વિષ્ણુકાંતા (કાળી શંખાવલી)

February, 2005

વિષ્ણુકાંતા (કાળી શંખાવલી) : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Evolvulus alsinoides L. (સં. વિષ્ણુકાંતા; હિં. અપરાજિતા, શંખપુષ્પી; બં. નીલ અપરાજિતા; ક. વિષ્ણુકાકે; ત. વિષ્ણુકાંતિ; તે. વિષ્ણુકાંતમુ; મલ. વિષ્ણુકીરાંતી.) છે. તેની બીજી જાતિ E. nummularius L. વલસાડ અને છોટાઉદેપુરનાં જંગલોમાં મળી આવે છે.

કાળી શંખાવલી (Evolvulus alsinoides)

કાળી શંખાવલી રોમિલ, બહુવર્ષાયુ અને ભૂપ્રસારી વનસ્પતિ છે. તે બહુશાખિત હોય છે. આ શાખાઓ નાના કાષ્ઠીય પ્રકંદ (root stock) ઉપરથી ઉદ્ભવે છે અને ભૂમિ પર ચારે તરફ આડી પ્રસરે છે. તેથી તેને ઝીણકી ફુદરડી કહે છે. પર્ણો સાદાં, એકાંતરિક, નાનાં, 1 સેમી.થી 2 સેમી. લાંબાં, લગભગ અદંડી, અંડાકાર કે ભાલાકાર અને રોમિલ હોય છે. પુષ્પ એકાકી કક્ષીય, નાનાં અને આછા વાદળી કે સફેદ રંગનાં હોય છે. દલપત્રો-5, જોડાયેલાં અને ચક્રાકાર હોય છે. પુંકેસરો-5, અસમાન, દલલગ્ન અને દલપત્રો સાથે એકાંતરિક રીતે ગોઠવાયેલાં હોય છે. દ્વિયુક્ત સ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશયમાં દ્વિકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે. પરાગવાહિની મુક્ત હોય છે. ફળ સ્ફોટનશીલ પ્રાવર પ્રકારનું હોય છે.

ભારતમાં ખુલ્લાં અને ઘાસનાં મેદાનોમાં એક અપતૃણ તરીકે બધે જ થાય છે. હિમાલયમાં તે 1,800 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે.

તે કડવી હોય છે અને બલ્ય તેમજ જ્વરહર તરીકે ઉપયોગમાં લેવાય છે. જોકે અપચો કે ડાયેરિયા સાથે સંબંધિત તાવમાં તે અસરકારક નથી. તેનો ઉપયોગ કૃમિનાશક (vermifuge) તરીકે કરવામાં આવે છે. તેલ સાથે તે વાળની વૃદ્ધિ ઉત્તેજે છે.

આયુર્વેદ અનુસાર તે તીખી, કડવી, પાચક, શુભપ્રદ તથા બુદ્ધિ, મેધા અને સ્મૃતિ આપનારી હોઈ તૂરી છે; અને વિષદોષ, વ્રણ, કૃમિ, કફ અને વાયુરોગની નાશક છે. તેનાં પર્ણો ગુરુ છે અને વિષ, દાહ, પિત્ત અને વાયુનો નાશ કરે છે. ગલશોથ ઉપર તેના મૂળનો રસ પિવડાવવામાં આવે છે. જેથી ઊલટી થઈ સોજો ઊતરે છે. પરિણામ- શૂળ ઉપર તેના મૂળનો કલ્ક કરી, તેમાં સાકર, મધ અને ઘી નાખી પીવાથી તેનો નાશ થાય છે. મૂળવ્યાધિ ઉપર તેના મૂળનો અંગરસ ઘી નાખીને પિવડાવવામાં આવે છે. રક્તમૂળવ્યાધિ હોય તો પર્ણોની વડી કરી ઉપર ચોંટાડવામાં આવે છે અને પછી તેના ઉપર પાટો બાંધવામાં આવે છે. પાઠું અને સર્વ પ્રકારની ગાંઠો ઉપર તેનાં અને કાંસકીનાં પર્ણો કાંજીમાં વાટી લેપ કરવામાં આવે છે. કમળી ઉપર તેનાં મૂળ છાશમાં પિવડાવવામાં આવે છે.

મીનુ પરબિયા

બળદેવભાઈ પટેલ