વિતાન સુદ બીજ (1989)

February, 2005

વિતાન સુદ બીજ (1989) : ગુજરાતી કવિ શ્રી રમેશ પારેખનો સાતમો કાવ્યસંગ્રહ. સાતત્યપૂર્ણ કાવ્યયાત્રાના આ કવિએ તે પછી પણ અન્ય કાવ્યસંગ્રહો આપ્યા છે. પોતાના જ નામમાં નહિ સમાઈ શકતા આ કવિએ સુમાર વિનાના વિષયો ઉપર કવિતા કરી છે. સંવેદનની અનેક લીલાઓને તેમણે શબ્દમાં ઉતારી છે ને એમ ભાષાક્રીડાનાં પણ પાર વિનાનાં રૂપો પ્રકટાવ્યાં છે. કવિ પોતાની જ એક કવિતામાં કહે છે કે, બે નેત્ર તો હતાં જ એમાં પેન રૂપે ત્રીજું નેત્ર સાંપડ્યું. આ ત્રણે નેત્રો હર્ષ અશ્રુનું વહન કરી રહ્યાં છે. કવિની કવિતાની પણ એ – હર્ષ, અશ્રુ – બે મુખ્ય ધરી રહી છે. નખથી નક્ષત્રો સુધી જળ આંબનાર આ કવિની કવિતા જે વૈવિધ્ય દાખવે છે તે ગુજરાતી કાવ્યસાહિત્યની એક અભૂતપૂર્વ ઘટના છે. વિષય અને અભિવ્યક્તિના એવા નાવીન્યની ખોજ ‘વિતાન સુદ બીજ’માં ચાલુ રહી છે. અહીં પણ કવિ પોતાનું અતિક્રમણ કરવા મથ્યા છે.

આ સંગ્રહમાં છોકરી-વિષયક કેટલીક રચનાઓ ખાસ ધ્યાન ખેંચે છે. કુંવારી કન્યાની આંતર સંવેદનાઓને વિવિધ કલ્પનાબુટ્ટાથી તેમણે પ્રત્યક્ષ કરી આપી છે. ક્યાંક તેની મુગ્ધતા, ક્યાંક તેનું યૌવન તો ક્યાંક તેની વેદના એમ ‘છોકરી’ને ભીતર-બહાર, વિવિધ કાવ્યોમાં ઝીલી બતાવી છે. કવિની કલ્પનાશક્તિ અને અલંકારશક્તિની ઊંચાઈનો પણ આવી રચનાઓમાં અનુભવ થઈ રહે છે. ભાષા અને કલ્પક શક્તિની અ-રૂઢતા આવી કૃતિઓનો વિશેષ છે. છોકરીની સાથે છોકરાને અને ક્યાંક બુઢ્ઢાઓને ગૂંથીને તેમણે છોકરીની સંવેદનસૃષ્ટિને નોખી રીતે વિસ્તારી છે. એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે, એમ કહીને કવિ છોકરીની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિના બે છેડા વચ્ચેનું વિશ્વ તાદૃશ કરી આપે છે. પ્રેમનાં આવાં નૂતન રૂપો પ્રકટ કરતી કૃતિઓનું પ્રમાણ અહીં સારું એવું છે. ‘શિકારીની બંદૂકમાં ઊગેલાં બે ગીત’, ‘પ્રિયતમાની ચિઠ્ઠી’ અને ‘નદીએ હસબણ નહાય’ એ સંદર્ભે ઉલ્લેખનીય છે.

નગરજીવનની સંવેદનાની પણ અહીં કેટલીક બળકટ કૃતિઓ છે, જે નગરસંવેદનાની સાથે આધુનિક મનુષ્ય અને આધુનિક જગતનું પણ સ્પર્શક્ષમ ચિત્ર આપી રહે છે. ‘ચર્ચગેટની ટ્રેનો બરછટ બૂંધી’ કે ‘અબે ઓ કાલિદાસ સાંભળ’ એ આ પ્રકારની મુંબઈને લક્ષ્ય કરાઈને કટાક્ષ-વ્યંગ્ય-વાસ્તવને સાથે રાખીને લખાયેલી કૃતિઓ છે. નગરજીવનની નારકીયતાનું અહીં થયેલું ચિત્રણ એકવીસમી સદીના જોષ જોઈ આપનારું બન્યું છે. ‘બસની પ્રતીક્ષા’ કે ‘મદ્યાનુભૂતિ’નું પણ આ નિમિત્તે સ્મરણ કરી શકાય.

‘ઇંડાયણ’, ‘કલમને કાગળ ધાવે’, ‘દુષ્કાળ’, ‘લોકગીતો’, ‘ઇતિ-હાસ’, ‘હાઇવે પર હત્યા’ વગેરે પણ આ સંગ્રહની ધ્યાનાર્હ રચનાઓ છે. કવિ અપરિચિત કે અલ્પપરિચિત વિષયને લાક્ષણિક ભાષાપોતથી જે સહજતાથી આકારે છે તેનાં દૃષ્ટાંતરૂપે આવી રચનાઓ ધ્યાનપાત્ર છે.

‘ફાગુગીતિ’, ‘આવી હવાની લહેરખી’, ‘વરસાદ અને હું’, ‘મન બહુ થાય છે’ જેવી પ્રકૃતિપરિવેશની રચનાઓની ચાલના પણ વિશિષ્ટ રહી છે. ગીતોની જેમ આ સંગ્રહની ગઝલો પણ રમેશીય સ્પર્શનો આગવો અનુભવ કરાવી રહે છે.

આમ ‘વિતાન સુદ બીજ’ કવિની અનવરત કાવ્યસાધનાનો ભાવકોને સ્પર્શી રહે તેવો એક નવો પડાવ છે. અહીં ઊઘડતાં વિવિધ ભાષાસ્તરો અને એમાં ઝિલાતી આવતી નવ્ય સંવેદનાઓ કવિ રમેશની ઓળખને વધુ ઘૂંટી આપે છે. આ કાવ્યસંગ્રહને 1994નું ભારતીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે.

પ્રવીણ દરજી