વીતહવ્ય : હૈહય વંશનો એક રાજા જે કાર્તવીર્ય અર્જુનનો પ્રપૌત્ર હતો. પરશુરામે ક્ષત્રિય-સંહાર શરૂ કર્યો ત્યારે તે હિમાલયની એક ગુફામાં સંતાઈ ગયો હતો. પરશુરામના સંહારનું કાર્ય બંધ થયા પછી તે બહાર આવ્યો અને તેણે માહિષ્મતી નામની નગરી વસાવી.

વીતહવ્યને દસ પત્નીઓ અને સો પુત્રો હતાં. તેણે કાશીરાજ દિવોદાસ સહિત અનેક રાજાઓને હરાવ્યા. ત્યારબાદ, ભારદ્વાજ મુનિની કૃપાથી દિવોદાસને ત્યાં પ્રતર્દન નામનો વીર પુત્ર જન્મ્યો. તેણે વીતહવ્યના બધા પુત્રોને ભયંકર લડાઈ કરીને મારી નાખ્યા. પછી પ્રતર્દન વીતહવ્યને મારવા એની પાછળ દોડ્યો. વીતહવ્ય દોડીને ભૃગુઋષિના આશ્રમમાં છુપાઈ ગયો. પાછળ પડેલો પ્રતર્દન ત્યાં આવ્યો અને ઋષિને વિનંતી કરી કે વીતહવ્યને મને સ્વાધીન કરો. અહીં કોઈ ક્ષત્રિય નથી, અમે બધા બ્રાહ્મણો જ છીએ, એમ કહીને ઋષિએ વીતહવ્યનું રક્ષણ કર્યું. પછી પ્રતર્દન ત્યાંથી પાછો ગયો. ત્યારબાદ વીતહવ્યે ક્ષત્રિય કાર્યનો ત્યાગ કર્યો. ભૃગુઋષિની કૃપાથી તે બ્રહ્મર્ષિત્વ પામ્યો.

જયકુમાર ર. શુક્લ