વિરેન લૅસી (. 22 જુલાઈ 1949, મિસ્કિર્તા, ફિનલૅન્ડ) : ફિનલૅન્ડના મહાન ખેલાડી. તેઓ 1972  અને 1976માં 5,000 મી. અને 10,000 મી.ની દોડ – એ બંનેમાં ઑલિમ્પિકમાં વિજયી નીવડ્યા. તેઓ દોડવા માટેની તમામ શક્તિ અને કૌશલ્ય ધરાવતા હતા. તેમની ઝડપ ઘણી વધારે હતી અને દોડના છેલ્લા તબક્કામાં તો તેઓ ખૂબ વેગીલા બની જતા હતા. ઑલિમ્પિકના વિજય પછી યુરોપિયન ચૅમ્પિયનશિપ જેવી નાની સ્પર્ધાઓમાં તેઓ ધીમા પડ્યા અને ઓછા ઉત્સુક રહ્યા. 1971 અને 1974માં અનુક્રમે તેઓ 5,000 મી.માં સાતમા તથા ત્રીજા ક્રમે તેમજ 10,000 મી.માં સાતમા ક્રમે રહ્યા. 1976માં ઑલિમ્પિક મેરથૉનમાં પણ તેઓ પાંચમા ક્રમે અને 1980માં 10,000 મી.માં પણ એ જ ક્રમે રહ્યા. તેમના દૃઢ મનોબળનું એક સૂચક દૃષ્ટાંત તે પ્રથમ ઑલિમ્પિક ફાઇનલમાં તેઓ પડી ગયા અને તત્કાળ નિર્ણયશક્તિથી ઊભા થઈ દોડવા માંડ્યું અને વિશ્વવિક્રમ રૂપે 37 : 38 : 35નો સમય નોંધાવ્યો. એ વર્ષે તેમણે 2 માઈલ માટે અને 5,000 મી. માટે વિશ્વવિક્રમ નોંધાવ્યા.

મહેશ ચોકસી