વિષ્ણુકુંડી વંશ : આંધ્ર પ્રદેશમાં ઈસવી સનની પાંચમીથી સાતમી શતાબ્દી દરમિયાન વિઝાગાપટમ્, ગોદાવરી, કૃષ્ણા અને ગંતુર જિલ્લાઓના વિસ્તારમાં શાસન કરનાર રાજવંશ. આ વંશના રાજાઓ તેમના સીલ ઉપર પ્રતીક તરીકે સિંહને દર્શાવતા હતા. તેઓ શ્રીશૈલ પર્વત ઉપર આવેલ મંદિરની દેવીને પોતાની કુળદેવી માનતા હતા. પાંચમી સદીની મધ્યમાં તે રાજવંશ સત્તા પર આવ્યો અને માધવવર્મન-1 પહેલો રાજવી હતો. તેણે અગિયાર અશ્વમેધ અને એક હજાર બીજા યજ્ઞો કર્યા હતા. આ નિવેદન અક્ષરશ: સાચું માનવા આપણે અચકાઈએ છીએ છતાં તે એક શક્તિશાળી રાજા હતો તેમાં શંકા નથી. તે વિદ્યાનો મહાન આશ્રયદાતા હતો. ‘જનાશ્રય છંદોવિચિત્તી’ નામનો ગ્રંથ તેની સ્મૃતિ માટે લખાયો હતો. તેની રાણી વાકાટક વંશની રાજકુમારી હતી. તેથી તેનો પુત્ર વિક્રમેન્દ્ર-1, વાકાટકો અને વિષ્ણુકુંડી – આ બંને પરિવારોનું અલંકાર કહેવાતો. તેનો પુત્ર ઇન્દ્રવર્મન અથવા ઇન્દ્રભટ્ટારક પણ કહેવાતો. તે ઘણો પ્રતાપી રાજા હતો. તેણે વિદ્યાના વિકાસ માટે અનેક શાળાઓ સ્થાપી. તે પરમ માહેશ્વર હતો, અને ઈ. સ. 590થી 620 દરમિયાન થઈ ગયો. તે એક મહાન વિજેતા હતો. પરંતુ તેના શાસનનાં પાછલાં વર્ષોમાં વિષ્ણુકુંડી રાજ્યના દુશ્મનોનો ભય વધી ગયો હતો. તેણે દુશ્મનો સામે પૂર્વના પ્રદેશોમાં ઝળકતો વિજય મેળવ્યો હતો.

ઇન્દ્રવર્મન પછી તેનો પુત્ર મહારાજા વિક્રમેન્દ્રવર્મન-3 (ઈ. સ. 620-631) ગાદીએ બેઠો. તેણે તેના શાસનના દસમા વર્ષે ચિક્કુલ્લ દાનપત્ર આપ્યું હતું. તે મહેશ્વરનો ચુસ્ત ભક્ત હતો. તેણે ભગવાન સોમગિરીશ્વરનાથના મંદિરના નિભાવ માટે એક ગામ દાનમાં આપ્યું હતું.

વિક્રમેન્દ્રવર્મન-3ના શાસન દરમિયાન બાદામીના ચાલુક્ય વંશના પ્રતાપી રાજા પુલકેશી-2એ આશરે ઈ. સ. 631માં તેના રાજ્ય પર હુમલો કર્યો. ચાલુક્ય રાજાએ તેના દુશ્મનને હરાવ્યો એમ ઈ. સ. 634ના અઇહોળના અભિલેખ પરથી જણાય છે. ઉત્કીર્ણ શિલાલેખના આધારે જાણવા મળે છે કે, સાતમી સદીના પૂર્વાર્ધમાં વેંગીનો પ્રદેશ પલ્લવો પાસે નહિ, પરંતુ વિષ્ણુકુંડી વંશના શાસકોની સત્તા હેઠળ હતો.

જયકુમાર ર. શુક્લ