વિદ્યાનાથ : પ્રાચીન ભારતીય આલંકારિક. તેઓ આંધ્રપ્રદેશના વતની હોવાથી દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે. તેમનું મૂળ નામ અગસ્ત્ય પંડિત હતું અને ‘વિદ્યાનાથ’ તેમનું ઉપનામ કે બિરુદ હતું એવો એક મત છે. આંધ્રપ્રદેશના ત્રિલિંગ (વર્તમાન તૈલંગણ) વિસ્તારમાં આવેલી એકશીલા (વર્તમાન વારંગલ) નગરી જેમની રાજધાની હતી તેવા કાકતીય વંશના રાજા પ્રતાપરુદ્રના દરબારમાં તેઓ આશ્રય પામ્યા હતા. વિદ્યાધરે જેમ પોતાની ‘એકાવલી’માં પોતાના આશ્રયદાતા રાજા વિશે પોતે રચેલાં ઉદાહરણો આપ્યાં છે તેવું વિદ્યાનાથે પણ રાજા પ્રતાપરુદ્રદેવના વિષયે કર્યું છે. પોતાના ગ્રંથનું નામ પણ ‘પ્રતાપરુદ્રયશોભૂષણ’ આપ્યું છે, જેને સંક્ષેપમાં ‘પ્રતાપરુદ્રીય’ કહેવામાં આવે છે.

રાજા પ્રતાપરુદ્રદેવનો સમય તેરમી સદીના અંતમાં અને ચૌદમી સદીના પૂર્વાર્ધમાં હોઈ તેમના સમકાલીન વિદ્યાનાથ પણ એ અરસામાં થઈ ગયાનું અનુમાન કરાયું છે. આ સમય અન્ય પુરાવાઓ દ્વારા પણ નક્કી થયો છે. વિદ્યાનાથે રુય્યકના ઉલ્લેખો કર્યા હોવાથી બારમી સદી પછી તેઓ થઈ ગયાનું સ્પષ્ટ છે.

તેમના ગ્રંથ પર ‘રત્નાપણ’ નામની ટીકા લખનાર કુમારસ્વામી સોમપીથી પ્રસિદ્ધ ટીકાકાર મલ્લિનાથના પુત્ર હતા. એટલે ચૌદમી સદીના અંતભાગમાં અને પંદરમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યાનાથને મૂકી શકાય. મલ્લિનાથે ‘પ્રતાપરુદ્રીય’માંથી ઘણા અલંકારોની વ્યાખ્યા પોતાની ટીકાઓમાં ઉદ્ધૃત કરી છે. આમ વિદ્યાનાથનો સમય ચૌદમી સદીના અંતમાં અને પંદરમી સદીના આરંભમાં નક્કી થઈ શકે છે.

અલંકારશાસ્ત્રી હોવા ઉપરાંત તેઓ કવિ અને નાટ્યકાર પણ હતા. ‘પ્રતાપરુદ્રીય’માં આવતા નાટકપ્રકરણમાં ઉદાહરણ રૂપે નિર્દેશેલું ‘પ્રતાપરુદ્રદેવકલ્યાણ’ નામનું નાટક તેમણે રચ્યું છે. વળી ‘પ્રતાપરુદ્રીય’માંના ઉદાહરણશ્ર્લોકો તેમના કવિત્વની પ્રતીતિ કરાવે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી