વિદ્યાર્થી, એલ. પી. (જ. 28 ફેબ્રુઆરી 1931, જિ. પટણા; અ. 1 ડિસેમ્બર 1985) : ભારતના એક પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી. તેમણે ગયાની રાજેન્દ્ર વિદ્યાલય હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1946માં મૅટ્રિક્યુલેશનની તથા 1950માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1953માં લખનૌ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. અનુસ્નાતકમાં પ્રથમ આવવા બદલ તેમને ઇન્દ્રજિતસિંગ ગોલ્ડ મેડલ મળ્યો હતો. 1957-58માં શિકાગો યુનિવર્સિટી તરફથી તેમને ફૉર્ડ ફાઉન્ડેશન ફેલોશિપ મળી હતી. તેમણે સંથાલ પરગણાના પહારિયા આદિવાસી સમુદાયનો અભ્યાસ રૉબર્ટ રેડફિલ્ડના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી માટે કર્યો હતો. ઈ. સ. 1958માં શિકાગો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. 1956-57 દરમિયાન વિદ્યાર્થીએ રાંચી ખાતે અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. ત્યારબાદ તેઓ રાંચી યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. પછી રીડર, પ્રાધ્યાપક તથા નૃવંશશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ બન્યા. તેમને યુ.જી.સી. તરફથી નૃવંશશાસ્ત્ર વિભાગ માટે ખાસ સહાય મેળવવામાં સફળતા મળી. પરિણામે તેમણે નૃવંશશાસ્ત્ર વિભાગના એક ભાગ રૂપે સેન્ટર ફૉર ઍડ્વાન્સ્ડ સ્ટડી(Centre for Advanced Study)ની સ્થાપના કરી. વિદ્યાર્થીની નૃવંશશાસ્ત્રના સિદ્ધાંત અને સંશોધનની આગવી સૂઝથી રાંચી યુનિવર્સિટીના નૃવંશશાસ્ત્ર વિભાગને સર્વોચ્ચ સ્થાન મળ્યું. તેઓ સેન્ટર ફૉર ઍડ્વાન્સ્ડ સ્ટડીના નિયામકપદે રહ્યા. આ સેવા તેઓ લાંબો સમય આપી શક્યા નહિ. માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં તેઓ બીમાર પડ્યા અને છેવટે અંતિમ શ્વાસ લીધો. તેમની સેવાઓની કદર રૂપે એક સંશોધનસંસ્થા ‘એલ. પી. વિદ્યાર્થી રિસર્ચ સેન્ટર ફૉર સોશિયલ સાયન્સ’ ઊભી કરવામાં આવી છે. આજે પણ આ સંસ્થા દ્વારા માનવશાસ્ત્ર વિષયમાં અનેક સંશોધનો થઈ રહ્યાં છે.

લલિત પ્રસાદ વિદ્યાર્થીને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અનેક ઍવૉર્ડ અને ફેલોશિપ મળ્યાં હતાં; જેમકે, નૃવંશશાસ્ત્રમાં બિહાર સરકારની શિષ્યવૃત્તિ (1950); ફૂલ બ્રાઇટ અને સ્મિથ મુંડ શિષ્યવૃત્તિ (1956-57); શિકાગો યુનિવર્સિટીની ફૉર્ડ ફાઉન્ડેશનની ફેલોશિપ (1957); ફૉરિન ફેલો, અમેરિકન  ઍન્થ્રૉપૉલૉજિકલ ઍસોસિયેશન (1958); ઇન્ડો જી. ડી. આર. કલ્ચરલ એક્સચેન્જ ફેલોશિપ (1959). ઇન્ડો યુ.એસ.એસ.આર. કલ્ચરલ એક્સચેન્જ ફેલોશિપ (1959) વગેરે.

તેઓ લોકવિદ્યા (folklore) વિભાગના પ્રમુખ હતા. આ સિવાય ઑલ ઇન્ડિયા ફોક-કલ્ચર કૉન્ફરન્સ, ઍન્થ્રૉપૉલોજી ઍન્ડ આર્કિયૉલોજી સેક્શન, ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ  વારાણસી, ઇન્ડિયન સોશિયલ સાયન્સ ઍસોસિયેશન (1957-1974), ઇન્ડિયન ઍન્થ્રૉપૉલોજિકલ ઍસોસિયેશન (1974-1985), ઇન્ટરનૅશનલ કૉંગ્રેસ ઑવ્ ઍન્થ્રૉપૉલોજિકલ ઍન્ડ એથ્નૉલોજિકલ સાયન્સિઝ (1978), ઑલ ઇન્ડિયા સોશિયલ સાયન્સ કૉંગ્રેસ, સ્ટડી ટીમ ઑન ટ્રાઇબલ લેબર, ઇન્ડિયન કમિશન ઑન લેબર, સ્ટૅન્ડિંગ કમિટી ઑન ઍન્થ્રૉપૉલોજી, ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સ રિસર્ચ (1966-1975), ટાસ્ક ફૉર્સ ઑન ધ ડેવલેપમેન્ટ ઑવ્ ટ્રાઇબલ એરિયાઝ પ્લાનિંગ કમિશન (1972), કમિટી ઑન ધી આઇડેન્ટિફિકેશન ઑવ્ પ્રિમિટિવ ટ્રાઇબ્ઝ (1974) વગેરેમાં પ્રમુખ અને સભ્ય તરીકે બહુમૂલ્ય સેવાઓ આપી હતી. આ ઉપરાંત પ્લાનિંગ કમિશન, ઍન્થ્રૉપૉલોજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા, સેન્ટ્રલ ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એડવાઇઝરી કમિટી જેવી અનેક કમિટીઓમાં તેમનું નોંધપાત્ર પ્રદાન હતું.

તેમણે જર્નલ ઑવ્ સોશિયલ રિસર્ચ, ઇન્ડિયન ઍન્થ્રૉપૉલોજી રાંચી, સોશિયૉલોજિકલ બુલેટિન, રિસર્ચ જર્નલ ઑવ્ રાંચી યુનિવર્સિટીમાં એડિટર તરીકે સેવાઓ આપી હતી. તેમણે અનેક સંશોધન પ્રૉજેક્ટો હાથ ધર્યા હતા; જેમાં અર્થવ્યવસ્થા, ઔદ્યોગિકીકરણ, સામાજિકીકરણ જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે.

તેમની કૃતિઓમાં ‘સેક્રેડ કૉમ્પ્લેક્સ ઑવ્ હિન્દુ ગયા’ (1961), ‘ધ મેલેર નેચર મૅન સ્પિરિટ કૉમ્પ્લેક્સ ઇન હિલ ટ્રાઇબ ઑવ્ બિહાર’ (1963), ‘ટ્રાઇબલ કલ્ચર ઑવ્ ઇન્ડિયા’ (1976), ‘હરિજન ટુ ડે’ (1977), ‘ધ ખારિયા’ (1979), ‘કાઉન્ટર્સ ઑવ્ ટ્રાઇબલ બિહાર’ (1960), ‘કૉન્ફિગરેશન ઑવ્ રાંચી’ (1969), ‘રાઇઝ ઑવ્ ઍન્થ્રૉપૉલોજી ઇન ઇન્ડિયા’ (1977), ‘ટ્રેન્ડ ઇન વર્લ્ડ ઍન્થ્રૉપૉલોજી’ (1980) વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સહલેખક તરીકે પણ તેમણે અનેક પુસ્તકો લખ્યાં હતાં. કેટલાંક પુસ્તકોનું સંપાદનકાર્ય પણ કર્યું હતું. વિવિધ સામયિકોમાં તેમના અનેક લેખો પ્રકાશિત થયા હતા. તેમણે અનેક સેમિનારોમાં હાજરી આપીને સંશોધન-પત્રો રજૂ કર્યાં હતાં. તેમણે સમગ્ર જિંદગી દરમિયાન નૃવંશશાસ્ત્ર અને તેની સાથે સંકળાયેલ વિભિન્ન શાખાઓની સ્થાપના માટે સતત સંઘર્ષ કર્યો હતો. તેમણે સરકારના આદિવાસી અને પછાત વિભાગોમાં બહુમૂલ્ય સેવાઓ આપી હતી, જેને આજે પણ યાદ કરવામાં આવે છે.

હર્ષિદા દવે