વિરોચન : પ્રહલાદનો પુત્ર અને રાજા બલિનો પિતા, જ્યારે દૈત્યોએ પૃથ્વીનું દોહન કર્યું તે સમયે એ વાછડો બન્યો હતો. એક વાર તે અને અંગિરસ ઋષિનો પુત્ર સુધન્વા એક સાથે એક રાજકન્યાને પ્રેમ કરવા લાગ્યા. કન્યાના અનુરોધથી, એ બંનેમાં કોણ શ્રેષ્ઠ છે એવો પ્રશ્ન ઊઠ્યો ત્યારે પ્રહલાદે ઋષિપુત્રને શ્રેષ્ઠ ઠેરવી પોતાની નિષ્પક્ષતા પૂરવાર કરી.
વિરોચન અને ઇંદ્ર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે 32 વર્ષ સુધી પ્રજાપતિ પાસે રહ્યા. પરંતુ પ્રજાપતિએ એમને બ્રહ્મજ્ઞાન ન આપતાં ભ્રમમાં નાખી દીધા. એને જે ભ્રામક વિચારધારા પ્રાપ્ત થઈ તેના આધારે એણે ‘આસુરી સંપ્રદાય’ સ્થાપ્યો. વિરોચનનું મૃત્યુ સ્ત્રીરૂપધારી વિષ્ણુને હાથે થયાનું એક અનુશ્રુતિ જણાવે છે જ્યારે બીજી અનુશ્રુતિ પ્રમાણે તે દેવાસુર સંગ્રામમાં માર્યો ગયો હોવાનું જણાવ્યું છે.
પ્રવીણચંદ્ર પરીખ