વિયેટ મિન્હ : વિયેટનામની સ્વતંત્રતા માટેનું સક્રિય સંગઠન. 1941માં ફ્રાંસના આધિપત્ય તળેથી વિયેટનામને સ્વતંત્ર કરવા માટે હો ચિ મિન્હના નેતૃત્વ હેઠળ વિયેટ મિન્હની સ્થાપના કરવામાં આવી. હો ચિ મિન્હ પોતે સામ્યવાદી વિચારસરણી ધરાવતા હોવા છતાં વિયેટનામની આઝાદીના ધ્યેય ખાતર તેમણે વિયેટ મિન્હમાં રાષ્ટ્રવાદી પરિબળો, ખેડૂતો, કામદારો અને લશ્કરના સૈનિકોને પણ સમાવ્યા. વિયેટ મિન્હનાં દળોએ વિયેટનામ પરના ફ્રાંસના નિયંત્રણનો સખત પ્રતિકાર કર્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ(1939-45)માં જ્યારે વિયેટનામ પર જાપાની લશ્કરે કબજો કર્યો ત્યારે જાપાની દળોને પણ વિયેટ મિન્હના લડવૈયાઓએ હંફાવ્યા. જાપાન વિરુદ્ધ તેમની લડતને લીધે વિયેટ મિન્હને અમેરિકા અને ચીન તરફથી મદદ મળવી શરૂ થઈ.

વિયેટ મિન્હના પ્રણેતા હો ચિ મિન્હ

1945માં જ્યારે જાપાને મિત્ર રાષ્ટ્રોના જૂથ (Allies) સમક્ષ સમર્પણ કર્યું ત્યારે વિયેટ મિન્હે ફ્રાંસ પાસેથી વિયેટનામની સ્વતંત્રતાની એકતરફી ઘોષણા કરી. જોકે આ બાદ વિયેટ મિન્હ લગભગ નવ વર્ષ ફ્રાંસનાં દળો સાથે લડ્યું, ત્યારપછી 1954માં ફ્રાંસે ન છૂટકે વિયેટનામ છોડવાનો નિર્ણય લીધો. વૈકલ્પિક શાસનની સ્થાપના કરતાં પહેલાં જિનીવા ખાતે થયેલ સંધિ મુજબ વિયેટનામનું ઉત્તર અને દક્ષિણ વિયેટનામ – એમ બે ભાગમાં અસ્થાયી ધોરણે વિભાજન કરવામાં આવ્યું. 1956માં ત્યાં લોકમત લીધા બાદ બંને પાંખોનું એકીકરણ કરવામાં આવશે તેમ પણ ઠરાવવામાં આવ્યું. જોકે શીતયુદ્ધના રાજકીય પ્રભાવને કારણે આ એકીકરણ શક્ય ન બન્યું. હો ચિ મિન્હની રાહબરી હેઠળ ઉત્તર વિયેટનામે સામ્યવાદનો રાહ અપનાવ્યો અને વિયેટ મિન્હના મોટા-ભાગના સભ્યો ઉત્તર વિયેટનામના સામ્યવાદી પક્ષમાં ભળી ગયા.

માઓ ત્સે તુંગના વિચારોથી પ્રભાવિત થઈ વિયેટ મિન્હે ગેરીલા યુદ્ધપદ્ધતિ વિકસાવી, જેમાં ગ્રામવિસ્તારમાં સ્થાનિક લોકોના સહયોગથી છાવણી ઊભી કરી દુશ્મન પર છૂટાછવાયા પણ અસરકારક હુમલા દ્વારા દુશ્મનની લશ્કરી શક્તિ અને મનોબળ ક્ષીણ કરવાનો હેતુ હોય છે. વિયેટ મિન્હનાં લશ્કરી દળોને ગેરીલાયુદ્ધની તાલીમ આપવામાં ચીનના સામ્યવાદી પક્ષનું યોગદાન મહત્વનું હતું.

અમિત ધોળકિયા