વિલાયતી ખરસાણી : દ્વિદળી વર્ગના યુફોર્બિયેસી કુળની એક શોભન-વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pedilanthus tithymaloides Poit. syn. Euphorbia tithymaloides (અં. સ્લીપર પ્લાન્ટ; જ્યુ બુશ) છે.

તે 60-70 સેમી. ઊંચો, બગીચામાં કિનારી પર કે કૂંડામાં ઉગાડાતો છોડ છે. જમીનની નજીકથી એક કરતાં વધારે વાંકાંચૂકાં થડ નીકળે છે. તેનાં પર્ણો અંડાકાર, માંસલ (succulent) અને ક્ષીરધર (laticiferous) હોય છે. તે અગ્રસ્થ પરિમિત ગુચ્છમાં કટોરી (cyathium) પ્રકારના પુષ્પવિન્યાસ ઉત્પન્ન કરે છે. તેનું નિચક્ર (involucre) સિંદૂરી ચકચકિત લાલ અથવા નારંગી અને સ્લીપર આકારનું હોય છે. પ્રસર્જન કટકારોપણથી થાય છે.

તેના કડવા ક્ષીરને લઈને ઢોર તેને ખાતાં નથી. તેનું ક્ષીર યુફોર્બિન, સરીન, મીરીસીન, રાળ અને મેદીય તેલ ધરાવે છે. તે અતિ વમનકારી (emetic), ઉત્તેજક અને દાહક (caustic) હોય છે. તેનો જાતીય રોગોમાં ઉપયોગ થાય છે. તે ચામડી પર થતા મસા અને સફેદ ડાઘ (leucoderma) પર લગાડાય છે.

  1. variegata નામની જાતિનાં પર્ણો લીલા રંગમાં પીળા-સફેદ રંગનાં ધાબાંવાળાં હોય છે; તેથી તેના છોડ આકર્ષક લાગે છે.

મ. ઝ. શાહ