વિરોધપક્ષ : સંસદીય લોકશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતા દેશોમાં સંસદના નીચલા ગૃહમાં બહુમતી પક્ષ પછી સ્થાન મેળવનાર રાજકીય પક્ષ. સંસદીય લોકશાહીમાં સામાન્ય ચૂંટણીને અંતે બહુમતી મેળવનાર પક્ષ સરકારની રચના કરે છે; જ્યારે તેની પછી બીજો ક્રમાંક મેળવનાર અથવા બહુમતી પછી વધુમાં વધુ બેઠકો મેળવનાર રાજકીય પક્ષ નીચલા ગૃહમાં વિરોધપક્ષનું સ્થાન ધારણ કરે છે. આવું સ્થાન મેળવનાર રાજકીય પક્ષ વિરોધપક્ષ તરીકે મહત્વની કામગીરી બજાવે છે. વિરોધપક્ષનું સ્થાન ધરાવનાર પક્ષ માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરે એમ નહિ, પરંતુ જવાબદાર વિરોધની કામગીરી તે બજાવે એ જરૂરી હોય છે. આ વિરોધપક્ષ સતત સરકારનાં કાર્યો અને કામગીરી પર ચાંપતી નજર રાખી તેમાં જો કોઈ અન્યાય, બગાડ કે ગેરરીતિ જણાય તો તે અંગે તુરત જ સરકારનું ધ્યાન દોરે છે તેમજ તેવાં કાર્યોનો જવાબ માગે છે. આવા પ્રયાસ દ્વારા સરકારને શાસન ચલાવવાની અને કાયદો-વ્યવસ્થા જાળવવાની કામગીરી ઉચિત રીતે કરવાની તે ફરજ પાડે છે. જવાબદાર વિરોધની કામગીરી બજાવી તે સરકારનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક ચાલે તે માટે દબાણ ઊભું કરે છે.

આવી મહત્વની કામગીરી બદલ સંસદીય લોકશાહીમાં વિરોધપક્ષને સૈદ્ધાંતિક અને રાજકીય માન્યતા મળી હોય છે. આથી સંસદના નીચલા ગૃહમાં અધ્યક્ષની ડાબી તરફે વિરોધપક્ષના સભ્યોની બેઠક-વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. વાસ્તવમાં સંત કબીરે દર્શાવ્યું છે તેમ ‘નિન્દક નિયરે રાખીએ, આંગન કુટી છવાય’ની ભાવના વ્યક્ત કરતી આ લોકશાહીની પ્રથા છે; જેમાં સરકારના દોષો દર્શાવવા માટે સત્તાધારી પક્ષની સામેની પાટલીઓ પર વિરોધપક્ષ સતત હાજર હોય છે. વિરોધપક્ષ આવા સમયે રચનાત્મક વિરોધની ભૂમિકા અપનાવે તેવી અપેક્ષા તેની પાસેથી રાખવામાં આવે છે. આ કારણથી વિરોધપક્ષના સભ્યો પોતાના નેતાને ચૂંટે છે અને તેમને વિરોધપક્ષનું નેતૃત્વ કરવાની કામગીરી સોંપે છે. વિરોધપક્ષના નેતા વિરોધની કામગીરી કરીને લોકશાહીની મહત્વની ફરજ બજાવે છે તેથી તેમને કૅબિનેટ કક્ષાના પ્રધાનની સમકક્ષનું સ્થાન અપાતું હોય છે તેમજ તેમને સરકારી તિજોરીમાંથી વેતન ચૂકવવામાં આવે છે. બ્રિટનમાં તેમને સન્માનભેર ‘નામદાર તાજના વિરોધપક્ષ’ તરીકે ઓળખાવવામાં આવે છે.

આમ સબળ વિરોધપક્ષ લોકશાહીની અનિવાર્ય આવશ્યકતા લેખાય છે; કારણ તેઓ વિરોધ દ્વારા સરકારને અંકુશમાં રાખવાની કામગીરી બજાવે છે. સરકારને તેની કામગીરી અંગે પ્રશ્ર્નો પૂછીને, ભૂલો તથા બેદરકારી અંગે જવાબ માગીને તે પ્રજા અને લોકશાહી – બંનેની ઉમદા સેવા બજાવે છે. સરકાર પરના અંકુશને વધુ અસરકારક બનાવવા જરૂરી જણાય ત્યારે તે સરકારે રજૂ કરેલ નાણાકીય દરખાસ્તોમાં કાપની, ઠપકાની કે અવિશ્વાસની દરખાસ્ત જેવા ઉપાયો હાથ ધરી સરકારની કામગીરી અંગે આવશ્યક ખુલાસા પણ માગે છે. આવી કોઈ દરખાસ્તમાં સરકાર કસૂરવાર પુરવાર થાય તો સરકારને પદભ્રષ્ટ થવાની નોબત આવે છે. આથી વિરોધપક્ષની આવી દરખાસ્તો પ્રત્યે સરકાર ગંભીર અને જવાબદાર વલણ અખત્યાર કરે છે.

વિરોધપક્ષ જવાબદારીપૂર્વકનો વિરોધ કરે તે માટે સંસદીય લોકશાહીમાં તેણે એક વિશેષ કામગીરી બજાવવાની હોય છે અને તે છે જરૂર ઊભી થાય ત્યારે વૈકલ્પિક સરકારની રચના. વિરોધપક્ષની કામગીરી બજાવનાર પક્ષ પોતાનું ‘છાયા પ્રધાનમંડળ’ રચીને તૈયાર રાખે છે. એથી કોઈ પણ સંજોગોમાં પ્રવર્તમાન સરકારને રાજીનામું આપવાની સ્થિતિ પેદા થાય ત્યારે તે વિના વિલંબે નવી સરકારની રચના કરી શકે. આમ તે હરહંમેશ વૈકલ્પિક સરકાર તરીકે તૈયાર રહે છે. વૈકલ્પિક સરકારની રચના અંગેની આ જોગવાઈ વિરોધપક્ષ માટે લગામરૂપ બની રહે છે. તે વિરોધ કરે છે તેમાં બેજવાબદાર વિરોધને ભાગ્યે જ સ્થાન હોય છે, કારણ આજનો વિરોધપક્ષ આવતીકાલનો સત્તાધારી પક્ષ હોય છે.

વિરોધપક્ષનો વિરોધ કરવાની આ પ્રક્રિયાથી સરકારનાં કાર્યો પર ચાંપતી નજર રાખવાની સાથે અન્ય મહત્વની કામગીરી આકાર લે છે અને તે છે લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું. આથી જાહેરમતનું ઘડતર કરવામાં વિરોધપક્ષ અસરકારક ભૂમિકા ભજવે છે. આવી ભૂમિકા દ્વારા ત્યાર પછીથી આવનારી નવી ચૂંટણીઓમાં તે ટેકેદાર વર્ગને વિસ્તારે છે. લોકશાહીને વધુ સક્રિય અને જીવંત બનાવવામાં તે ફાળો આપે છે. આ રીતે વિરોધ દ્વારા લોકશાહીની સેવા કરવાની તક તેને સાંપડે છે. વિરોધપક્ષનું સન્માનપૂર્વકનું સ્થાન લોકશાહીની રાજકીય પદ્ધતિની અનન્યતા છે.

ભારતમાં નીચલા ગૃહ  લોકસભાની કુલ બેઠકોની ઓછામાં ઓછી એક દશાંશ બેઠકો મેળવે તેવા પક્ષને માન્ય વિરોધપક્ષનું સ્થાન પ્રાપ્ત થાય છે.

રક્ષા મ. વ્યાસ