વિષ્ણુસ્વામી : દ્વૈતવાદી વૈષ્ણવ અને ભક્તિમાર્ગી સંત. કૃષ્ણભક્તિના સંદર્ભમાં બે પ્રકારના ભક્તિમાર્ગીઓ ઉલ્લેખનીય છે : 1. કૃષ્ણ-રુક્મિણીના ભક્તો અને 2. કૃષ્ણ-રાધાના ભક્તો. જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ જેવા મહારાષ્ટ્રના સંતો પહેલા પ્રકારમાં આવે છે, જ્યારે જેમના દ્વારા અન્ય પ્રદેશોમાં વિવિધ પંથો સ્થપાયા તે નિમ્બાર્ક, વિષ્ણુસ્વામી, વલ્લભાચાર્ય અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ બીજા પ્રકારમાં આવે છે. વિષ્ણુસ્વામી કોણ હતા અને ક્યારે થઈ ગયા એ બાબતમાં વિદ્વાનોમાં મતભેદ છે. વિષ્ણુસ્વામીના ઉપદેશમાં  રાધાકૃષ્ણ-પંથનાં દર્શન થાય છે. એક મત એવો છે કે તેઓ મહારાષ્ટ્રી સંત જ્ઞાનેશ્વરના ગુરુ હતા અને જો તેમ હોય તો તે તેરમી સદીમાં થયા હોવા જોઈએ. તેમના વિશે બહુ ઓછી માહિતી મળે છે. જોકે તેમનો સંપ્રદાય એક કાળે ખૂબ ફેલાયો હતો અને લોકપ્રિય હતો. ડૉ. ભાંડારકર, આર્થર વેનિસ અને સતીશચંદ્ર વિદ્યાભૂષણ વગેરેના મતે જ્ઞાનપૂર્ણ એ જ જ્ઞાનેશ્વર છે; પરંતુ જ્ઞાનેશ્વરે પોતાના ગુરુનું નામ ગહિનીનાથ આપ્યું છે અને વિષ્ણુસ્વામી નથી આપ્યું માટે ઉપરના બે વિદ્વાનોને અને ભક્તમાલને અનુસરી વિષ્ણુસ્વામીને સંત જ્ઞાનેશ્વરના ગુરુ માનનાર ડૉ. ભાંડારકર વગેરેના મતને પ્રા. ગો. હ. ભટ્ટ ભ્રાન્ત ગણાવે છે અને મનુસ્મૃતિ ઉપરની મેધાતિથિના ઉલ્લેખ ઉપર ભાર મૂકી વિષ્ણુસ્વામીને દશમા શતકમાં મૂકે છે. ઉપર જણાવેલ વિદ્વાનોના મતોનો વિચાર કરતાં સંપ્રદાય-પ્રવર્તક વિષ્ણુસ્વામી શ્રીધર પહેલાં ઘણું કરી ઈ. સ. 1200ની આસપાસ થઈ ગયા હોય એેમ લાગે છે.

વિષ્ણુસ્વામીએ શ્રુતિ, વ્યાસસૂત્રો, ગીતા અને શ્રીમદ્ભાગવત ઉપર ભાષ્યો લખ્યાં છે એમ ગદાધરદાસજી કહે છે. તેમણે ‘સર્વજ્ઞસૂક્ત’ નામનો ગ્રંથ લખ્યો હોવાનો નિર્દેશ શ્રીધરે કર્યો છે. તેમનું તત્વજ્ઞાન મધ્વની જેમ દ્વૈતવાદનું છે, પણ મધ્વ કરતાં ભિન્નપણે તેઓ રાધાભક્તિને સ્વીકારે છે.

શુદ્ધાદ્વૈતના પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યની ગુરુપરંપરા નારાયણ, શંકર, નારદ, વેદવ્યાસ, શુક, વિષ્ણુસ્વામી (દ્રવિડ), બિલ્વમંગળ અને વલ્લભાચાર્ય – એ ક્રમપ્રકારે વર્ણવવામાં આવે છે. ડૉ. ભાંડારકરના મતે વિષ્ણુસ્વામીનો અને વલ્લભાચાર્યનો વેદાન્ત-મત એક છે. શ્રી દુ. કે. શાસ્ત્રીના મતે વલ્લભાચાર્યના પિતા વિષ્ણુસ્વામી મતાનુવર્તી હતા અને વલ્લભાચાર્યે પોતે પહેલી અવસ્થામાં કદાચ એ મતનો સ્વીકાર કર્યો હોય અને એ મતના કોઈક સિદ્ધાંતો પોતાના પિતા પાસેથી અથવા બિલ્વમંગળની શિષ્યપરંપરા પાસેથી જાણ્યા હોય એવો સંભવ છે. વલ્લભાચાર્યના પોતાના ‘તત્ત્વાર્થદીપ’ નિબંધની ઇતિશ્રીમાં ‘વિષ્ણુસ્વામી મતવર્તી વલ્લભાચાર્યે રચેલ’ એવા શબ્દો છે. જોકે આવી પુષ્પિકા સર્વ હસ્તપ્રતોમાં સર્વ પ્રકરણોને અંતે મળતી નથી. વલ્લભ સંપ્રદાયના કેટલાક લેખકો વિષ્ણુસ્વામીના સંપ્રદાયને અને વલ્લભ-સંપ્રદાયને કશો સંબંધ હોય એમ માનતા નથી, પણ એ સંપ્રદાયના જ બીજા કેટલાક લેખકો; દા.ત., ‘સંપ્રદાયપ્રદીપ’ના કર્તા ગદાધરદાસજી, ‘વલ્લભ-દિગ્વિજય’ના લેખક યદુનાથજી અને ‘ચરિત્રચિન્તામણિ’ના લેખક દેવકીનંદન વલ્લભાચાર્યને વિષ્ણુસ્વામી સંપ્રદાયના આચાર્ય ગણે છે. કેટલાંક કીર્તનોમાં પણ આવો ઉલ્લેખ મળે છે. સાધુઓની પરંપરામાં પણ વિષ્ણુસ્વામી આચાર્ય અને વલ્લભાચાર્ય પરમાચાર્ય એવી માન્યતા પ્રચલિત છે; આમ છતાં શુદ્ધાદ્વૈતવાદ તેમજ પુદૃષ્ટિમાર્ગ વલ્લભાચાર્યે પોતે જ પ્રવર્તાવેલ છે એમાં સંદેહ નથી. વલ્લભાચાર્યે પોતે વિષ્ણુસ્વામી, રામાનુજ વગેરેના મતથી પોતાનો મત જુદો છે અને વિષ્ણુસ્વામીનો મત તામસ છે તથા પોતાનો મત નિર્ગુણ છે એમ કહીને પોતાની મતભિન્નતા સ્પષ્ટ કરે છે. શ્રી ન. દે. મહેતાના મતે નિમ્બાર્કમત(ઈ. સ. 990)ની પરંપરા પ્રમાણે વૈષ્ણવોનો મૂળ સંપ્રદાય નારદથી છૂટો પડ્યો છે. શ્રી શંકરપુત્ર સ્કંદ પાસેથી નારદે બ્રહ્મવિદ્યા મેળવી, તે શંકરપુત્ર સ્કંદ તે બ્રહ્માના માનસપુત્ર સનતકુમાર ગણાય છે. બ્રહ્મપુત્ર સનતકુમાર અથવા શિવપુત્ર સ્કંદ પાસે નારદે બ્રહ્મવિદ્યા મેળવ્યાનું વર્ણન છાન્દો. 35માં આવે છે અને તે નારદઋષિની પરંપરામાં પ્રથમ અવતાર વિષ્ણુસ્વામી (દ્રવિડ), બીજો અવતાર નિમ્બાર્ક, ત્રીજો અવતાર મધ્વાચાર્ય અને ચોથો અવતાર રામાનુજાચાર્ય ગણાય છે. આ ઉપરથી સમજાય છે કે વિષ્ણુસ્વામીની એક શાખામાં શુદ્ધાદ્વૈતમત (વલ્લભાચાર્યના મત જેવો) પ્રગટ થયો અને શ્રીમદ્વલ્લભાચાર્યે તેનો પુનરુદ્ધાર કર્યો જણાય છે.

વિષ્ણુસ્વામીએ જ્ઞાનેશ્વરની જેમ ભેંસ પાસે વેદમંત્રો બોલાવેલા તેવી અનુશ્રુતિ છે. કેટલાક વિદ્વાનો માને છે કે સાયણાચાર્યના ગુરુ વિદ્યાશંકર એ જ વિષ્ણુસ્વામી છે. વળી મહારાષ્ટ્રમાં પ્રચલિત વારકરી સંપ્રદાય એ વિષ્ણુસ્વામીના જ મતનું રૂપાંતર છે એમ કેટલાક વિદ્વાનો માને છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ