વિમલ ગંગા પ્રસાદ (. 3 જૂન 1939, ઉત્તરકાશી, .પ્ર.) : હિંદી કવિ તથા કથાસાહિત્યકાર. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., કર્યા બાદ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભારત સરકારની કેન્દ્રીય હિંદી નિયામકની કચેરીના નિયામકપદેથી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ જે. એન. યુનિવર્સિટીમાં હિંદી અનુવાદના પ્રાધ્યાપક રહ્યા. વળી તેમણે દિલ્હી યુનિવર્સિટી કૉલેજના રીડર; ‘રંગિકા’ થિયેટર ગ્રૂપના પ્રમુખ અને ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયાના ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી છે.

અત્યાર સુધીમાં તેમણે 40થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમની ઉલ્લેખનીય નવલકથાઓમાં ‘અપને સે અલગ’ (1969), ‘કહીં કુછ ઔર’ (1971), ‘મરીચિકા’ (1973) અને ‘મૃગાન્તક’ (1978)નો સમાવેશ થાય છે. ‘કોઈ શુરુઆત’ (1972); ‘અતીત મેં કુછ’ (1973); ‘મેરી કહાનિયાં’ (1983) અને ‘ખોઈ હુઈ થાટી’ (1994) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘બોધિ વૃક્ષ’ (1983), ‘સન્નાટે સે મૂઠભેડ’ (1994) અને ‘મૈં વહાં હૂં’ (1996) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘તાલિસ્માન’ (1990) દ્વિભાષી, હિંદી-અંગ્રેજી ટેક્સ્ટ છે. તેમણે બલ્ગેરિયન અને અન્ય ભાષાઓની કૃતિઓનું સંપાદન અને અનુવાદ કર્યાં છે. તેમના વાર્તાસંગ્રહો, એક નવલકથા અને બે કાવ્યસંગ્રહો અંગ્રેજી અનુવાદમાં પ્રગટ થયાં છે.

તેમના આ સાહિત્યિક પ્રદાન બદલ તેમને બિહારમાંથી દિનકર પુરસ્કાર; પોએટ્રી પિપલ પ્રાઇઝ; યાવારોવ મેડલ, સોફિયા; ભારતીય ભાષા પુરસ્કાર; કુમારન આસન પ્રાઇઝ વગેરે પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા