વિલાયતખાં [. 30 ઑગસ્ટ 1926, ગૌરીપુર, પૂર્વબંગાળ (હવે બાંગ્લાદેશ); . 13 માર્ચ 2004, મુંબઈ] : ગૌરીપુર ઘરાનાના પ્રસિદ્ધ સિતારવાદક. પિતા ઉસ્તાદ ઇનાયતખાં મહાન સિતારવાદક તથા માતા નસીરન બેગમ કુશળ ગાયિકા હતાં. તેમને સિતારવાદનની તાલીમ નાનપણમાં તેમના નાના બંદેહસન તથા તેમના પિતા ઉસ્તાદ ઇનાયતખાં પાસેથી મળી. પિતાના મૃત્યુ બાદ વિલાયતખાંનાં માતાએ પુત્ર પાસે નિત્ય દસ-બાર કલાક રિયાઝ કરાવ્યો. મા પાસેથી ઉત્તમ શિક્ષણ મળ્યું અને પોતાના અથાક પરિશ્રમથી વિલાયતખાંએ સિતારવાદનમાં નોંધપાત્ર પ્રગતિ કરી.

વિલાયતખાં

ગતકારીથી પહેલાં ઉસ્તાદ વિલાયતખાં જોડ-આલાપનો વિસ્તાર ઘણી કુશળ રીતે કરતા હતા. રાગ-આલાપ કર્યા પછી તેઓ મસીતખાંની ગતમાં પોતાની કલાનું અનોખું દર્શન કરાવતા. તેમની ગતોની લય ઘણી વિચક્ષણ રહેતી. તેમાં તેઓ સરલતાન, ફિરતતાન, કૂરતાન, મિશ્રતાન, ગમકતાનનો ઉપયોગ બહુ જ સહજતાથી કરતા. મસીતખાંની પછી રઝાખાંની ગતનો આરંભ થાય છે, જેની ગતિ અતિ ચપળ હોય છે. તેમાં તેઓ નાની સપાટતાનનો ઉપયોગ કરતા. દ્રુત લયમાં પણ મીંડ, લાગ ડાટ, કાગ આદિની તેમની રજૂઆત શ્રોતાઓને મુગ્ધ કરે એવી રહેતી.

પોતાના પિતાની સિતારવાદનની અનોખી શૈલી વિલાયતખાંએ આત્મસાત્ કરી હતી, જેમાં એમણે ગાયકી અંગ ઉમેર્યું હતું. એમનો નવો બાજ ‘વિલાયતખાની બાજ’ તરીકે ઓળખાય છે. મીઠાશભરી આલાપી, ગજબનું લયજ્ઞાન અને સુરીલી તૈયારી સાથે ગાયકીનાં બધાં જ અંગો તેઓ સિતાર પર સાદર કરતા હતા. તેઓ સિતાર પર કુશળતાથી ઠૂમરી પણ વગાડી શકતા. સિતાર પર લોકસંગીતની રજૂઆત પણ એમણે જ શરૂ કરેલી. ભટિયાળી, ચૈતી, બરસાતી જેવા લોકસંગીતના પ્રકારો સિતારમાં એમણે જ ઉતારી પ્રચલિત કર્યા છે.

આકાશવાણીનાં અનેક કેન્દ્રો પરથી તેમના સિતારવાદનના કાર્યક્રમો પ્રસારિત થતા હતા. તે ઉપરાંત સમગ્ર ભારતમાં તથા ઇંગ્લૅન્ડ, હોલૅન્ડ, પોલૅન્ડ, સ્પેન, સ્વિટ્ઝર્લૅન્ડ, રશિયા આદિનો પ્રવાસ કરી ત્યાંના લોકોમાં પણ ચાહના મેળવી હતી.

1944માં કૉંગ્રેસ દ્વારા યોજાયેલ એક સંગીત-સંમેલનમાં ઉસ્તાદ ફૈયાઝખાં, બડે ગુલામઅલીખાં, બુંદુખાં, અલ્લાદિયાખાં, અહમદજાન થિરકવા આદિ મોટા કલાકારોની હાજરીમાં પોતાનું સિતારવાદન પ્રદર્શિત કરવાનો લહાવો તેમને મળ્યો હતો. તેમના સિતારવાદનથી મોહિત થયેલા લોકોએ તેમને પાંચ પાંચ વાર મંચ ઉપર બોલાવીને તેમનું સિતારવાદન સાંભળ્યું હતું. 1966માં તેમણે એડિનબરો સંગીતમહોત્સવમાં ભારતીય સંગીતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. લંડનમાં ભારતીય ઉચ્ચાયુક્ત મારફત મળેલા નિમંત્રણ મુજબ તેમણે જુલાઈ, 1968માં લંડન જઈ રાણી એલિઝાબેથ સમક્ષ પોતાના સિતારવાદનનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.

તેમનું શિષ્યવૃંદ ઘણું વિશાળ છે; જેમાં મુંબઈના સિતારવાદક અરવિંદ પરીખ, નાના ભાઈ ઇમ્રતહુસેનખાં, કોલકાતાના કલ્યાણી રૉય, કાશીનાથ મુખરજી, બિન્દુ ઝવેરી, બેન્જામિન ગોમ્સ, ગિરિરાજસિંગ, માયા મિત્ર વગેરેનો સમાવેશ થાય છે.

ભારતની સંગીત નાટક અકાદમીએ 1965માં એમને ઍવૉર્ડ એનાયત કર્યો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો.

નીલિમા દર્શન પરીખ