વીણા શાન્તેશ્વર (. 22 ફેબ્રુઆરી 1945, ધારવાડ, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. વળી હૈદરાબાદની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ ઍન્ડ ફૉરિન લૅંગ્વેજિઝમાંથી અંગ્રેજી સાહિત્યમાં પી.જી. ડિપ્લોમા અને એમ.લિટ.ની પદવી પ્રાપ્ત કર્યાં.

તેઓ ધારવાડની કર્ણાટક આટર્સ કૉલેજનાં વાઇસ પ્રિન્સિપાલ હતાં. તેઓ 1992-95 દરમિયાન કમિટી ફૉર વિમેન્સ સ્ટડિઝનાં અધ્યક્ષા અને કર્ણાટક સાહિત્ય અકાદમીનાં સભ્ય રહ્યાં. વળી તે સમય દરમિયાન તેઓ નૉર્થ કર્ણાટક વિમેન રાઇટર્સ ઍસોસિયેશનનાં પ્રમુખ અને ‘અનિકેતન’ દ્વિમાસિકનાં સંપાદિકા રહ્યાં. 1998-2002 દરમિયાન તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીની જનરલ કાઉન્સિલના સભ્યપદે રહ્યાં.

તેમણે 11 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મલ્લુગલુ’ (1967); ‘કોનેય દોર’ (1972); ‘કવલુ’ (1976); ‘હસિવુ’ (1984) અને ‘બિડુગડે’ (1994) તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહો છે. ‘ગંદસરુ’ (1978) અને ‘શોષણ’ (1984) તેમની જાણીતી નવલકથાઓ છે. ‘મહિલા અધ્યયન’ તેમનો સંપાદિત નિબંધસંગ્રહ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1973 અને 1988માં કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તેમજ રત્નમ્મા હેગડે ઍવૉર્ડ; મલ્લિકા પ્રશસ્તિ અને અનુપમા પ્રશસ્તિ પણ એનાયત કરવામાં આવ્યાં છે.

બળદેવભાઈ કનીજિયા