વિલાયતહુસેનખાં (જ. 1895, આગ્રા; અ. 18 મે 1962, દિલ્હી) : આગ્રા ઘરાનાના પ્રસિદ્ધ ગાયક કલાકાર. પિતા નથ્થનખાં પોતે શાસ્ત્રીય સંગીતના જાણીતા કલાકાર હતા.
અનેક ગુરુઓ પાસેથી સંગીતની તાલીમ લેવાની તક વિલાયતહુસેનખાંને પ્રાપ્ત થઈ હતી. તેમના પ્રથમ સંગીતગુરુ હતા ઉસ્તાદ કરામતહુસેનખાં, જેઓ જયપુર દરબારમાં રાજગાયક હતા. એમની પાસેથી તેમને સ્વર અને તાલનું જ્ઞાન મળ્યું હતું. આ સંગીતશિક્ષણ દરમિયાન જ તેઓ ‘બાળકલાકાર’ તરીકે સંગીતની બેઠકોમાં ગાતા. ત્રણ વર્ષ બાદ 1914માં તેમણે તેમના મોટાભાઈ ઉસ્તાદ મોહમ્મદ બખ્શ પાસેથી તાલીમ લીધી. આગ્રાવાળા પોતાના બુઝુર્ગ કલ્લનખાં પાસેથી તેમને અસ્થાયી અને ખયાલની તાલીમ પ્રાપ્ત થઈ હતી તે ઉપરાંત કલ્લનખાંએ તેમને અનેક રાગો પણ શીખવ્યા હતા. તે સાથે કેટલાક રાગોમાં હોરી-ધમારનું શિક્ષણ તથા રાગની બઢત અને લયકારીનું જ્ઞાન પણ આપ્યું હતું.
દસ વર્ષની નાની ઉંમરે વિખ્યાત ગાયક ઉસ્તાદ ફૈયાઝખાં સાથે પ્રવાસમાં જવાનો મોકો મળ્યો. એમની નોમતોમ, હોરી અને ધ્રુપદ સાંભળી શ્રોતાઓ મુગ્ધ થઈ જતા હતા. તે પછી ગુલામઅબ્બાસખાં પાસેથી પણ સંગીત-શિક્ષણ લેવાનો મોકો તેમને મળ્યો. જયપુર દરબારમાં અનેક સંગીતસ્વામીઓની નિકટ બેસીને સંગીત શ્રવણ કરવાની તકો પણ તેમને મળી હતી. તેથી એમની સંગીતકલા ઓર વિકસિત થઈ. વળી વિવિધ સંગીતસભાઓમાં ભાગ લેવાને કારણે તેમને પ્રસિદ્ધિ પણ સારી મળી. 1920માં કુટુંબના ભરણપોષણની જવાબદારી આવી પડતાં તેઓ પોતાનો સમય સંગીતજિજ્ઞાસુ વિદ્યાર્થીઓને તેનું શિક્ષણ આપી તે દ્વારા દ્રવ્યઉપાર્જન કરવામાં ગાળતા હતા.
1935થી 1940 દરમિયાન તેઓ મૈસૂરના દરબારી ગાયક હતા. પછી થોડો સમય કાશ્મીરના મહારાજાને ત્યાં રહી એમના રાજકુમારોને સંગીતની તાલીમ આપી હતી. ત્યારબાદ તેમણે દિલ્હીના આકાશવાણી કેન્દ્ર ઉપર સંગીત-સલાહકાર તરીકે કામ કર્યું. ભારતનાં અનેક રેડિયો-કેન્દ્રો પરથી એમનું સંગીત પ્રસારિત થતું રહ્યું છે. વિલાયતહુસેનખાંએ હિંદીમાં લખેલું પુસ્તક ‘સંગીતજ્ઞોં કે સંસ્મરણ’ દિલ્હીની સંગીત નાટક અકાદમી દ્વારા 1959માં પ્રસિદ્ધ થયું હતું. તેમાં એમણે જુદા જુદા ઘરાનાના સંગીતકારો વિશેની ટૂંકી સ્મૃતિનોંધો આપી છે.
વિલાયતહુસેનખાંનો શિષ્યસમુદાય ઘણો મોટો છે પોતાના બે પુત્ર શરફહુસેન અને યૂનુસહુસેનને તેમણે ઉચ્ચ કક્ષાની સંગીત-તાલીમ આપી છે. આ ઉપરાંત તેમના શિષ્યવર્ગમાં મોગુબાઈ કુર્ડીકર, શિરીન ડૉક્ટર, બાઈ નાર્વેકર, કૌમી લાકડાવાળા, ગુલબાઈ ટાટા, ઇન્દિરા વાડકર, સરસ્વતીબાઈ ફાતરપેકર, હીરા મિસ્ત્રી, વત્સલા પર્વતકર, અંજનીબાઈ જામ્બોળીકર, શ્યામલા માઝગાંવકર, રાગિણી ફડકે, સુશીલા વરદરાજન્, દુર્ગા ખોટે, માલતી પાંડે, સુશીલા ગાનુ, મીરા ખીરવાડકર, વાસંતી શિરોડકર, મેનકા શિરોડકર, તારા કલ્લે, બાલાબાઈ બેલગામકર, તુંગાબાઈ બેલગામકર, ગિરિજાબાઈ કેળકર, મહારાજકુમારી બાપુસાહેબ (રતલામ), જગન્નાથબુવા પુરોહિત, દત્તુબુવા ઇચલકરંજીકર, રત્નકાન્ત રામનાથકર, સીતારામ ફાતરપેકર, અબ્દુલ અઝીઝ બેલગાંવકર, ગજાનનરાવ જોશી, રામ મરાઠે, મુકુંદરાવ ઘાણેકર, એ. બી. અભ્યંકર તેમજ કાશ્મીરના પૂર્વ રાજવી કરણસિંગ વગેરેનો સમાવેશ થાય છે.
નીલિમા દર્શન પરીખ