વિષ્ણુવર્ધન : ઈ. સ. 1110થી 1141 દરમિયાન માયસોર વિસ્તારના કન્નડ પ્રદેશમાં શાસન કરતો દ્વારસમુદ્રનો હોયસળ વંશી રાજા. તે મૂળમાં જૈનધર્માવલંબી હતો પરંતુ રામાનુજાચાર્યના પ્રભાવથી તેણે વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો. રાજાનું મૂળ નામ વિહિદેવ હતું. વૈષ્ણવી દીક્ષા લીધા પછી પોતાનું નામ બદલીને વિષ્ણુવર્ધન રાખ્યું. બાંધકામપ્રિય રાજાએ તેના શાસનકાળ દરમિયાન નોંધપાત્ર દેવાયલો બંધાવ્યાં. એમાં બેલૂરનું સુંદરેશ્વર મંદિર નમૂનેદાર છે. એ મંદિરમાં રાજાની અને એની વિખ્યાત રાણી શાન્તલા સહિતની એક પ્રતિમા કંડારેલી છે. રાણી પોતે જૈન ધર્મમાં આસ્થા ધરાવતી હોવા છતાં તેણીએ પતિના બ્રાહ્મણ ધર્મ માટેના ઉત્સાહને નિષ્ઠાપૂર્વક ટેકો આપ્યો હતો. બેલૂરમાં મનોહર મકરતોરણ અને ભવ્ય દ્વારપાલોની બરોબરી કેવળ મંદિરની ઓસરીઓ અને મંડપના બાહ્ય સ્તંભને જોડતી એક છેડાથી બીજા છેડા સુધી કરેલી બારીક કોતરણીયુક્ત પથ્થરની જાળીઓ જ કરી શકે એમ છે. હલેબીડનું હોયસળેશ્વર મંદિર પણ એવી રીતે એના વિશિષ્ટ સૌંદર્ય અને શોભાને લઈને મહત્વનું સ્મારક ગણાય છે. શિલ્પપટ્ટીઓની લંબાઈ 700 ફૂટથી પણ અધિક છે અને તે 11 શિલ્પપટ્ટીઓમાં અલંકૃત છે. સોમનાથપુરમનું નાનું મંદિર પણ શિલ્પ-વિગત પરત્વે આશ્ચર્યકારક સમૃદ્ધિ ધરાવે છે.

પ્રવીણચંદ્ર પરીખ