વિયેટનામ યુદ્ધ (1957-1975) : અગ્નિ એશિયામાં આવેલ વિયેટનામમાં ત્યાંની સરકાર નક્કી કરવા થયેલ આંતરવિગ્રહ, જે આંતરરાષ્ટ્રીય સંઘર્ષમાં પરિણમ્યો. જિનીવા પરિષદના પ્રતિનિધિઓએ મે, 1954માં વિયેટનામનું ઉત્તર વિયેટનામ તથા દક્ષિમ વિયેટનામ એમ બે વિભાગોમાં કામચલાઉ વિભાજન કરવાનું નક્કી કર્યું હતું. આ પરિષદે 1956માં ચૂંટણીઓ યોજીને વિયેટનામને એક સરકાર હેઠળ જોડી દેવા જણાવ્યું હતું.
ઉત્તર વિયેટનામની સરકાર રચીને હો ચિ મિન્હ તેના પ્રમુખ બન્યા. દક્ષિણ વિયેટનામના વડા બાઓ હાઈ હતા. ઈ. સ. 1955માં દક્ષિણ વિયેટનામના લોકોએ તેમના પ્રમુખ તરીકે ન્ગો દિન્હ દિયેમ(Ngo Dinh Diem)ને પસંદ કર્યા. તેમની સરકારે જિનીવા કરાર મુજબ સૂચવાયેલ રાષ્ટ્રવ્યાપી ચૂંટણીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો. ઉત્તર વિયેટનામમાં સામ્યવાદી શાસન અને દક્ષિણ વિયેટનામમાં બિન-સામ્યવાદી શાસન હતું. ઉત્તર વિયેટનામ અને સામ્યવાદી તાલીમ લીધેલા દક્ષિણ વિયેટનામી બળવાખોરોએ દક્ષિણ વિયેટનામ કબજે કરવા લડાઈ કરી. યુનાઇટેડ સ્ટેટ્સ અને દક્ષિણ વિયેટનામના સૈન્યે તેમને અટકાવવા પ્રયાસ કર્યો, જે નિષ્ફળતામાં પરિણમ્યો.
સામ્યવાદીઓ વિયેટનામ યુદ્ધને ‘રાષ્ટ્રીય મુક્તિનું યુદ્ધ’ કહેતા હતા. ઉત્તર વિયેટનામ, દક્ષિણ વિયેટનામને મળતી યુનાઇટેડ સ્ટેટ્સની સહાય બંધ કરાવીને ઉત્તર અને દક્ષિણના બંને પ્રદેશોને સંયુક્ત કરીને એક રાષ્ટ્ર બનાવવા ઇચ્છતું હતું. સૌથી મોટા બે સામ્યવાદી દેશો ચીન અને સોવિયેત સંઘ વિયેટનામના સામ્યવાદીઓને યુદ્ધસામગ્રીની સહાય કરતા હતા. અગ્નિ-એશિયાનું એક રાષ્ટ્ર સામ્યવાદી બનશે તો બીજાં રાષ્ટ્રો પણ સામ્યવાદી બની જશે એવા ભયને કારણે યુનાઇટેડ સ્ટેટ્સ બિનસામ્યવાદી દક્ષિણ વિયેટનામને સહાય કરતું હતું.
ઈ. સ. 1957થી 1965 સુધી મુખ્યત્વે વિયટકોંગ તરીકે જાણીતા, સામ્યવાદની તાલીમ લીધેલ દક્ષિણ વિયેટનામી બળવાખોરો અને દક્ષિણ વિયેટનામી લશ્કર વચ્ચે સંઘર્ષ થયો હતો. 1961 સુધીમાં વિયેટકોંગ બળવાખોરો દિયેમની સરકારને ડરાવવાને શક્તિમાન હતા. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ કૅનેડીએ દક્ષિણ વિયેટનામને અપાતી આર્થિક તથા લશ્કરી સહાયમાં વધારો કર્યો. 1963 સુધીમાં, દક્ષિણ વિયેટનામમાં 16,000થી વધારે લશ્કરના માણસો હતા. 1963માં દિયેમનું ખૂન થયું. 1965ની મધ્યમાં વિયેટનામમાં અમેરિકન લશ્કર 60,000નું હતું, તે વધીને 1969માં 5,43,000નું થયું. તેમની સાથે દક્ષિણ વિયેટનામનું 8,00,000નું સૈન્ય હતું. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ફિલિપાઇન્સ, દક્ષિણ કોરિયા અને થાઇલૅન્ડે પણ દક્ષિણ વિયેટનામને લશ્કરી મદદ કરી હતી.
વિયેટકોંગ અને ઉત્તર વિયેટનામીઓ કરતાં ઘણું મોટું લશ્કર તથા આધુનિક શસ્ત્રો હોવા છતાં યુનાઇટેડ સ્ટેટ્સ અને તેનાં સાથી રાષ્ટ્રોએ ઉત્તર વિયેટનામ પર આક્રમણ કર્યું નહિ; પરંતુ ઉત્તર વિયેટનામ પર બૉમ્બવર્ષા કરી. આ લડાઈમાં હેલિકૉપ્ટરનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો. વિયેટકોંગ અને ઉત્તર વિયેટનામીઓએ રક્ષણાત્મક વ્યૂહરચના અપનાવી. તેમને ચીન અને સોવિયેત સંઘે યુદ્ધસામગ્રી પૂરી પાડી હતી.
ઉત્તર વિયેટનામના પ્રમુખ હો ચિ મિન્હનું 1969માં અવસાન થયું; છતાં ત્યાંના લોકોનો જુસ્સો બુલંદ હતો. યુદ્ધ લંબાતું ગયું અને કોઈ પક્ષને જીતવાની શક્યતા લાગતી ન હતી. યુનાઇટેડ સ્ટેટ્સ યુદ્ધમાં જોડાયું તે વિશે ત્યાંનો લોકમત વિભાજિત હતો. ઉત્તર વિયેટનામને હરાવવા વધુ નિર્ણાયક પગલાં ભરવાની કેટલાકે માગણી કરી. બીજા લોકો માનતા હતા કે યુનાઇટેડ સ્ટેટ્સ દક્ષિણ વિયેટનામમાં ભ્રષ્ટ અને અપ્રિય સરકારોને ટેકો આપે છે. તેથી લશ્કર પાછું બોલાવી લેવું જોઈએ. જાન્યુઆરી, 1968માં દક્ષિણ વિયેટનામનાં મોટાં શહેરો પર સામ્યવાદીઓએ હુમલા કર્યા. યુનાઇટેડ સ્ટેટ્સ અને દક્ષિણ વિયેટનામે તેમને પાછા ધકેલ્યા અને દુશ્મનોને ભારે નુકસાન કર્યું; પરંતુ સામ્યવાદીઓ હાર્યા ન હતા. મે, 1968માં પૅરિસમાં શાંતિની મંત્રણાઓ શરૂ થઈ. શાંતિની મંત્રણાઓ નિષ્ફળ ગઈ, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ રિચાર્ડ નિક્સને તેમનાં સૈન્યો પાછાં ખેંચી લેવાની નીતિ જાહેર કરી. જુલાઈ, 1969થી યુનાઇટેડ સ્ટેટ્સે સૈન્યો પાછાં ખેંચવા માંડ્યાં.
એપ્રિલ, 1970માં યુનાઇટેડ સ્ટેટ્સ અને દક્ષિણ વિયેટનામનાં સૈન્યોએ કંબોડિયામાં સામ્યવાદી લશ્કરી મથકો પર હુમલા કર્યા. યુદ્ધનો વ્યાપ વધવાથી, યુનાઇટેડ સ્ટેટ્સમાં વિરોધ ખૂબ વધ્યો. જૂન, 1970માં કંબોડિયાના હુમલાનો અંત આવ્યો. ટેલિવિઝન દ્વારા યુદ્ધની ભયાનકતા દર્શાવવામાં આવી, તેથી યુનાઇટેડ સ્ટેટ્સમાં યુદ્ધનો વિરોધ ઝડપથી વધ્યો.
માર્ચ, 1972માં ઉત્તર વિયેટનામે દક્ષિણ પર આક્રમણ કર્યું. તેથી નિક્સને ઉત્તરમાં બૉમ્બવર્ષા કરવાનો તથા હાઇફૉંગ બંદરમાં સ્ફોટક પદાર્થો મૂકવાનો હુકમ કર્યો. એટલામાં આક્રમણ અટકાવી દેવામાં આવ્યું અને શાંતિની મંત્રણા પુન: શરૂ થઈ. પૅરિસમાં 27 જાન્યુઆરી, 1973ના રોજ યુદ્ધ-વિરામના કરાર પર સહીઓ કરવામાં આવી. એપ્રિલ, 1973 સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સની છેલ્લી લશ્કરી ટુકડીએ વિયેટનામ છોડ્યું. તે પછી ફરી લડાઈ શરૂ થઈ. યુનાઇટેડ સ્ટેટ્સની મદદ ન હોવાથી દક્ષિણ વિયેટનામના લશ્કરને પીછેહઠ કરવાની ફરજ પડી. 30 એપ્રિલ, 1975ના રોજ દક્ષિણ વિયેટનામે શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ દક્ષિણ વિયેટનામના પાટનગર સાઇગૉનનું નામ બદલીને હો ચિ મિન્હ સિટી રાખવામાં આવ્યું.
આ યુદ્ધમાં આશરે દસ લાખ દક્ષિણ વિયેટનામી અને 58,000 અમેરિકન સૈનિકો મરણ પામ્યા. ઉત્તર વિયેટનામના આશરે 5થી 10 લાખની વચ્ચે સૈનિકો મરણ પામ્યા. તે ઉપરાંત અસંખ્ય નાગરિકો પણ મૃત્યુ પામ્યા.
વિયેટનામનું યુદ્ધ વાસ્તવમાં બે વિચારધારાઓ તથા બે સામાજિક અને આર્થિક વ્યવસ્થા વચ્ચેનો સંઘર્ષ હતો. વિયેટનામના પ્રશ્ર્નથી અગ્નિ એશિયામાં યુનાઇટેડ સ્ટેટ્સની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. પોતાની અપાર લશ્કરી તાકાતનો ઉપયોગ કરવા છતાં, સામ્યવાદીઓને અંકુશમાં રાખવામાં તે નિષ્ફળ ગયું. દુનિયાના દેશોનો લોકમત પણ વિયેટનામમાં યુનાઇટેડ સ્ટેટ્સની દરમિયાનગીરીને અયોગ્ય માને છે.
યુનાઇટેડ સ્ટેટ્સે આ યુદ્ધમાં પુષ્કળ બૉમ્બવર્ષા કરી. ઉત્તર અને દક્ષિણ વિયેટનામમાં ઉદ્યોગો, વાહનવ્યવહાર, ખેતરો, જંગલો એમ સર્વત્ર બેસુમાર નુકસાન થયું. દક્ષિણ વિયેટનામની વસ્તીના 50 ટકા લોકો નિરાશ્રિત થઈ ગયા.
ઉત્તર અને દક્ષિણ વિયેટનામ સંયુક્ત કરીને 1976માં વિયેટનામનું એક રાષ્ટ્ર રચવામાં આવ્યું. ત્યારબાદ ક્રમશ: તેના અર્થતંત્રમાં સુધારો થયો અને પશ્ચિમના દેશો સાથે તેણે નવા સંબંધો બાંધ્યા.
યુનાઇટેડ સ્ટેટ્સમાં આ યુદ્ધની દૂરગામી અસરો પડી. યુનાઇટેડ સ્ટેટ્સને પોતાના હેતુઓ સિદ્ધ કરવામાં નિષ્ફળતા મળી હોય એવું આ પ્રથમ વિદેશી યુદ્ધ હતું.
જયકુમાર ર. શુક્લ