વિષ્ણુસહસ્રનામ : મહાભારતમાં રજૂ થયેલું હિંદુ ધર્મનું એક અતિપ્રસિદ્ધ સ્તોત્ર. મહાભારતના અનુશાસનપર્વમાં આ પ્રસંગ છે : ભીષ્મ બાણશય્યા પર સૂતેલા છે. યુધિષ્ઠિર એમની પાસે આવે છે. તેઓ પોતાના ચિત્તનું સમાધાન કરવા છ પ્રશ્નો કરે છે. તેમાં છેલ્લો આ પ્રમાણે છે : ‘કોનો જાપ કરવાથી મનુષ્ય જન્મ અને સંસારનાં બંધનોથી છૂટી જાય છે ?’ ભીષ્મ આનો ઉત્તર આપે છે – પુરુષોત્તમ આ લોકના અધ્યક્ષ છે. એની હંમેશાં સ્તુતિ કરે તેનાં તમામ દુ:ખો દૂર થાય છે. આનું સ્તવન વિષ્ણુનાં હજાર નામોથી થાય છે. વિષ્ણુનાં આ સહસ્રનામ પાપ અને ભયને દૂર કરે છે. તે તું મારી પાસેથી સાંભળ ! ત્યાર પછી 107 અનુષ્ટુષ શ્ર્લોકોમાં ભીષ્મ એક હજાર નામો કહે છે. આ નામો विश्वम् થી શરૂ કરીને सर्वप्रहरणायुधः સુધીના સંખ્યામાં ખરેખર 1,000 છે. ભીષ્મ આ નામો માટે વિશેષણ આપે છે गौणानि – વિષ્ણુના ગુણને આધારે પડેલાં; જેમ કે, તે વ્યાપનશીલ છે, તેથી विष्णुः છે. विख्यातानि – આ નામો કોઈ ને કોઈ રીતે વિખ્યાત છે; ગીતામાં જેમકે, कपिलः ગીતામાં શ્રીકૃષ્ણ પોતાની વિભૂતિઓ ગણાવે છે; તેમાં ‘કપિલ’ છે. ऋषिभिः परिगीतानि. અગાઉના આર્ષદ્રષ્ટા ઋષિઓએ ગાયેલાં છે; જેમકે, સહસ્રાક્ષ. ઋગ્વેદના પુરુષસૂક્તમાં આ નામ છે. તેમ છતાં મહાભારતકારનું અનન્ય અને અદ્ભુત સર્જનકર્મ આ સ્તોત્રમાં પ્રગટ થયા સિવાય રહેતું નથી. બધાં નામો विख्यात કે ऋषिपरिगीत નથી; જેમકે, वर्णाः નામો અહીં મુકાય છે ત્યારે ચોક્કસ નિરૂપ્યને આધારે મુકાય છે અને આ બધામાં અનુપ્રાસનું સૌંદર્ય પ્રગટ થતું રહે છે. આ અનુપ્રાસને કારણે અર્થથી અજ્ઞાત વક્તાને પણ સ્વાન્ત: સુખ પ્રાપ્ત થાય છે; જેમકે, श्रीदः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः । श्रीधरः श्रीकरः श्रेयः श्रीर्माल्लौकत्रयाश्रयः ।। અહીં અનુષ્ટુપના 32 વર્ણોમાં 10 ‘श्र’ છે. આ નામમાળા જ એવી રીતે કાવ્યનિબદ્ધ છે કે તુરત કંઠસ્થ થઈ જાય છે અને વગર માળાએ બોલી શકાય છે. અજામિલને મળ્યું તેમ, અર્થથી અજ્ઞાત હોય તેને પણ તેના સ્તોત્રજાપનું ફળ મળે છે. આના ભાષ્યકાર શંકરાચાર્યે પ્રારંભે યોગ્ય રીતે શંકાસમાધાન કર્યું છે : (1) બીજા અર્થમાં પ્રસિદ્ધ સૂર્ય વગેરે નામો વિષ્ણુ માટે અહીં છે; કારણ કે તત્વત: સૂર્ય એની જ વિભૂતિ છે. (2) આમાં નામો પુનરુક્ત કોઈક વાર થાય છે; તે અર્થભેદે છે, તેથી પુનરુક્તિ ન કહેવાય. (3) અહીં ત્રણેય લિંગ પ્રયોજાય છે. એટલે પુલ્લિગં હોય તો विष्णुःને, સ્ત્રીલિંગ હોય તો देवताને અને નપુંસકલિંગ હોય તો ब्रह्मને વિશેષ્ય તરીકે સમજવું.
‘વિષ્ણુસહસ્રનામ’ એ સ્તોત્રને ‘ભગવદ્ગીતા’ જેટલું મહત્વ ભાષ્યકાર શંકરાચાર્યે આપ્યું છે. અન્ય અનેક દેવદેવીઓ પર આવાં સહસ્રનામ સ્તોત્રો લખાયાં છે. તેમાં ‘લલિતાસહસ્રનામ’, ‘શિવસહસ્રનામ’, ‘પુરુષોત્તમસહસ્રનામ’ વધુ જાણીતાં છે.
રશ્મિકાન્ત મહેતા