વિષ્ણુકુંડી શિલ્પકલા

May, 2023

વિષ્ણુકુંડી શિલ્પકલા : આંધ્રપ્રદેશમાં 6ઠ્ઠી-7મી સદી દરમિયાન વિષ્ણુકુંડી વંશના રાજાઓએ કંડારાવેલાં શૈલગૃહોની શિલ્પકલા. આ વંશમાં આ સમયગાળા દરમિયાન માધવવર્મા 1લો, વિક્રમેન્દ્રવર્મા 2જો અને તેનો પુત્ર ઇન્દ્રવર્મા કલાના ચાહક અને પ્રોત્સાહક હતા. એમણે વિજયવાડા પાસે આવેલ ઉંડવલ્લી અ મોગલરાજપુરમની ગુફાઓ કંડારાવી હતી. અહીંનાં શિલ્પો સારી રીતે સચવાયાં છે. આમાં અપસ્માર પુરુષ પર નૃત્ય કરતા શિવ આઠ હાથ ધરાવે છે. અપસ્મારનું સ્વરૂપ દક્ષિણી છે, જ્યારે શિવનું સ્વરૂપ ઉત્તરી છે. આ ગુફાઓના સ્તંભો પર ગોવર્ધનધારી કૃષ્ણ, સાગરમાંથી પૃથ્વીનો ઉદ્ઘાર કરતા વરાહ અવતાર, હિરણ્યકશિપુનો સંહાર કરતા નૃસિંહ, બલિનું માન ઉતારતા ત્રિવિક્રમ, લિંગોદભવ શિવ, વગેરે મૂર્તિશિલ્પો સુંદર રીતે કંડાર્યાં છે. આ શિલ્પો પર પલ્લવકલાનો પ્રભાવ જણાય છે. જોકે પલ્લવ શૈલીમાં ગોવર્ધનધારી કૃષ્ણનું આલેખન માનવસ્વરૂપે થયું છે, જ્યારે અહીં અને ઉત્તર કાલમાં કંડારાયેલી એલોરાની ગુફાઓમાં એમનું દિવ્ય સ્વરૂપ વ્યક્ત થતું દૃષ્ટિગોચર થાય છે.

પ્રવીણચંદ્ર પરીખ