનેઝુએલાની સીમા આવેલી છે. તેની વધુમાં વધુ ઊંચાઈ 3,750 મી. જેટલી છે. કોલમ્બિયાની પૂર્વીય હારમાળાનો બીજો ફાંટો વેનેઝુએલામાં મારાકાઇબો સરોવરના અગ્નિ ભાગમાં થઈને પસાર થાય છે, તે ‘સિયેરા નેવાડા દ મેરિડા’ તરીકે ઓળખાય છે. તેનાં હિમાચ્છાદિત શિખરો 4,600 મી.થી વધુ ઊંચાઈ ધરાવે છે. આ પૈકીનું ‘પિકો બોલીવાર’ શિખર 5,007 મી. ઊંચું છે. આ હારમાળા આગળ જતાં બે ભાગોમાં વહેંચાઈ જાય છે. ઉત્તર તરફનો ઓછી ઊંચાઈવાળો પહાડી વિસ્તાર ‘સેગોવિયાના પહાડો’ તરીકે ઓળખાય છે, જ્યારે બીજો ભાગ કૅરિબિયન સમુદ્રકાંઠાને સમાંતરે પૂર્વ તરફ છેક પૅરિયા દ્વીપકલ્પ સુધી લંબાયેલો છે. તે 2,000થી 3,000 મી. વચ્ચેની ઊંચાઈ ધરાવે છે.

વેનેઝુએલા

(2) કિનારાનાં મેદાનો : મારાકાઇબો સરોવરની આસપાસનાં કિનારાનાં મેદાનો નીચાં, છાજલી આકારનાં અને કાદવકીચડવાળાં છે. થોડાક ખેતીના વિસ્તારો તથા પેટ્રોલિયમનાં ક્ષેત્રો સિવાય આ પ્રદેશનો ઝાઝો વિકાસ થયો નથી. આ ઉપરાંત દેશના ઉત્તર ભાગમાં આવેલા કૅરિબિયન સમુદ્રકાંઠે પહાડી ઢોળાવો વચ્ચે સાંકડી મેદાનપટ્ટીઓ વિસ્તરેલી છે, જ્યારે ઈશાનમાં કાંપ-રેતના નિક્ષેપથી રચાયેલો ઑરિનોકો નદીનો વિશાળ મુખપ્રદેશ દલદલયુક્ત જંગલોથી છવાયેલો છે.

(3) ઑરિનોકો થાળું : ગુયાનાના ઉચ્ચપ્રદેશમાંથી ઉદ્ભવતી ઑરિનોકો નદી(લગભગ 3,000 કિમી. લંબાઈના જળપ્રવાહ)ને અનેક નાનીમોટી નદીઓ મળે છે. આ પૈકીની આપૂરે (Apure), તેની મુખ્ય ઉપનદી છે. વર્ષાઋતુમાં અહીંની બધી નદીઓ ભારે પૂરથી જળબંબાકાર બની જાય છે. મેરિડા હારમાળાની દક્ષિણે ઑરિનોકો નદીનું કાંપનિર્મિત નીચાં મેદાનોવાળું વિશાળ સ્રાવક્ષેત્ર આવેલું છે, જે લગભગ 9,45,000 ચોકિમી. વિસ્તારને આવરે છે. તેનો ‘લાનોઝ’ (Llanos) નામે ઓળખાતો પ્રદેશ ઊંચા ઘાસથી છવાયેલો છે. આ સ્રાવક્ષેત્રનો ઢોળાવ પૂર્વ અને ઈશાન તરફનો છે અને તેની વચ્ચે વચ્ચે કેટલીક જગ્યાએ રેતીખડકમાંથી જ કોતરાયેલાં ‘મેસા’ (mesa) જેવાં વિશિષ્ટ ભૂમિસ્વરૂપો ઊપસી આવેલાં જોવા મળે છે.

(4) ગુયાનાનો ઉચ્ચપ્રદેશ (મૅસિફ) : દેશનો અગ્નિભાગ, નક્કર અને કઠણ ખડકો ધરાવતા વિશાળ ગુયાનાના ઉચ્ચપ્રદેશનો બનેલો છે, જે દેશના આશરે અર્ધા ભાગને આવરે છે. તેના દક્ષિણ ભાગમાં આવેલું મારાહ્વાકા (Marahuaca) શિખર 2,579 મી. તથા પૂર્વ ભાગમાં આવેલું માઉન્ટ રોરામા (Mt. Roraima) શિખર 2,772 મી. ઊંચાઈ ધરાવે છે; જ્યારે છેક દક્ષિણ છેડે બ્રાઝિલની સીમા પરનું તેનું શિખર પિક-દ-નેબ્લિના (Pico da Neblina) 3,014 મી.ની ઊંચાઈએ પહોંચે છે. આ ઉચ્ચપ્રદેશ સામાન્ય રીતે ઉત્તર તરફ ઢળતો છે. ઑરિનોકો તથા તેની કેટલીક ઉપનદીઓનાં મૂળ આ ઉચ્ચપ્રદેશમાં રહેલાં છે. ધોવાણનાં પરિબળોને લીધે અહીં વિવિધ સ્વરૂપના અવશિષ્ટ પર્વતો રચાયેલા જોવા મળે છે. આ ઉપરાંત નદીનાળાં દ્વારા કોતરાયેલી કરાડો પરથી અનેક જળધોધ પડે છે. તે પૈકીનો કૅરાઓ (Carrao) નદી પરનો ‘સાલ્ટો ઍન્જલ’ (Salto Angel) જળધોધ આશરે 979 મી.ની ઊંચાઈએથી પડે છે, જે દુનિયાના સૌથી વધુ ઊંચાઈએથી પડતા જળધોધો પૈકીનો એક ગણાય છે.

આબોહવા : આમ તો આ દેશનું ભૌગોલિક સ્થાન ઉષ્ણ કટિબંધમાં આવેલું છે, પણ તેનું ભૂપૃષ્ઠ અસમાન છે. આ કારણે ઊંચાઈ અનુસાર અહીંની આબોહવામાં વૈવિધ્ય અનુભવાય છે. પહાડી ક્ષેત્રોમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે અને આબોહવા નરમ બને છે. આ દેશમાં ઊંચાઈ પ્રમાણેના મુખ્ય ત્રણ આબોહવાકીય વિભાગો જોવા મળે છે : (1) ઉષ્ણ વિભાગ : આ વિભાગમાં કિનારાનાં તથા ઑરિનોકો નદીખીણનાં મેદાનોથી લઈને લગભગ 900 મી.ની ઊંચાઈ સુધીના પહાડી ઢોળાવોનો સમાવેશ થાય છે. અહીંની ઉષ્ણકટિબંધીય ગરમ આબોહવાને લીધે સરેરાશ વાર્ષિક તાપમાન 26° સે.થી 28° સે. જેટલું અનુભવાય છે. (2) સમશીતોષ્ણ વિભાગ : આશરે 900થી 1,800 મી.ની ઊંચાઈનાં પહાડી ક્ષેત્રો સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે, જ્યાં વાર્ષિક સરેરાશ તાપમાન 12° સે.થી 25° સે.ની વચ્ચે રહે છે. (3) શીત વિભાગ : આશરે 1800 મી.થી વધુ ઊંચાઈએ આવેલા આ વિભાગનું તાપમાન ખાસ્સું એવું નીચે રહે છે. વળી લગભગ 3,000 મી.થી 4,500 મીટર ઊંચાં પહાડી ક્ષેત્રોમાં આલ્પાઇન પ્રકારની શીત આબોહવા પ્રવર્તે છે; જ્યારે 4,600 મી.ની ઊંચાઈએ હિમરેખા જોવા મળે છે; જ્યાં હિમરેખાથી વધુ ઊંચાઈનાં પહાડી શિખરો સદાયે હિમાચ્છાદિત રહે છે.

વેનેઝુએલાના સ્વાતંત્ર્ય-શહીદોની સ્મૃતિમાં પાટનગર કૅરાકસમાં રચાયેલું સ્મારક

વેનેઝુએલાનું ઋતુ પ્રમાણેનું આબોહવાનું વૈવિધ્ય તાપમાન પર નહિ, પણ વરસાદ પર અવલંબિત છે. આ દેશની આબોહવા ઉનાળુ વરસાદવાળી છે. એટલે સૂર્ય માથા પર હોય ત્યારે વર્ષના એપ્રિલથી ઑક્ટોબર સુધીના સમયગાળામાં મુખ્ય વર્ષાઋતુ અનુભવાય છે; જ્યારે બાકીના સમયગાળામાં શુષ્ક ઋતુ અનુભવાય છે. આમ છતાં તેના પશ્ચિમ ભાગમાં બે વર્ષાઋતુઓ હોવાનું વલણ જોવા મળે છે. સામાન્ય રીતે ઈશાનકોણીય વ્યાપારી પવનો દ્વારા આ દેશ વરસાદ મેળવે છે. ઉચ્ચપ્રદેશમાં વાર્ષિક વરસાદનું પ્રમાણ 1,500 મિમી. કરતાં વધુ હોય છે. જોકે ઑરિનોકો થાળામાં ગરમ અને ભેજવાળી વિષુવવૃત્તીય આબોહવા પ્રવર્તે છે અને તેના ઘણાખરા ભાગો 1,000થી 1,500 મિમી. વરસાદ મેળવે છે.

ભૂપૃષ્ઠની અસરોને લીધે ઍન્ડિઝ હારમાળામાં વરસાદનું પ્રમાણ 1,000 મિમી.ની આસપાસ રહે છે. ઍન્ડિઝના ઉત્તરના ઢોળાવો પર સ્થિત પાટનગર કૅરાકસનો વાર્ષિક વરસાદ 836 મિમી. છે. તેનાથી વધુ ઉત્તરે આવેલા કૅરિબિયન કાંઠાના ભાગો આશ્ર્ચર્યજનક રીતે શુષ્ક રહે છે. આ ભાગમાં આવેલાં લ-ગ્વારા (La Guaira) અને કોરો (Coro) અનુક્રમે 275 મિમી. અને 430 મિમી. વરસાદ મેળવે છે.

કુદરતી વનસ્પતિ : દેશના લગભગ 70 % ભૂમિવિસ્તારમાં ઉષ્ણકટિબંધીય ઘાસનાં બીડ તથા જંગલો છવાયેલાં છે. અહીંનું ઊંચું અને બરછટ ઘાસ પશુઆહારની દૃષ્ટિએ ઓછું પોષકમૂલ્ય ધરાવે છે, પણ કૂણું ઘાસ પશુચરિયાણની દૃષ્ટિએ વધુ ઉપયોગી થાય છે. નદીઓ તથા ઝરણાંના કાંઠાના વિસ્તારોમાં ઘાસમિશ્રિત વૃક્ષોનાં ઝુંડ જોવા મળે છે. ઑરિનોકો નદીનું સ્રાવક્ષેત્ર સવાના પ્રકારની લાક્ષણિક વનસ્પતિ ધરાવે છે. આ ઉપરાંત ઉત્તરના શુષ્ક દરિયાકાંઠા પર ઝાંખરાળી વનસ્પતિ ઊગે છે. વળી ઊંચાઈ અનુસાર પલટાતી આબોહવા મુજબ વનસ્પતિમાં વૈવિધ્ય દૃષ્ટિગોચર થાય છે; જેમ કે, આશરે 900 મીટરની ઊંચાઈ સુધીના પહાડી ઢોળાવો પર ખરાઉ જંગલો; 900થી 1,800 મી.ની ઊંચાઈ વચ્ચેના સમશીતોષ્ણ વિભાગમાં સમૃદ્ધ વનસ્પતિ ધરાવતાં ગીચ જંગલો; 1,800થી 3,000 મી. ઊંચાઈ વચ્ચેના શીત-વિભાગમાં ફૂલછોડ ધરાવતી વનસ્પતિ અને ઘાસ તેમજ 3,000 મી.થી વધુ ઊંચાઈનાં પહાડી ક્ષેત્રો આલ્પાઇન ઘાસથી આચ્છાદિત છે. આ દેશમાં થોડાક પ્રમાણમાં વ્યાપારી ધોરણે જંગલોમાંથી મૅહોગનીનું સખત લાકડું મેળવવાની પ્રવૃત્તિ થતી જોવા મળે છે.

જંગલોમાં મોટા કદનાં સસ્તન પ્રાણીઓમાં ટૅપિર (tapir), જગુઆર (jaguar) અને બે જાતનાં રીંછ જોવા મળે છે. વળી સરીસૃપોમાં મુખ્યત્વે કેમૅન (cayman) નામના મગરની જાત, કાચબા તથા અનેક પ્રકારના સર્પોનો સમાવેશ થાય છે. તેમાં ઍનેકોન્ડા સર્પ વધુ લાંબો હોય છે. પક્ષીઓની ઘણીબધી જાતો છે, પણ તેમાં ઑઇલ બર્ડ (Oil bird) એ ગુફાનિવાસી પક્ષી છે. વળી બતક, બગલાં, સારસ વગેરે જળચર પક્ષીઓ છે. સમુદ્રતટરેખાની લંબાઈની તુલનામાં અહીં મત્સ્ય-ઉદ્યોગનો ઓછો વિકાસ થયો છે. મુખ્યત્વે ઍન્ચોવી (anchovies) માછલાં પકડવામાં આવે છે.

ખેતી અને પશુપાલન : દેશનો માત્ર 6 % ભૂમિવિસ્તાર ખેતી હેઠળ છે. આ દેશમાં જ્યારથી ખનીજતેલ – કાળું સોનું હાથ લાગ્યું છે, ત્યારથી જમીનવિહોણા મજૂરો, નાના સીમાંત ખેડૂતો, કારીગરો વગેરેએ ગામડાંમાંથી શહેરોમાં સ્થળાંતર કર્યું છે. આમ થતાં ખેતીપ્રવૃત્તિ પ્રત્યે દુર્લક્ષ સેવાયું છે, તેથી ખાદ્ય પાકોનું ઉત્પાદન જરૂરિયાત કરતાં ઓછું થાય છે, પરિણામે સરકારને વિદેશથી અનાજની આયાત કરવાની ફરજ પડે છે. ગ્રામીણ વસ્તીનું શહેરો તરફનું સ્થળાંતર અટકાવવા માટે ખેતીવાડી ખાતું હવે ગામડાંની પ્રગતિ તથા ખેતીપ્રવૃત્તિ પ્રત્યે પૂરતું લક્ષ આપી રહ્યું છે. વધુમાં સરકારે દેશના ભૂમિહીન ગરીબ ખેડૂતોને વિશાળ એસ્ટેટોની જમીનોને પુનર્વિતરિત કરવાની કામગીરી પણ હાથ ધરી છે.

ઉત્તર ઍન્ડિઝના વેલેન્સિયાનાં આંતરપર્વતીય થાળાંમાં ખેતીપ્રવૃત્તિ કેન્દ્રિત થયેલી છે. અહીં સ્વાવલંબી પાકોની ખેતીની સાથે સાથે બાગાયતોમાં કૉફી, કોકો તથા શેરડી જેવા વ્યાપારી પાકોની ખેતી પણ થાય છે. તેના ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવતા ઉત્તરના ઢોળાવો પર પણ અનુકૂળતા મુજબ કોકો, શેરડી, કપાસ, તમાકુ, કેળાં વગેરે પાકો લેવાય છે. ઍન્ડિઝના આશરે 1,000થી 2,000 મી.ની ઊંચાઈવાળા સમશીતોષ્ણ ઢોળાવો પર દુનિયાભરમાં પ્રખ્યાત એવી વિશિષ્ટ સોડમ  ધરાવતી કૉફી થાય છે. વળી અહીં ઘઉં, જવ, મકાઈ, બટાટા, કઠોળ વગેરે પાકો પણ લેવાય છે.

દરિયાકાંઠાનાં મેદાનોમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત વ્યાપક પ્રમાણમાં નાળિયેરીનો ઉછેર પણ થાય છે. ઑરિનોકો નદીના વિશાળ મુખત્રિકોણ પ્રદેશમાં આવેલાં દલદલનાં જંગલોને સાફ કરીને હવે ડાંગર, શેરડી, મકાઈ, તલ તથા કેળાં જેવા ઉષ્ણકટિબંધીય પાકો ઉગાડવામાં આવે છે. ઑરિનોકો નદીખીણના ઉત્તરના અર્ધા ભાગમાં દુષ્કાળ તથા પૂર જેવી આપત્તિઓના નિવારણાર્થે ગુઆરિકો નદી પર ‘ગુઆરિકો બહુહેતુક યોજના’ તૈયાર થતાં લાનોસની હજારો હૅક્ટર ભૂમિને ખેતી નીચે આણી શકાઈ છે. આજે ત્યાં ઘાસ, ડાંગર, શેરડી, તલ, મકાઈ વગેરેનું મબલક ઉત્પાદન થાય છે.

મુખ્યત્વે લાનોસની ઘાસભૂમિમાં વાડ વિનાનાં વિશાળ એસ્ટેટ(રૅન્ચ)માં પશુસંવર્ધનપ્રવૃત્તિ થાય છે. દેશના કેટલાક ધનિક લોકો આ પ્રવૃત્તિનું સંચાલન કરે છે. આ પ્રવૃત્તિમાં હંમેશાં વિષમ આબોહવા, રોગચાળો, જીવજંતુ વગેરે પરિબળો અવરોધરૂપ રહ્યાં છે, પણ ગમે તેવી પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તેવાં ઢોરોની સંકર ઓલાદો તૈયાર કરવામાં સફળતા મળી છે. આવી ઓલાદોનાં પશુઓની નિકાસ કરવામાં આવે છે. લાનોસનાં પુખ્ત ઢોરોને ઉત્તરનાં પહાડી ક્ષેત્રોમાં અને તેમાં પણ ખાસ કરીને વેલેન્સિયા થાળામાં ફળદ્રૂપ ઘાસનાં મેદાનોમાં ચરાવીને તગડાં બનાવાય છે. આ પછી તેમની કતલ કરવામાં આવે છે. ખાસ કરીને શહેરી વસાહતોની આજુબાજુ ડેરીઉદ્યોગનો વિકાસ થયો છે.

ખનીજ તથા ઊર્જા સંસાધનો : ખનીજ તથા ઊર્જા સંસાધનોની ઉપલબ્ધિની બાબતમાં આ દેશ નસીબદાર છે. ગુયાનાના ઉચ્ચ પ્રદેશના અતિપ્રાચીન ખડકોમાંથી લોખંડ, સોનું, હીરા, મૅંગેનીઝ તથા અન્ય ખનીજો મળી આવે છે. આ ઉપરાંત આ દેશમાં કોલસો, કુદરતી વાયુ તથા ખનીજતેલ, જળવિદ્યુત વગેરે ઊર્જાસ્રોતોનું પ્રમાણ પણ સવિશેષ છે.

ગુઆરિકા નદી પરનું ‘ગુરી જળવિદ્યુતમથક’ (10,060 મે.વૉ.) ઔદ્યોગિક નગરોને વિદ્યુતની જરૂરિયાતો પૂરી પાડે છે. ઍન્ડિઝની તળેટીના ભાગોમાંથી બિટ્યૂમિનસ કોલસો મેળવાય છે. દક્ષિણ અમેરિકા ભૂમિખંડની કોલસાની કુલ અનામતોના 16 % જેટલી તેની અનામતો આ દેશમાં હોવાનું અનુમાન છે. આજે આ દેશની સૌથી અગત્યની ખનીજસંપત્તિ તેનાં કુદરતી વાયુ તથા ખનીજતેલ છે, જે દુનિયાની અનુક્રમે 6 % તથા 3 % અનામતો ધરાવે છે. ઈ. સ. 1976થી દેશની સરકારે ખનીજતેલ-ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કર્યું છે. આજે દેશના નિકાસ-વ્યાપારમાં ખનીજતેલ અને તેની પેદાશો 90 %થી પણ વધુ હિસ્સો ધરાવે છે. દેશમાં કુદરતી વાયુ તથા ખનીજતેલક્ષેત્રો મુખ્યત્વે ત્રણ વિસ્તારોમાં આવેલાં છે : (1) મારાકાઇબો સરોવર અને તેની આસપાસના પ્રદેશો, (2) પૂર્વનાં મોનાગસ (Monagas) તથા એન્ઝોઆટેગ્વી (Anzoategui) રાજ્યો અને (3) પશ્ચિમ લાનોસનું આપૂરે-બારિનાસ (Apure-Barinas) થાળું. આ પૈકી મારાકાઇબો સરોવરની આસપાસના પ્રદેશમાંથી દેશનું આશરે 3/4 ભાગનું ખનીજતેલ મેળવાય છે. ખાસ કરીને સરોવરના પૂર્વ કાંઠા પર તેમજ તેનાં છીછરાં પાણીમાં પણ સંખ્યાબંધ તેલકૂવા ખોદવામાં આવ્યા છે. બધાં જ તેલ તથા વાયુક્ષેત્રોને પાઇપલાઇન મારફત રિફાઇનરીઓ તથા બંદરો સાથે સાંકળવામાં આવ્યાં છે.

આ દેશમાં સારી જાતનાં લોહખનીજો મળે છે. તેની અનામતો લગભગ 480 કિમી. લાંબા પટ્ટામાં પથરાયેલી છે. આ પટ્ટો ઑરિનોકો નદીના દક્ષિણ કાંઠાથી શરૂ થઈ ગુયાનાના ઉચ્ચપ્રદેશના ઉત્તર ભાગ સુધી લંબાયેલો છે. સેરો બોલીવાર (Cerro Bolivar), અલ ટ્રુએનો (El Trueno) તથા અલ પાઓ (El Pao) ખાતેની ખુલ્લી ખાણોમાંથી લોહખનીજો મેળવાય છે. ખનીજોનો કેટલોક જથ્થો રેલમાર્ગે સ્યૂદાદ ગુયાના(Ciudad Guayana)ના લોખંડ-પોલાદના કારખાનામાં લાવવામાં આવે છે, જ્યારે તેના કેટલાક જથ્થાની ઑરિનોકોના જળમાર્ગે વિદેશમાં નિકાસ થાય છે. આ ઉપરાંત ગુયાનાના ઉચ્ચપ્રદેશમાં બીજાં અનેક ખનીજો આવેલાં છે; જેમ કે, ઉપેટા(Upata)માંથી મૅંગેનીઝ, અલ કયાઓ (El Callao) વિસ્તારમાંથી સોનું, કારની (Caroni) નદીખીણના કાંપ(ભૌતિક સંકેન્દ્રણ)માંથી હીરા મળી આવે છે. આ સિવાય આ દેશમાં બૉક્સાઇટ, ક્રોમિયમ, નિકલ, પારો, જસત, સીસું વગેરેના નિક્ષેપો પણ આવેલા છે; પરંતુ પરિવહનનાં સાધનોની ત્રુટિને લીધે તેમના ઉત્ખનનનો બહુ વિકાસ થયો નથી.

ઉદ્યોગો : આ દેશમાં ઔદ્યોગિક વિકાસ થવા માટે અનેક પરિબળો જવાબદાર છે. આ પૈકી ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની તથા વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષતી સરકારની નીતિ; ઘરઆંગણાનું વિશાળ બજાર; ખેતી, પશુપાલન, જંગલો, ખનીજસંપત્તિ(મુખ્યત્વે કુદરતી વાયુ અને ખનીજતેલ, લોહખનીજો વગેરે)માંથી મળતો કાચો માલ વગેરે પરિબળો મુખ્ય છે.

અહીં છેલ્લા ત્રણ-ચાર દાયકાઓમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ ખૂબ ઝડપી બની છે. પાટનગર કૅરાકાસ ઉપરાંત મારાકાઇબો, વેલેન્સિયા, મારાકાય (Maracay), સ્યૂદાદ ગ્વયાન, બાર્કિસિમેટો વગેરે નગરોમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો વિકસિત થયા છે. દેશના અગત્યના ઉદ્યોગો નીચે પ્રમાણે છે :

(1) ખનીજતેલશુદ્ધીકરણ તથા પેટ્રોરસાયણઉદ્યોગ : આ દેશમાં બધી થઈને 15થી પણ વધારે ખનીજતેલ-શુદ્ધીકરણની રિફાઇનરીઓ આવેલી છે અને નવી નવી રિફાઇનરીઓ બંધાતી જાય છે. આ પૈકીની કાડૉર્ન (Cardon) તથા આમ્વાઈ (Amuay) ખાતેની બે રિફાઇનરીઓ મોટી છે. આ સિવાય પ્વર્ટો કેબેયો (Puerto Cabello), પ્વર્ટો લા ક્રુઝ (બે રિફાઇનરીઓ), કારિપીટો (Caripito) અને તુકુપીટા (Tucupita) ખાતે પણ રિફાઇનરીઓ આવેલી છે.

રિફાઇનરીઓમાંથી મળતા કાચા માલ તથા કુદરતી વાયુના પુરવઠા પર પેટ્રોરસાયણ ઉદ્યોગ આધાર રાખે છે. મોરોન ખાતેના વિરાટ પેટ્રોરસાયણ સંકુલ ઉપરાંત મારાકાઇબો સરોવરકાંઠે રાસાયણિક ખાતરો તથા પૉલિયેસ્ટરનું ઉત્પાદન કરતા પાંચ એકમો આવેલા છે. દેશની ખાતરની જરૂરિયાતો પૂરી પાડવા ઉપરાંત તેના વધારાના જથ્થાની નિકાસ કરવામાં આવે છે. આ સિવાય વિશાળ શ્રેણીનાં રસાયણોનું ઉત્પાદન કરતા બીજા કેટલાક વધુ એકમો સ્થાપવાનું કાર્ય ચાલુ છે.

(2) લોખંડપોલાદ તથા ઍલ્યુમિનિયમઉદ્યોગ : ઑરિનોકો નદીકાંઠે આવેલા સ્યૂદાદ ગ્વયાન ખાતે લોખંડ-પોલાદનું વિશાળ કારખાનું આવેલું છે. તેની ઉત્પાદન-ક્ષમતા વાર્ષિક લગભગ 25 લાખ ટન જેટલી છે. આ ઉદ્યોગને જરૂરી એવાં લોહખનીજો નજીકની સેરો બોલીવારની ખાણોમાંથી અને મૅંગેનીઝ ઉપેટા ખાતેથી મેળવાય છે. આ સિવાય યુરોપ અને જાપાન ખાતે જે સ્ટીમરો મારફત સેરો બોલીવારની લોહખનીજોની નિકાસ કરવામાં આવે છે, તે જ સ્ટીમરો તેની વળતી સફરમાં અહીંનાં લોખંડ-પોલાદનાં કારખાનાં માટેનો કોકિંગ-કોલસો પૂરો પાડે છે. વળી નજીકના ગુરી જળવિદ્યુતમથકમાંથી આ કારખાનાંને જરૂરી વિદ્યુતપુરવઠો પણ ઉપલબ્ધ થાય છે.

સસ્તી જળવિદ્યુત વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થતી હોવાથી આ લોખંડ-પોલાદના કારખાનાની નજીકમાં જ ઍલ્યુમિનિયમ-સ્મેલ્ટરની સ્થાપના કરવામાં આવી છે. આ ઉદ્યોગને જરૂરી બૉક્સાઇટનો જથ્થો જમૈકા, સુરિનૅમ, ગુયાના અને બ્રાઝિલમાંથી આયાત કરવામાં આવે છે.

(3) વપરાશી માલનું ઉત્પાદન કરતા ઉદ્યોગો : આ દેશમાં લગભગ બધા જ પ્રકારના વપરાશી માલનું ઉત્પાદન કરવામાં આવે છે. તેનાં મોટા ભાગનાં ઉત્પાદક-એકમો દેશના ‘હાર્દપ્રદેશ’(heartland)માં એટલે કે ખાસ કરીને પાટનગર કૅરાકાસ તથા મારકાય અને વેલેન્સિયા જેવાં નગરોમાં કેન્દ્રિત થયેલાં છે. આ જૂથના ઉદ્યોગોમાં ખાદ્યચીજોનું પ્રક્રમણ કરતા ઉદ્યોગો તથા કાપડ-ઉદ્યોગનું સ્થાન મોખરે છે. તેમાં મુખ્યત્વે પશુઓનાં કતલખાનાં તથા માંસ-પૅકિંગ; માછલી, શાકભાજી અને ફળોને નિર્વાત ડબ્બાઓમાં પૅકિંગ કરવાનો ઉદ્યોગ; પૅશ્ચ્યુરાઇઝ્ડ દૂધ, માખણ, પનીર, આઇસક્રીમ વગેરેને લગતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

કાપડ-ઉદ્યોગ, દેશની લગભગ બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે. દેશમાં આશરે 75 જેટલી કાપડની મિલો છે, જે 17,000 જેટલા શ્રમિકોને રોજી પૂરી પાડે છે. આ ઉપરાંત દેશનો મોટર અને વાહન-ઉદ્યોગ મુખ્યત્વે ફૉર્ડ તથા જનરલ મોટર્સ કંપનીઓ હસ્તક છે. વળી કપડાં તૈયાર કરતા ઉદ્યોગોમાં આશરે 30,000 લોકો રોકાયેલા છે. આ સિવાય આ દેશમાં સિગારેટ, પીણાં, ચામડાં, પગરખાં, કાગળ, સિમેન્ટ, ફર્નિચર વગેરેને લગતા અન્ય ઉદ્યોગો પણ છે.

પરિવહન તથા વ્યાપાર : આ દેશમાં બધા જ પ્રકારના મળી આશરે 75,772 કિમી. લંબાઈના સડકમાર્ગો આવેલા છે. સડકોની ગીચ જાળ મુખ્યત્વે દેશના ઉત્તર તથા વાયવ્ય ભાગમાં પથરાયેલી જોવા મળે છે. તેમાં પાટનગર કૅરાકસ અને અન્ય શહેરી વસાહતોને જોડતા ‘પાન અમેરિકન ધોરી માર્ગ’ ઉલ્લેખનીય છે. તેનાથી આ દેશ કોલમ્બિયા તથા બ્રાઝિલ જેવા પડોશી દેશો સાથે જોડાયેલો છે.

દેશના આંતરિક ભાગોમાં નદી-સરોવરોના જળમાર્ગોનું વિશેષ મહત્વ છે. મારાકાઇબો સરોવરમાં જ વેનેઝુએલાના અખાતને જોડતી ઊંડી ચૅનલ ખોદી કાઢવામાં આવી છે, જેના દ્વારા માલવાહક સ્ટીમરો તથા ખનીજતેલની ટૅન્કરો અવરજવર કરી શકે છે. એવી જ રીતે આંતરિક ભાગમાં આવેલી ઑરિનોકો નદીકાંઠા પરના ઔદ્યોગિક કેન્દ્ર સ્યૂદાદ ગ્વયાન સુધી દરિયાઈ સ્ટીમરોની અવરજવર ચાલુ રહે છે. ઉત્તરકિનારાના ભાગોમાં લ-ગ્વારા, પ્વર્ટો કેબેયો, પ્વર્ટો ઓર્ડોઝ, ગ્વાન્ટા, મારાકાઇબો વગેરે અગત્યનાં બંદરો છે. આ ઉપરાંત આ પહાડી દેશમાં દૂરદૂરનાં અંતરો પાર કરવા માટે આંતરિક હવાઈ સેવાઓ મહત્વની છે. તેનાં આશરે 25 જેટલાં હવાઈ મથકો પૈકીનું પાટનગર કૅરાકસ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે.

એકલાં ક્રૂડ ખનીજતેલ તથા પેટ્રોલિયમ પેદાશો જ દેશને આશરે 9/10 ભાગની નિકાસ-કમાણી કરી આપે છે. નિકાસમાં બીજું સ્થાન ધરાવતાં લોહખનીજોની ખાસ કરીને યુ.એસ. તથા જાપાનમાં નિકાસ થાય છે. આ ઉપરાંત કૉફી, કોકો, ખાંડ, ઍલ્યુમિનિયમ, લોખંડ-પોલાદની ચીજો, ક્રૂડ હીરા વગેરે તેની અન્ય નિકાસો છે. આ દેશ વિશાળ શ્રેણીના ઉત્પાદિત માલની આયાત કરે છે. તેમાં યંત્રસામગ્રી અને વાહનો, રસાયણો, લોખંડ-પોલાદ, ધાતુકીય પેદાશો વગેરે મુખ્ય છે. દેશનાં આયાત-નિકાસ વ્યાપારનો મુખ્ય ભાગીદાર દેશ યુ.એસ. છે. આ ઉપરાંત ઇટાલી, ફ્રાન્સ, નેધરલૅન્ડ, જાપાન, જર્મની, કૅનેડા, યુ.કે., પ્યુર્ટોરિકો, પનામા વગેરે અન્ય ભાગીદાર દેશો છે.

વસ્તી અને વસાહતો : આ દેશની વસ્તી આશરે 2.417 કરોડ (2000) જેટલી છે. અહીંની વસ્તીમાં આશરે 70 % મેસ્ટીઝો, 20 % યુરોપિયનો, 8 % નિગ્રો તથા 2 % અમેરીડિયન જાતિના લોકોનું પ્રમાણ છે. દેશની મોટા ભાગની એટલે કે આશરે 70 % વસ્તી ‘પહાડી ક્ષેત્રો’માં લગભગ 800થી 1,800 મીટરની ઊંચાઈની વચ્ચે આવેલા થાળા તથા ખીણપ્રદેશોમાં વસેલાં નગરોમાં કેન્દ્રિત થયેલી છે, જ્યાં ઊંચાઈ પરની સ્વાસ્થ્યવર્ધક આબોહવા તથા ઉત્તમ ખેતી માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પરંપરાગત ઐતિહાસિક પરિબળો પણ આવા ગીચ વસ્તીના કેન્દ્રીકરણ માટે જવાબદાર છે. આ પ્રદેશો ઘણા લાંબા સમયથી રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે અને દેશના ‘હાર્દપ્રદેશ’ની ઉપમા પામ્યા છે. દેશની બાકીની લગભગ 10 % વસ્તી મારાકાઇબો સરોવરની આસપાસનાં મેદાનોમાં કેન્દ્રિત થઈ છે. ખનીજતેલ-ઉદ્યોગના વિકાસથી આકર્ષાઈને અહીં ઘણા લોકોએ વસવાટ કર્યો છે. દેશનો આશરે 1/4 વિસ્તાર રોકતા ઑરિનોકોના ખીણ-પ્રદેશમાં દેશની લગભગ 1/5 ભાગની વસ્તી વસવાટ કરે છે, જ્યારે ગુયાનાના વિશાળ ઉચ્ચપ્રદેશમાં વસ્તીનું પ્રમાણ અત્યંત ઓછું છે. અહીં નદીકાંઠાના પ્રદેશોમાં છૂટાંછવાયાં ઇન્ડિયન આદિવાસી જૂથો વસે છે.

આ દેશની સરકારની નીતિ વિદેશીઓના વસવાટને પ્રોત્સાહન આપતી હોવાથી બીજા વિશ્વયુદ્ધ પછીથી વસાહતી-યોજના અન્વયે 8 લાખ જેટલા ઇટાલિયન, ફ્રેન્ચ, જર્મન, સ્કૅન્ડિનેવિયન, પોલ, હંગેરિયન, યુગોસ્લાવ વગેરે મૂડીવાદી યુરોપિયનોને અહીં વસાવવામાં આવ્યા છે.

આ દેશમાં અત્યંત ઝડપથી થઈ રહેલા શહેરીકરણને પરિણામે શહેરી કેન્દ્રોનો વ્યાપ વધતો જાય છે, જે એક પડકારરૂપ અને ગંભીર સામાજિક અસરો ઉપજાવનાર બાબત ગણાવી શકાય. અહીંની આશરે 90.5 % વસ્તી શહેરી છે. સમૃદ્ધ શહેરી જીવનના પ્રલોભનથી આકર્ષાઈને તથા ખનીજતેલ આધારિત ઉદ્યોગોમાં રોજી મેળવવાના આશયથી સંખ્યાબંધ ગ્રામવાસીઓએ કસબાઓ અને શહેરોમાં આવીને વસવાટ કર્યો છે. આથી શહેરી વસાહતો ભરચક વસ્તી ધરાવતી અને ઝૂંપડપટ્ટીવાળી બની છે.

ઉત્તરના પહાડી ફળદ્રૂપ થાળામાં આશરે 920 મી.ની ઊંચાઈએ આવેલું કૅરાકસ (Caracas) (31,27,000 : 1999) એ દેશનું પાટનગર તથા મુખ્ય ઔદ્યોગિક મથક  છે. તે ધોરી માર્ગે દેશના મુખ્ય બંદર લ-ગ્વારા તેમજ દેશનાં અન્ય શહેરી કેન્દ્રો સાથે સંકળાયેલું છે. વળી તે આંતરિક તથા આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનું મુખ્ય મથક છે. મારાકાઇબો એ દેશની વાયવ્યમાં આવેલા વિશાળ મારાકાઇબો સરોવરકાંઠાનું બંદર તથા ખનીજતેલ-ઉદ્યોગનું કેન્દ્ર છે. ઉત્તરના પહાડી પ્રદેશ પરના ફળદ્રૂપ થાળામાં વેલેન્સિયા તથા મારાકાય  આ બંને શહેરો મહત્વનાં ઔદ્યોગિક તથા વ્યાપારિક કેન્દ્રો છે. સ્યૂદાદ ગુયાના, એ ઑરિનોકો નદીકાંઠા પરનું બંદર, લોખંડ-પોલાદ તથા ઍલ્યુમિનિયમ ઉદ્યોગનું કેન્દ્ર છે. વળી બાર્ક્વિસિમેટો તથા બાર્સેલોના  એ દેશની બીજી અગત્યની શહેરી વસાહતો છે.

બિજલ પરમાર