વિમલા રામાણી (. 7 ફેબ્રુઆરી 1935, ડિંડિગલ, જિ. અન્ના; તમિલનાડુ) : તમિળ લેખિકા અને નાટ્યકાર. તેમણે મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં બી.એ.; ડી.બી. હિંદી પ્રચાર સભાની ‘પ્રવીણ’ની પદવી મેળવી હતી. તેમણે ‘મલાર માલિગાઈ ઑવ્ કુમુદમ્’નું સંપાદન તથા લેખનકાર્ય કર્યું હતું.

તેમણે અત્યાર સુધીમાં 100થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમનાં નોંધપાત્ર વાર્તાસંગ્રહો અને નવલકથાઓમાં ‘વન્નાપ્પુ’ (1967), ‘યાળિસાઈ’ (1977), ‘વિળિમલાર’ (1967), ‘ઓલી નિલા’ (1968), ‘કુમારી પેન્ને કુઇલલે’ (1987), ‘પાની મલૈગલ’ (1990), ‘ઉન પરવાઈ વૃંદાવનમ્’ (1990) અને ‘કથિલ વરમ્’ (1990)નો સમાવેશ થાય છે. ‘વસન્ત વિળા’ તેમનો લોકપ્રિય નાટ્યસંગ્રહ છે.

તેમની એક નવલકથાના આધારે તમિળ અને મલયાળમમાં ફિલ્મનિર્માણ થયું છે. તેમના ઘણા વાર્તાસંગ્રહો હિંદી, મલયાળમ અને કન્નડમાં અનૂદિત કરાયા છે.

તેમને વીજીપી ઍવૉર્ડ તથા ‘એળુતુ સુદર’, ‘પુદિના પેરારસી’ વગેરે ખિતાબો આપવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા