વિમલ મંત્રી : સોલંકી વંશના ગુજરાતના રાજા ભીમદેવ 1લા(ઈ. સ. 1022-1064)નો મંત્રી. ભીમદેવે મંત્રી વિમલને દંડનાયક તરીકે ચંદ્રાવતી-આબુ મોકલ્યો હતો. એણે ચંદ્રાવતીના પરમાર રાજા ધન્ધુકને એનું પદ પાછું અપાવ્યું ને એ ભીમદેવના સામંત તરીકે ચાલુ રહ્યો. દંડનાયક વિમલે ઈ. સ. 1032માં આબુ ઉપર આદિનાથનું દેરાસર બંધાવ્યું હતું, જે વિમલ-વસતિ (વિમલ-વસહી) તરીકે જાણીતું છે. સોલંકી કાલનાં ભવ્ય દેવાલયોમાં તે અગ્રિમ સ્થાન ધરાવે છે. તે આરસનું જિનાલય કલાની દૃષ્ટિએ ભારતનાં પ્રાચીન મંદિરોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. એના મૂલગભારામાં બેઠેલા આદિનાથની મોટી મનોહર પ્રતિમા છે. મૂલગભારો અને એની આગળનો ગૂઢમંડપ સાદો છે. શિખર પણ પ્રમાણમાં નીચું છે. ત્રિકમંડપ (નવચોકી) તથા રંગમંડપમાં અપાર શિલ્પકલા ઠાલવી છે. રંગમંડપની છતમાં મોટા વચલા ઘૂમટમાં કોતરેલી સોળ વિદ્યાદેવીઓની મનોહર મૂર્તિઓ નોંધપાત્ર છે. ભમતીની છતમાં ભરત-બાહુબલિનું યુદ્ધ, નેમિનાથજીનાં પાંચ કલ્યાણક, નેમિનાથનું ચરિત, શ્રીકૃષ્ણનું કાલિયનાગદમન, નૃસિંહાવતાર વગેરે પ્રસંગોનાં દર્શનીય દૃશ્યો કોતરેલાં છે.

વિમલવસહી

વિમલ મંત્રીએ આ મંદિર માટેની જમીન ખરીદવામાં અને મંદિર બંધાવવામાં કરોડો રૂપિયાનું ખર્ચ કર્યું જણાય છે.

જયકુમાર ર. શુક્લ