વિભ્રામકો (hallucinogens) : હકીકતમાં ભારે વિકૃતિ પેદા કરી મનમાં ભ્રમ, પ્રલાપ (ચિત્તવિપર્યય, delirium), સ્મૃતિલોપ (amnesia), તેમજ દિશા, સમય અને સ્થળની સમજ અંગે ગૂંચવણ ઊભી કરતાં રસાયણો કે ઔષધો. વિભ્રમ (hallucination) શબ્દ લૅટિન ‘alucinari’ ઉપરથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ મનમાં જ ભમવું એવો થાય. તે કોઈ પણ સાચી સંવેદી-ઉત્તેજના વિના તેની ભ્રામક અસર ઉપજાવે છે. આ વિભ્રામક ઔષધો વધુ માત્રામાં લેવાથી વારંવાર અવસાદ-ખિન્નતા (depression) તથા અનિર્ણાયકતા ઉત્પન્ન થાય છે. 1943માં આલ્બર્ટ હૉફમૅન નામના રસાયણવિજ્ઞાનીને લાયસર્જિક ઍસિડનાં વ્યુત્પન્નો ઉપર સંશોધન દરમિયાન ચક્કર આવવાનો તથા માનસિક સજાગતામાં ગૂંચવાડો થયાનો અનુભવ થયો. તેણે લાયસર્જિક ઍસિડ ડાઇઇથાઇલ એમાઇડ(LSD)ને વિભ્રામક તરીકે વર્તતું જાહેર કર્યું.
1960 અને 1970ના દાયકાઓમાં વિભ્રામકો પ્રત્યે જનતાનું ધ્યાન ગયું; પરંતુ 1980ના દાયકામાં તેના ઉપયોગ ઉપર મનાઈ ફરમાવવામાં આવી. 1980 બાદ અમેરિકા તથા અન્ય અનેક દેશોમાં તેનો ઉપયોગ ફરીને શરૂ થયો. 1993 સુધીમાં તો એકલા અમેરિકામાં જ કૉલેજના વિદ્યાર્થીઓના 11.8 % તેનો ઉપયોગ (બંધાણ તરીકે) કરતા નોંધાયા. 1990ના દસકાના ઉત્તરાર્ધમાં તો રાત્રિ-ડાન્સ પાર્ટીઓમાં તેનો વપરાશ લોકપ્રિય બની ગયો. અનેક ગેરકાયદેસર પ્રશામકો (sedatives) સાથે તે વપરાવા લાગ્યું.
નીચેનાં વિભ્રામકો ખૂબ જાણીતાં છે :
(i) કૅનેબિસ સટાઇવા, જે મારિજુઆના, હશીશ, ગાંજો, ભાંગ, ચરસ વગેરેમાં હોય છે.
(ii) લાઇસર્જિક ઍસિડ ડાઇઇથાઇલ એમાઇડ (LSD)
(iii) ફિનસાઇક્લીડીન (જોકે હવે તે નિશ્ર્ચેતક તરીકે વપરાય છે.)
(iv) ઑલોલીક (ololiuque) અથવા ઇપોમિયા (epomea) (હવે વિરેચક તરીકે વપરાય છે.
(v) ટ્રિપ્ટામાઇન વ્યુત્પન્નો, ઉદા., N, N-ડાઇમિથાઇલ ટ્રિપ્ટામાઇન.
(vi) સિલૉસાઇબિન (Psilocybin) તથા સિલૉસિન(Psilocyn)
(vii) મસ્કાલીન
વિભ્રામકો મનોવિક્ષિપ્તતા જેવી સ્થિતિ ઉપજાવતાં હોવાને લીધે તેઓને મનોનુકારી (psychomimetics) ઔષધો પણ કહે છે.
[અ] કૅનેબિસ (cannabis) : કૅનેબિસ સટાઇવા અથવા ભાંગનો છોડ મધ્ય એશિયા તથા હિમાલયમાં વિસ્તૃત રીતે ઊગે છે. કૅનેબિસ અથવા ભાંગની ઇથાઇલ આલ્કોહૉલ માફક, કૃત્રિમ સુખબોધ (euphoriant) જેવી અસર થાય છે. ભારતમાં ઈ. પૂ. 1000 આસપાસ ભાંગ માદક પીણા તરીકે સામાજિક પ્રસંગે વપરાતી. ભારતમાંથી મધ્ય-પૂર્વ તરફ થઈને કેટલીયે સદીઓ બાદ ઓગણીસમી સદીમાં તે ઉત્તર અમેરિકા, લૅટિન અમેરિકા, કૅરેબિયન ટાપુઓ મારફતે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગઈ.
ભાંગમાં ચિત્તોત્તેજક તત્વ ડેલ્ટા–9 – ટેટ્રા હાઇડ્રૉકૅન્નેબિનોલ (THC) નામનું રસાયણ હોય છે. આ THCનું કૅનેબિસમાં સંકેન્દ્રણ વાતાવરણ, જમીન તથા તેના છોડને ઉગાડવાની રીતો ઉપર આધાર રાખે છે. આ છોડમાંથી ઝરતો રેઝિન જેવો પદાર્થ કૅનેબિનૉઇડ્ઝ તથા તેને સંબંધિત સંયોજનોમાં આ સક્રિય તત્વ રહેલું હોય છે. આ છોડનાં પાંદડાં, ફૂલો તથા રેઝિનમાંથી વિવિધ બનાવટો મેળવવામાં આવે છે અને આ બધાં કૅનેબિસ એવા વંશગત/જાતિગત (generic) નામે ઓળખાય છે. ભારતમાં કૅનેબિસની ત્રણ મુખ્ય બનાવટો વપરાશમાં છે :
(1) ભાંગ : કૅનેબિસ સટાઇવા નર, માદા બંને પ્રકારના છોડનાં સૂકવેલાં પાંદડાં તથા ફૂલનાં ડોડવાંમાંથી બનાવવામાં આવે છે. આ કુદરતી અથવા ઉગાડી શકાય એવા છોડ હોય છે. ઉત્તર અમેરિકામાં મારિજુઆના તરીકે વપરાતા ઉત્તેજકની ખૂબ નજીક ભાંગ હોવાનું કહી શકાય.
(2) ગાંજો : સામાન્યત: માદા કૅનેબિસ છોડનાં ફૂલના સૂકવેલાં ડોડવાં(tops)માંથી તે મેળવાય છે તથા ભાંગ કરતાં તેમાં માદક તત્વનું પ્રમાણ વધુ હોય છે.
(3) ચરસ : કૅનેબિસ છોડના ફૂલનાં તાજાં ડોડવાં, પાંદડાં તથા રેઝિન જેવા ઝરતા પદાર્થમાંથી તે મેળવાય છે. કૅનેબિસનું આ સૌથી વધુ માદક સ્વરૂપ છે. અમેરિકામાં તે ‘હશીશ’ તરીકે ઓળખાય છે. હશીશમાં ભાંગ તથા મારિજુઆના કરતાં દસ ગણું વધુ માદક તત્વ રહેલું હોય છે.
કૅનેબિસ વાપરવાની અમેરિકામાં સહુથી સામાન્ય રીત સિગારેટમાં નાંખી ફૂંકવાની છે. ભારતમાં ભાંગનાં પીણાંઓમાં તથા મીઠાઈઓમાં પણ તે ઉમેરાય છે. ખૂબ ઓછા પ્રમાણમાં ભાંગ લેવાથી તેની અસર ઝટ વરતાતી નથી. તેની અસરમાં સૌપ્રથમ પ્રાથમિક ઉત્તેજના તથા ત્યારબાદ શામક (નશાયુક્ત) અસર દેખાવા લાગે છે. શરૂઆતના તબક્કે નશો કરનાર વ્યક્તિ ચંચળતા ઉપરાંત સુખબોધ (ક્ષેમકુશળની ભાવના) અનુભવે છે. શામક/નશાયુક્ત અસરમાં વ્યક્તિ સ્વપ્નિલ સ્થિતિ અનુભવે છે. વધુ માત્રામાં લેવાથી તે જાતિભાન / સ્વભાન ગુમાવે છે, માનસિક ભ્રામકતા, અનિયંત્રિત માનસિક વિચારો તથા ભ્રામકતા અનુભવે છે.
[આ] લાઇસર્જિક ઍસિડ ડાઇઇથાઇલ એમાઇડ (LSD) : બાઝલ (Basel), સ્વિટ્ઝર્લૅન્ડમાં સેન્ડોઝ કંપનીની પ્રયોગશાળામાં હૉફમૅને 1938માં સૌપ્રથમ તેનું સંશ્ર્લેષણ કર્યું; પરંતુ તેની વિભ્રામક અસર 1943માં શોધાઈ. પુખ્ત માનવીમાં મોં વાટે 0.025 0.05 મિગ્રા. (2550 mg) LSD લેવાથી તેની વર્તણૂકમાં નોંધનીય ફેરફાર જણાવા લાગે છે. LSD બુદ્ધિગમ્ય વિકૃતિ ઉપજાવે (perceptual distortions) છે તથા કોઈ વાર વિભ્રામકતા ઉપજાવે છે; જેથી કેટલીક વાર વ્યક્તિની મનોદશા(mood)માં ઉશ્કેરાટ, માનસિક વિક્ષિપ્તતા (પેરાનોઇયા) (paranoia) અથવા વિષન્નતા, પ્રગાઢ ઉત્તેજના અને કોઈક વાર ગભરાટ તથા ભય પ્રગટ થાય છે. LSD શરીરમાં લેવાયું હોય તો તેના લેનારમાં ડોળાનું વિસ્ફારિત થવું, રક્તદાબમાં વધારો, નાડી ઝડપથી ચાલવી, લાળ પડવા લાગવી, અશ્રુસ્રવણ, મોં લાલચોળ થઈ જવું તેમજ અતિશય પ્રતિવાહ (hyper reflexia) વર્તાય છે. વ્યક્તિને રંગો વધુ ઘેરા જણાય, ચીજના આકારો બદલાતા જણાય તેવી ભ્રામક અસરો પણ જણાય છે.
આ પ્રકારની અસરો માનવીમાં જ નહિ પણ અન્ય જાતિઓમાં જોવા મળી છે. કરોળિયાને LSD આપતાં તેની જાળાં ગૂંથવાની રીત અનિયમિત બની જાય છે. LSD બિલાડીને આપતાં તે ઉંદરોથી બીવા લાગે છે તથા માછલીઓ ઊભી સ્થિતિમાં અવળી દિશામાં તરવા લાગે છે.
[ઇ] ફિનસાઇક્લિડિન (Phencyclidine) (PCP) : ફિનસાઇક્લિડિન 1950ના અરસામાં વિયોજક – dissociative નિશ્ર્ચેતક તરીકે વિકસાવવામાં આવેલી. તે sernyl, sernylan તથા PCP તરીકે પણ ઓળખાય છે. તેના ઉપયોગથી ઉત્તર-નિશ્ર્ચેતક (post anaesthetic excitement) તરીકેની ઉત્તેજના, દૃદૃષ્ટિભ્રમ તથા ચિત્ત-વિપર્યય ઊપજે છે એવું સંશોધન દ્વારા જણાયું છે. સામાન્ય વ્યક્તિ દ્વારા તેનો ઉપયોગ 1967માં થવા લાગ્યો અને તે એક અનિષ્ટ ઔષધ ગણાય છે. તેના બંધાણીઓ તેને angel dust, peace pill, cuptal, PCP, horse tranquilizer એવા અનેક નામે ઓળખે છે. તેને સૂંઘીને કે નાકમાં ફૂંકીને લેવામાં આવે છે.
બહુ ઓછી માત્રામાં આ ઔષધની અસર દારૂ પીધા પછી ઉદ્ભવતા ગતિવિભ્રમ તથા મૂઢતા જેવી હોય છે. વધુ થોડી ઉપ-નિશ્ર્ચેતક (sub anaesthetic) માત્રામાં તેની અસર ત્રણ સોપાનમાં થાય છે :
(1) પોતાની જાતની ઓળખ ભૂલી જવી,
(2) બુદ્ધિગમ્ય વિકૃતિ દૃદૃષ્ટિ દ્વારા અથવા શ્રવણ દ્વારા,
(3) ભાવહીનતા અથવા લાગણીહીનતા
ઔષધ દ્વારા ઉદ્ભવતી સંવેદનામાં ખલેલ પાડતી અસર લગભગ સંવેદનહીનતા જેવી જ જણાય છે. કોઈ પ્રસંગનો સ્મૃતિલોપ પણ થતો જણાય છે. આ ઔષધ દ્વારા વિચારોમાં ગડમથલ તથા અવાસ્તવિકતાની અસર LSD કરતાં પણ વધુ જણાઈ છે. ઔષધની માત્રા વધારવાથી વેદનાહરણ, નિશ્ર્ચેતક અસર, બેભાન થઈ જવું કે કૉમામાં સરી જવું જેવી બાબતો જોવા મળી છે. આ ઉપરાંત હૃદ્ ક્ષિપ્તતા (tachycardia), લોહીનું ઊંચું દબાણ, અતિશય લાળ પડવી, તાવ, સ્નાયુઓનું અક્કડ થઈ જવું તથા આંચકી પણ ઊપજે છે.
કેટલાક વિભ્રામકોની સંરચના નીચેની આકૃતિમાં દર્શાવી છે :
કૅનેબિડાયૉલ (Cannabidiol) મારિજુઆના (marihuana)
લાઇસર્જિક ઍસિડ ડાઇઇથાઇલ એમાઇડ
(Lysergic acid diethylamide, LSD)
(Δ´ ટેટ્રાહાઇડ્રૉકૅનેબિનૉલ (Δ´Tetrahydro cannabinol, Δ´ THC)
N, N ડાઇમિથાઇલ ટ્રિપ્ટામાઇન (N, N-Dimethyl Tryptamine)
ફિનાઇલસાયક્લિડીન (Phenylcyclidine)
સિલૉસાઇબિન (Psilocybin)
રમેશ ગોયલ
અનુ. જ. પો. ત્રિવેદી