વિદર્ભ : હાલના મહારાષ્ટ્ર રાજ્યનો અગ્નિ (દક્ષિણ-પૂર્વ) ખૂણે આવેલો વરાડનો પ્રદેશ. ‘ઐતરેય બ્રાહ્મણ’ ગ્રંથમાં ત્યાંના રાજા ભીમના ઉલ્લેખને લીધે વિદર્ભ જાણીતું થયું. આધુનિક વરાડનો પ્રદેશ વિદર્ભ તરીકે ઓળખાતો હતો. ઉપનિષદોમાં વિદર્ભના ઋષિ ભાર્ગવનો ઉલ્લેખ અશ્વલાયન તથા વૈદર્ભી કૌન્ડિન્યના સમકાલીન તરીકે કરવામાં આવ્યો છે. હાલના અમરાવતી જિલ્લાના, ચંડુર તાલુકામાં, વર્ધા નદીના કિનારે આવેલ આધુનિક કૌન્ડિન્યપુરને પ્રાચીન વિદર્ભનું પાટનગર કુંડિન માનવામાં આવે છે.

વિદર્ભ નામના રાજાએ આ પ્રદેશમાં આર્યોની વસાહત સ્થાપીને સમૃદ્ધ કરી, તેથી તેને વિદર્ભ નામ આપવામાં આવ્યું તેવી આખ્યાયિકા છે. યદુ વંશની ભોજ નામની એક શાખાના આગેવાન ઋષભદેવના નવ પુત્રોમાંના એકનું નામ વિદર્ભ હતું. તે અયોધ્યાના રાજા સગરનો સમકાલીન હતો. રાજા સગરના મૃત્યુ બાદ યાદવોએ વિદર્ભની સત્તા ઉત્તરમાં હૈહયોના પ્રદેશમાં વિસ્તારી હતી.

મહાભારતના યુદ્ધમાં વિદર્ભની સેના કૌરવ સેનાના પક્ષે લડી હતી. અગસ્ત્ય ઋષિએ પ્રથમ વિંધ્ય પર્વતમાંથી માર્ગ કાઢી, દક્ષિણ ભારતમાં પ્રવેશી, વિદર્ભમાં આશ્રમ સ્થાપી, આર્ય સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો. મહાભારત, રામાયણ, પુરાણો વગેરે ગ્રંથોમાં વિદર્ભના ઉલ્લેખો આવે છે. ત્યાંની પૂર્ણા (પયોષ્ણી), વર્ધા (વરદા), વેણગંગા (વેણા) વગેરે નદીઓના કાંઠે આવેલ તીર્થધામોનાં વર્ણનો આ ગ્રંથોમાં છે. શ્રીકૃષ્ણની પટરાણી રુક્મિણી, નલ રાજાની રાણી દમયંતી તથા ‘રઘુવંશ’માં આવતા  રાજા અજની રાણી ઇંદુમતી વિદર્ભની રાજકન્યાઓ હતી.

ડૉ. આંબેડકર સ્મારક, નાગપુર

ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં આ પ્રદેશ મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યમાં હતો. કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર’માં જણાવ્યા મુજબ સમ્રાટ અશોકના અવસાન પછી વિદર્ભ સ્વતંત્ર થઈ ગયું હતું. શૂંગ વંશના સમયમાં એટલે કે ઈસવીસનની બીજી સદીના ઉત્તરાર્ધમાં વિદર્ભનો રાજા યજ્ઞસેન હતો ત્યારે વિદર્ભ અને વિદિશા વચ્ચેના સંબંધો બગડવાથી, વિદિશાના સૂબા અગ્નિમિત્રે તેના સેનાપતિ વીરસેનને વિદર્ભ પર ચડાઈ કરવા મોકલ્યો. વીરસેને યજ્ઞસેનને હરાવ્યો. તે પછી વિદર્ભનું વિભાજન કરી યજ્ઞસેન અને તેના પિતરાઈ માધવસેનને રાજ્ય વહેંચી આપવામાં આવ્યું.

ઈસવીસનની ત્રીજી સદીમાં વાકાટક વંશનો ઉદય થયો. આ વંશના વિંધ્યશક્તિ પહેલા(ઈ. સ. 250-270)એ વિદર્ભમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. વાકાટક વંશના અમલ દરમિયાન વિદર્ભ ઘણું સમૃદ્ધ થયું. આ દરમિયાન સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય, કલાકારીગરી તથા વેપારનો વિકાસ થયો. ત્યારબાદ કલચુરી વંશના, બાદામીના ચાલુક્ય વંશના તથા દખ્ખણના રાષ્ટ્રકૂટોએ વિદર્ભ ઉપર રાજ્ય કર્યું. રાષ્ટ્રકૂટોનાં અનેક તામ્રપત્રો અકોલા જિલ્લામાંથી મળ્યાં છે.

હાલના મહારાષ્ટ્ર રાજ્યના વર્ધા, નાગપુર, ચાંદા, ભંડારા, અમરાવતી, અકોલા, યવતમાલ તથા બુલઢાણા જિલ્લાનો વિદર્ભમાં સમાવેશ થતો હતો.

જયકુમાર ર. શુક્લ