વિદ્યાધર : પ્રાચીન ભારતીય આલંકારિક અને ‘એકાવલી’ નામના ગ્રંથના લેખક. કાવ્યશાસ્ત્ર વિશે તેમનો બીજો ગ્રંથ ‘કવિરહસ્ય’ હોવાનો નિર્દેશ મળે છે. વિદ્યાધર ઉત્કલ પ્રદેશના એટલે ઓરિસાના વતની હતા. ત્યાંના રાજા નરસિંહના તેઓ આશ્રિત કવિ હતા; પરંતુ ઉત્કલ દેશમાં ‘નરસિંહ’ નામધારી બે રાજાઓ થઈ ગયા છે : 1282થી 1307 સુધી રાજ્ય ચલાવનાર ‘કેસરિનરસિંહ’ અને 1307થી 1327 સુધી રાજ્ય કરનાર ‘પ્રતાપનરસિંહ’. આ બેમાંથી ગમે તે એક રાજાએ તેમને આશ્રય આપેલો. એ સિવાય વિદ્યાધરના જીવન વિશે અન્ય માહિતી મળતી નથી.

પોતાના આશ્રયદાતા રાજા નરસિંહ વિશેનાં ઉદાહરણો પોતે લખીને ‘એકાવલી’માં આપ્યાં છે એવો નિર્દેશ તેમણે પોતે જ એ ગ્રંથના આરંભમાં કર્યો છે. તેથી તેરમી સદીનો અંતભાગ અને ચૌદમી સદીના પૂર્વાર્ધને તેમના સમય તરીકે નક્કી કરી શકાય. આ વાત અન્ય પુરાવાઓ વડે પણ સિદ્ધ કરી શકાય છે. ‘ધ્વન્યાલોક’ (આઠમી સદી), ‘કાવ્યપ્રકાશ’ (અગિયારમી સદી) અને ‘અલંકારસર્વસ્વ’ (બારમી સદી)ને આધારે ‘એકાવલી’ ગ્રંથની રચના તેમણે કરી છે. રુય્યકનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે અને એ જ અરસામાં થયેલા હર્ષના ‘નૈષધીય ચરિત’નો શ્ર્લોક ઉદાહરણ તરીકે આપ્યો છે. તેથી બારમી સદી પછી તેઓ થઈ ગયા છે. 1225માં માળવાના રાજા અર્જુને કવિ હરિહરને ધન આપ્યાનો ઉલ્લેખ વિદ્યાધર કરે છે. તેથી તેઓ 1225 પછી થઈ ગયા છે. જ્યારે 1330માં થયેલા સિંહભૂપાલ અને 1390માં થયેલા મલ્લિનાથ વિદ્યાધરનાં ઉદ્ધરણો આપે છે, તેથી 1330 પહેલાં વિદ્યાધર થઈ ગયા એમ માની શકાય. સંક્ષેપમાં, 1250થી 1320 સુધી વિદ્યાધરનો જીવનકાળ નિશ્ચિત કરવામાં આવ્યો છે. તેમના ગ્રંથને જોતાં તેઓ કવિ અને વિવેચક બંને હતા. વળી છંદ, અલંકાર, વ્યાકરણ વગેરે અનેક શાસ્ત્રના નદીષ્ણ (તજ્જ્ઞ) હતા એમ પણ કહેવું ઘટે.

પ્ર. ઉ. શાસ્ત્રી