વિટામિનો (vitamins)

પ્રાણીઓને પોતાની તંદુરસ્તી જાળવી રાખવા તેમજ શરીરની સામાન્ય કાર્યપ્રણાલીઓ માટે આવશ્યક એવાં પ્રમાણમાં ઓછાં, પણ જરૂરી, કાર્બનિક સંયોજનોનો એક સમૂહ. સામાન્ય રીતે 14 જેટલાં મુખ્ય વિટામિનો જાણીતાં છે. તેમાં જળદ્રાવ્ય વિટામિન B સંકીર્ણ [9 સંયોજનો : B1 (થાયામિન), B2 (રિબોફ્લેવીન), B6 (પિરિડૉક્સિન), B12 (સાયનો કૉબાલામિન અથવા કૉબાલામિન), ફૉલિક ઍસિડ, નિકોટિનિક ઍસિડ, પેન્ટોથેનિક ઍસિડ, બાયૉટિન અને લિપૉઇક ઍસિડ, કોઈ કોઈ વાર કોલાઇનનો પણ આ સંકીર્ણમાં સમાવેશ થાય છે] અને વિટામિન C તથા ચરબીદ્રાવ્ય વિટામિન A, D, E અને Kનો સમાવેશ થાય છે. સામાન્યત: વિટામિનો ખોરાક મારફત મળે છે. ખોરાકના અન્ય ઉપયોગી ઘટકો જેવા કે પ્રોટીનો, ચરબી, કાર્બોદિતો (carbohydrates) તથા ખનિજો(minerals)ની સરખામણીમાં વિટામિનો ખોરાકમાં ખૂબ ઓછી માત્રામાં હોય છે. પુખ્તવયનો માનવી રોજના લગભગ 600 ગ્રામ ખોરાક (શુષ્ક વજન) (dry weight) લે છે; જેમાં એક ગ્રામથી પણ ઓછી માત્રામાં વિટામિનો હોય છે. વિટામિનો પ્રોટીન, કાર્બોદિતો અને ચરબી જેવાં બૃહત્-પોષકો(macronutrients)ની માફક શરીરને ઊર્જા (અથવા કૅલરી) પૂરી પાડતાં નથી કે નિર્માણખંડો (building blocks) તરીકે વર્તતાં નથી, પણ તેઓ ચયાપચયી (metabolic) પ્રવિધિઓને નિયંત્રિત કરવામાં સહઉત્સેચકો (coenzymes) તેમજ સહઉત્સેચકોના પૂર્વવર્તીઓ (પુરોગામીઓ – precursors) તરીકે કામ કરે છે. તેઓ શરીરમાંની રાસાયણિક પ્રક્રિયાઓના નિયમન કરવા દ્વારા ખોરાકનું ઊર્જામાં અને જીવંત કોષોમાં રૂપાંતર કરે છે. ‘વિટામિન’ શબ્દ જીવન માટે આવશ્યક (vital) એવાં આ સંયોજનો એમાઇન (amine) તરીકે ઓળખાતા નાઇટ્રોજનયુક્ત ઘટકો ધરાવતા હોવાથી 1910માં ફંક નામના વૈજ્ઞાનિકે તેમને માટે ‘વિટામાઇન’ (vitamine, vital amine) શબ્દ પ્રયોજ્યો હતો. પાછળથી એમ માલૂમ પડ્યું કે બધાં વિટામિન નાઇટ્રોજન ધરાવતાં નથી અને તેથી મૂળ શબ્દમાંનો છેલ્લો ઇ (e) પડતો મૂકવામાં આવ્યો અને વિટામિન નામ પ્રચલિત બન્યું.

ઇતિહાસ : ઈ. પૂ. 400 વર્ષ અગાઉ હીપોક્રેટસે રતાંધળાપણા માટે બળદનું યકૃત (liver) તથા મધનો પ્રયોગ સૂચવેલો. માન્ચેસ્ટરમાં 1770થી સૂકતાનનો રોગ (rickets) મટાડવા માટે કૉડલિવર તેલ વપરાતું. 19મા સૈકામાં જણાવાયેલું કે પૉલિશ કરેલા ચોખાને બદલે પૉલિશ કર્યા વિનાના ચોખા વાપરવાથી બેરીબેરી થતો અટકાવી શકાય છે. 1860માં જાપાનના નૌકાસૈન્ય દ્વારા બેરીબેરી અટકાવવા જવનો ઉપયોગ કરવામાં આવેલો. 1881માં લ્યુનીન તથા 1905માં પેકલહારિંગ દ્વારા પ્રાયોગિક રીતે દર્શાવાયું કે જાનવરોના ખોરાકમાં દૂધનું પ્રમાણ ઉમેરતાં તેઓનો વિકાસ વધુ સારો થાય છે તથા આયુષ્ય લંબાય છે. 1906માં આઇકમૅને નોંધ્યું છે કે ચોખાના ઓસામણમાં રહેલો કોઈ પદાર્થ ચોખાને પૉલિશ કરવાથી દૂર થાય છે. પરિણામે બેરીબેરી નામનો રોગ થાય છે. 1906થી 1912ના ગાળામાં ફ્રેડરિક હૉપકિન્સે પ્રયોગો દ્વારા દર્શાવ્યું કે દૂધમાં વિકાસ-વૃદ્ધિ કરનારો કોઈ પદાર્થ હોય છે. 1913માં ઓસ્બૉર્ન, મેન્ડેલ, મેકકૉલમ તથા ડેવિસ દ્વારા આ પ્રયોગોની સચ્ચાઈ પુરવાર કરવામાં આવી.

વીસમી સદીમાં વિટામિનો વિશેની લગભગ સંપૂર્ણ માહિતી પ્રાપ્ય બની છે. વિટામિનની શોધ મુખ્યત્વે સંશોધનના બે પ્રવાહો ઉપર રચાઈ છે : માનવોના પોષણલક્ષી રોગોના અભ્યાસ દ્વારા તથા પ્રાયોગિક જાનવરોને જાણીતા બંધારણીય ઘટકોવાળા ખોરાક દ્વારા. આ રીતે વિટામિનની ઊણપથી થતા વિવિધ રોગો(એવિટામિનોસીસ)ના અહેવાલો રજૂ કરાયા છે. કોઈ એક ચોક્કસ વિટામિનની ઊણપથી થતા રોગના નિવારણ માટે વપરાતા રાસાયણિક પદાર્થ(વિટામિન)ને અલગ પાડી, તેનું રાસાયણિક બંધારણ શોધી કાઢી છેવટે તેનું સંશ્લેષણ કરવામાં આવ્યું છે.

સંશ્લેષિત કે કુદરતી વિટામિનોનું જૈવિક મૂલ્ય એકસરખું જ હોય છે. વિટામિનો ઘણી વાર બંધારણીય રીતે કે રાસાયણિક રીતે એકસરખાં હોતાં નથી. તેઓનું વર્ગીકરણ સામાન્ય રીતે પાણીમાં કે ચરબીમાં દ્રાવ્ય સંયોજનો અનુસાર કરવામાં આવે છે.

ચરબીદ્રાવ્ય વિટામિનો : વિટામિનો A, D, E અને K સમૂહો.

જળદ્રાવ્ય વિટામિનો : વિટામિન B સમૂહ (થાયામિન, રિબોફ્લેવિન, નિકોટિનિક ઍસિડ (નાયાસીન), B6, પેન્ટોથેનિક ઍસિડ, બાયૉટિન, ફૉલિક ઍસિડ, કૉબાલામિન B12, પેરાએેમિનોબેન્ઝોઇક ઍસિડ, ઇનોસિટૉલ તથા કોલાઇન અને વિટામિન C અથવા એસ્કૉર્બિક ઍસિડ.

જળદ્રાવ્ય વિટામિનો સામાન્ય રીતે પ્રાણી તથા વનસ્પતિસૃદૃષ્ટિમાં મળે છે અને નીચા વર્ગના કે ઉચ્ચ જીવોમાં જોવા મળતી આવશ્યક જૈવરાસાયણિક પ્રણાલીઓની જેમ જ કાર્ય કરે છે.

વિટામિનો સહઉત્સેચક (co-enzyme) (ઉત્સેચક પ્રણાલીના સક્રિય ભાગ) તરીકે કામ કરીને જીવંત પ્રણાલીઓમાં આવશ્યક ઊર્જા ઉત્પન્ન કરવા માટેની પ્રક્રિયાઓમાં ઉત્પ્રેરક (ઉદ્દીપક, catalyst) તરીકે વર્તે છે.

વિટામિન A (રેટિનૉલ) : ચરબીદ્રાવ્ય, જળ-અદ્રાવ્ય આછા પીળા રંગનો આલ્કોહોલ. તેનું અસ્તિત્વ સૌપ્રથમ 1918માં જાણવા મળેલું. ઉપચયન થતાં તે તુરત જ નાશ પામે છે. ગરમી, પ્રકાશ અને હવાની અસરથી ઝડપથી નાશ પામતાં હોવાથી તેના સંગ્રહમાં તથા ખોરાકને રાંધવામાં આવશ્યક કાળજી જરૂરી છે.

સ્રોત : વિટામિન Aના ત્રણ સ્રોત જાણીતા છે. લગભગ બધાં જ પ્રાણીઓના સ્નાયુઓમાં વિટામિન A હોય છે. પરંતુ મુખ્યત્વે તે કલેજા, ઈંડાની જરદી વગેરેમાં સંકેન્દ્રિત રૂપે મળે છે. માછલીઓના કલેજાનું તેલ વિટામિન Aનો અગત્યનો સ્રોત છે. તાજા પાણીની કેટલીક માછલીઓના કલેજામાં વિટામિન A2 પણ હોય છે. A2નું બંધારણ Aથી થોડું જુદું પડે છે, પરંતુ શરીરક્રિયાત્મક અસર એકસરખી છે. વનસ્પતિઓમાં કેટલાંયે કૅરોટિન પ્રકારનાં વર્ણકો હોય છે, જે પ્રાણીઓના સ્નાયુમાં વિટામિન Aમાં પરિવર્તન પામે છે. β-કૅરોટિન પ્રોવિટામિન A ગણાય છે, જે ઉત્તમ પ્રકારનું સ્રોત છે.

ઔદ્યોગિક ઉત્પાદન : β-આયોનોનને ગ્લાયસિડેશનપ્રક્રિયાથી C14 આલ્ડિહાઇડમાં ફેરવીને C6 ઘટક (ટુકડા) સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા જોડવામાં આવે છે. પરિણામે મળતા કાર્બિનોલનો પુનર્વિન્યાસ કરતાં મળતી નીપજનું અપચયન, એસિટિલેશન, નિર્જળીકરણ કરી વિટામિન Aના એસ્ટરમાં પરિવર્તન કરવામાં આવે છે. 1947માં આ વિટામિનનું પ્રથમ સંશ્લેષણ થયેલું.

રસાયણ : અણુસૂત્ર C2OH29OH બંધારણીય સૂત્ર નીચે મુજબ :

β-કૅરોટિન નામનો પીળા રંગનો વર્ણક (pigment). આ વિટામિન Aનો પૂર્વગામી (precursor) છે. વિટામિન Aના બે અણુમાંથી એક OH હાઇડ્રૉક્સિલ સમૂહ નીકળી જતાં β-કૅરોટિન બને છે. β-કૅરોટિનમાંથી વિટામિન A નીચે મુજબ બને છે :

નાના આંતરડામાં પ્રોવિટામિન Aનું અવશોષણ થતાં ઉપર દર્શાવેલી પ્રક્રિયા યકૃતમાં થાય છે.

(1 IU = 0.3 μg રેટિનૉલ = 0.6 mg β-કૅરોટિન; 1 ગ્રા. વિટામિન A 30 લાખ IU બરાબર ગણાય છે.)

લોહીમાં સામાન્ય પ્રમાણ : 2460 Iu/dl અથવા 0.84-2.10 μmol/l.

શરીરક્રિયાત્મક કાર્ય : ચામડીના ઉપરના પડ, શ્વસન શ્લેષ્મિકા વગેરેની જાળવણી માટે જરૂરી; હાડકાં તથા દાંતના સામાન્ય કાર્યને ઝડપી બનાવે; દૃષ્ટિ માટે અતિઆવશ્યક. નોબેલ વિજેતા વાલ્ડ તથા મૉર્ટને દર્શાવ્યું છે કે નેત્રપટલનો વર્ણક રહોડૉપ્સિન જે દૃષ્ટિપટલના કોષોમાં હોય છે તે એક સંયુગ્મી પ્રોટીન છે. પ્રકાશ જ્યારે દૃષ્ટિપટલ ઉપર પડે ત્યારે રહોડૉપ્સિનનું ખંડન પ્રોટીન ઘટક ઑપ્સિનમાં તથા બિનપ્રોટીન ઘટક રેટિનીન(રેટિનાલ)માં થાય છે. રેટિનાલ રિડક્ટેઝ ઉત્સેચક દ્વારા રેટિનૉલમાં ફેરવાય છે. રહોડૉપ્સિનમાંથી રેટિનાલનું વિમોચન (liberation) થતાં બે રંગીન મધ્યસ્થી સંયોજનો બને છે. એક મધ્યસ્થી લાલ/નારંગી રંગનું લ્યુમિરહોડૉપ્સિન બને છે, જે 40° સે. નીચે જ સ્થાયી રહે છે. લગભગ 20° સે. તાપમાનની શરૂઆતમાં લ્યુમિરહોડૉપ્સિન ધીરે ધીરે મેટારહોડૉપ્સિનમાં ફેરવાય છે, જેનું જળવિભાજન 15° સે.થી નીચા તાપમાને પાણીની હાજરીમાં રેટિનાલ તથા ઓપ્સિનમાં થાય છે. અંધારામાં ર્હોપ્સિનનું પુનર્નિર્માણ થાય છે.

આકૃતિ : રહોડૉપ્સિન વિટામિન A ચક્ર અથવા વાલ્ડનું દૃશ્યચક્ર

વિટામિન A ઊણપનાં લક્ષણો : આગળ સારણીમાં દર્શાવ્યાં છે. અતિવિટામિનતા(hypervitaminosis)ના લીધે ઊલટી (ઊબકા), વાળ ખરી પડવા (loss of hair), ચામડી સુકાવી તથા પર્પટીકરણ, scaling, હાડકાનો દુખાવો, થાક જેવી સ્થિતિ જોવા મળે છે.

વિટામિન Aનું પરિમાપન : કાર્લ પ્રાઇસ પ્રક્રિયાના ઉપયોગ દ્વારા કલરીમેટ્રિક પરિમાપન : આ કસોટીમાં SbCl3નું CHCl3માં બનાવેલ દ્રાવણ વિટામિન A ધરાવતા (મંદ દ્રાવણ) મિશ્રણમાં ઉમેરતાં વાદળી રંગ ઉદ્ભવે છે. આ રંગને તુરત જ 620 mmએ તપાસવામાં આવે છે. આ ઉપરાંત 436 mmએ સ્પેક્ટ્રો-ફોટોમેટ્રિક રીત પણ વપરાય છે.

વિટામિન B સમૂહ (સંકીર્ણો) : વિટામિન B તેનાં ઘણાં વ્યુત્પન્નો સહિત વનસ્પતિ તથા પ્રાણીઓમાં હોય છે. તે પાણીમાં દ્રાવ્ય છે. વિટામિન B સંકીર્ણો સામાન્ય ચયાપચય માટે અનિવાર્ય છે. વિટામિન B ઘટકો તથા તેઓનાં નામકરણ નીચે દર્શાવ્યાં છે :

1. થાયામિન (વિટામિન B1, પ્રતિ બેરીબેરી વિટામિન, ચેતાશોથ વિટામિન, એન્યુરીન)

2. રિબોફ્લેવિન (વિટામિન B2, લૅક્ટોફ્લેવિન)

3. નાયાસીન (નિકોટિનિક ઍસિડ, વિટામિન B3)

4. પિરિડૉક્સિન (વિટામિન B6, પ્રતિત્વચાશોથ વિટામિન)

5. પેન્ટોથેનિક ઍસિડ (વિટામિન B5)

6. લિપૉઇક ઍસિડ (થાયોક્ટિક ઍસિડ)

7. બાયૉટિન (વિટામિન H)

8. ફૉલિક ઍસિડ સમૂહ (વિટામિન M, R ફૅક્ટર, વિટામિન Bc, પ્ટેરોઇલગ્લુટામિક ઍસિડ)

9. ઇનૉસિટૉલ

10. વિટામિન B12 (સાયનોકોબાલામિન, કૉબામાઇડ, એનિમિયા વિનાશી ફૅક્ટર)

(પેરાઍમિનૉબેન્ઝોઇક ઍસિડ માનવશરીરમાં આ સમૂહના વિટામિનો જેવી જ અસર ઉપજાવે છે; જેના લીધે તેનો વિટામિન B સમૂહમાં સમાવેશ કરાય છે.)

વિટામિન B1 (થાયામિન) : 1931માં વિન્ડાઉસે યીસ્ટમાંથી સ્ફટિક રૂપે મેળવી તેનું પ્રાયોગિક સૂત્ર નક્કી કર્યું. વિલિયમ્સ તથા પીટર્સે તેને અલગ પાડવાની રીત સુધારી.

રસાયણ : તેનું બંધારણ વિલિયમ્સે 1936માં નક્કી કર્યું.

પાણીમાં સુદ્રાવ્ય તથા ઍસિડ માધ્યમમાં સ્થાયી છે. આલ્કલી માધ્યમમાં સામાન્ય તાપમાને નાશ પામે છે. સોડિયમ બાઇસલ્ફાઇટ દ્રાવણમાં (pH 4.8થી 5.0) ઓગાળતાં તે પિરિમિડીન તથા થાયાઝોલમાં વિઘટન પામે છે. આલ્કલી માધ્યમમાં પોટૅશિયમ ફેરીસાયનાઇડ સાથે ઉપચયન કરતાં થાયૉક્રોમમાં પરિવર્તિત થાય છે. થાયૉક્રોમ UV પ્રકાશમાં પ્રબળ પ્રતિદીપ્તિ (પ્રસ્ફુરણ) દર્શાવે છે.

સ્રોત : ચોખાનું ઓસામણ, ઘઉંનું પ્રભવબીજ (wheat germ) તથા યીસ્ટમાં સારા એવા પ્રમાણમાં તથા કઠોળ, તેલીબિયાં, ધાન્ય (cereals) અને માંસ, મચ્છી, ઈંડાં, દૂધ, શાકભાજીમાં સામાન્ય પ્રમાણમાં. રોજિંદી આવશ્યકતા :

શિશુઓ માટે                 0.3 – 0.5 મિગ્રા.

બાળકો માટે                 0.7 – 1.2 મિગ્રા.

પુખ્ત પુરુષો માટે            1.5 – 2.0 મિગ્રા.

પુખ્ત સ્ત્રીઓ માટે            1.0 – 1.2 મિગ્રા.

લોહીમાં સામાન્ય પ્રમાણ : રક્તપ્લાઝ્મામાં લગભગ 1 μg/100 મિલી. (મુક્ત સ્વરૂપમાં).

શરીરક્રિયાત્મક કાર્ય : થાયામિન વિકાસ માટે આવશ્યક છે. જ્ઞાનતંતુઓને સામાન્ય સ્થિતિમાં જાળવવા આવશ્યક.

પરિમાપન : આલ્કલીય પોટૅશિયમ ફેરીસાયનાઇડ દ્વારા ઉપચયન કરતાં વાદળી રંગનો થાયૉક્રોમ બને છે, જેનું પ્રમાણ ફ્લોરિમિતી દ્વારા નક્કી કરાય છે.

થાયામિનની ઊણપને લીધે બેરીબેરી રોગ થાય છે, ઉપરાંત અજીર્ણ કે મંદાગ્નિ થાય, ઘૂંટણના સાંધા જકડાઈ જાય તથા જાંઘના સ્નાયુઓમાં દર્દ થઈ પગ ખોટા પડી જાય છે. પક્ષીઓમાં બહુચેતાશોથ (polyneuritis) ઉદ્ભવે છે.

વધુ પ્રમાણમાં લેવાથી તે પેશાબ દ્વારા નીકળી જતાં કોઈ વિષાળુ અસર દર્શાવતું નથી.

વિટામિન B2 (રિબોફ્લેવિન) : 1933માં દૂધમાંથી સૌપ્રથમ મેળવાયું હોવાથી તેને લૅક્ટોફ્લેવિન પણ કહે છે.

સ્રોત : પ્રાણી તથા વનસ્પતિજગતમાં સારી રીતે વ્યાપક છે. ઉત્તમ સ્રોત અવાયુજીવી આથવણ કરતાં બૅક્ટેરિયા (anaerobic fermenting bacteria) દૂધ, કલેજું, યકૃત, હૃદય તથા માછલીમાં તે સારા પ્રમાણમાં; એકદળી અનાજ (cereals) બીજાંકુર, અંકુરિત ઘઉં તથા જવમાં ઠીક ઠીક પ્રમાણમાં મળે છે.

રસાયણ : કુહન તથા કારર દ્વારા 1933માં તેનું સંશ્લેષણ કરાયેલું, તેમાં આઇસો એલૉક્સેઝીન કેન્દ્ર છે.

તે પીળા રંગનું જળદ્રાવ્ય, ઉષ્મા-સ્થાયી તથા પ્રકાશ-સંવેદનશીલ છે. તેના દ્રાવણમાં પ્રકાશ ફેંકતાં તેમાંથી પ્રબળ પ્રસ્ફુરણ નીકળે છે. પ્રબળ પ્રકાશમાં તેનું દ્રાવણ રાખતાં વિટામિન ઝડપથી નષ્ટ થાય છે. SnCl2 તથા હાઇપોહેલાઇટ જેવાં અપચયનકારકો દ્વારા તેનું રંગવિહીન પ્રતિદીપ્તિહીન સંયોજનમાં પરિવર્તન થાય છે.

               રોજિંદી આવશ્યકતા

શિશુ માટે                         0.4-0.6 મિગ્રા.

બાળકો માટે                      0.8-1.2 મિગ્રા.

પુખ્ત પુરુષો માટે                 1.5-1.8 મિગ્રા.

પુખ્ત સ્ત્રીઓ માટે                 1.1-1.4 મિગ્રા.

લોહીમાં સામાન્ય પ્રમાણ : 2.5થી 4.0 μg/100 મિલી. રક્તજીવદ્રવ્ય(બ્લડ પ્લાઝ્મા)માં.

પરિમાપન : આલ્કલી માધ્યમમાં રિબોફ્લેવિન લઈ તેને UV પ્રકાશ દ્વારા લ્યુમિફ્લેવિનમાં ફેરવી શકાય છે. UV પ્રકાશમાં યુમિફ્લેવિનની લીલાશ પડતી પીળી પ્રતિદીપ્તિ માપીને પ્રમાણ નક્કી થાય છે.

શરીરક્રિયાત્મક કાર્ય : કાર્બોહાઇડ્રેટ ચયાપચયન સાથે સંકળાયેલાં કેટલાંક અંત:સ્રાવોનાં નિયંત્રણ-કાર્ય સાથે તે સંકળાયેલું છે. નેત્રપટલમાં રહેલું મુક્ત રિબોફ્લેવિન પ્રકાશ દ્વારા એવા સંયોજનમાં પરિવર્તિત થાય છે, જે દૃષ્ટિચેતાને ઉત્તેજિત કરે છે.

તેની ઊણપને લીધે હોઠ ઉપર વિક્ષતિ (lesion), મોંના ખૂણે ચામડી ફાટવી [બરો મૂતરી જવો (કચ્છી) અર્થ તાવ મરી ગયો], મોંમાં ત્વચાશોથ, જીભ જાંબલી થઈ જવી વગેરે લક્ષણો જોવા મળે છે. તેની ઊણપથી આંખના અનેક રોગો થાય છે.

નાયાસીન (વિટામિન B3, નિકોટિનિક ઍસિડ) તેનાથી પેલાગ્રા રોગ મટતો હોવાથી તેને પેલાગ્રા પ્રિવેન્ટિવ (PP) નામ અપાયેલું. 1937માં તે પેલાગ્રા એટલે મોંની ચામડી, ડોક, ઢીંચણ, છાતી વગેરેની ચામડીમાં વિક્ષતિ, ચામડી જાડી, ભીંગડાવાળી થઈ જવી વગેરે. તેની ઊણપથી અનિદ્રા, ભુલકણાપણું પણ જણાય છે. ખૂબ વધુ પ્રમાણમાં લેતાં બળતરા થાય છે.

સ્રોત : યીસ્ટ, ઘઉંના બીજાંકુર, ચોખાનું ઓસામણ, માંસ, કલેજી તથા દૂધ, ઈંડાં, ટમેટાં, લીલાં શાકભાજી વગેરેમાં હોય છે. આહાર સંબંધી પ્રોટીનમાં રહેલો ઍમિનૉઍસિડ ટ્રિપ્ટોફેન શરીરમાં નાયાસીનમાં પરિવર્તિત થાય છે. 60 μg ટ્રિપ્ટોફેનમાંથી 1 mg નાયાસીન બને છે.

રસાયણ : નાયાસીન પિરિડીન3કાબૉર્ક્સિલિક ઍસિડ છે. સ્નાયુઓમાં તે નાયાસીન એમાઇડ (નિકોટિનામાઇડ) તરીકે હોય છે. તેનું રાસાયણિક બંધારણ નીચે મુજબ છે :

તે જળદ્રાવ્ય, ઉષ્માસ્થાયી છે. એમાઇડને પ્રબળ ઍસિડ કે આલ્કલીમાં ગરમ કરતાં ઍસિડ મળે છે. માનવ તથા પ્રાણીઓના સ્નાયુઓમાં નિકોટિનામાઇડ કો-એન્ઝાઇમ I (NAD) તથા કો-એન્ઝાઇમ II (NADP) તરીકે હોય છે.

            રોજિંદી આવશ્યકતા

શિશુ માટે                    5-8 મિગ્રા.

બાળકો માટે                 9-16 મિગ્રા.

પુખ્ત પુરુષો માટે            16-20 મિગ્રા.

પુખ્ત સ્ત્રીઓ માટે            12-16 મિગ્રા.

લોહીમાં સામાન્ય પ્રમાણ : 0.5-0.8 મિગ્રા./100 મિલી. whole bloodમાં.

શરીરક્રિયાત્મક કાર્ય : ચામડી, આંતરડાનો માર્ગ તથા ચેતાતંત્રના સામાન્ય કાર્ય માટે આવશ્યક વિટામિન. B2 તથા B6થી નાયાસીનની ઊણપ થાય છે. (ટ્રિપ્ટોફેન બનવો બંધ થતો હોવાથી.) નિકોટિનિક ઍસિડ થૅરાપીમાં જીવદ્રવ્ય (પ્લાઝ્મા) કોલેસ્ટેરોલ ઘટાડવા વપરાય છે.

પિરિડૉક્સિન (વિટામિન B6) : 1938માં શુદ્ધ સ્વરૂપે મેળવાયું તથા 1939માં તેનું સંશ્લેષણ થયું.

સ્રોત : યીસ્ટ, ચોખાનું ઓસામણ, ઘઉં તથા મકાઈનાં જીવદ્રવ્યો (બીયાં) તેનો સમૃદ્ધ સ્રોત છે. ઉપરાંત દૂધ, માંસ, પાંદડાંવાળાં શાકભાજી, કલેજામાં તે સારા એવા પ્રમાણમાં તથા મચ્છી, ફળો, પાંદડાંવાળાં શાકભાજીમાં સામાન્ય પ્રમાણમાં વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે.

રસાયણ : કુદરતમાં મળતું પિરિડૉક્સિન ત્રણ સંયોજનોનું મિશ્રણ (પિરિડૉક્સિન, પિરિડૉક્સાલ તથા પિરિડૉક્સામાઇન) છે.

તે જળસુદ્રાવ્ય છે. આલ્કલી માધ્યમમાં પ્રકાશની હાજરીમાં ધીમે ધીમે નષ્ટ થાય છે. ફીનૉલ સાથે અથવા 2, 6-ડાઇક્લોરોક્વિનોન ક્લોરિમાઇડ સાથે તે રંગીન સંયોજન બનાવે છે.

          રોજિંદી આવશ્યકતા

શિશુ માટે                  0.3 મિગ્રા.

બાળકો માટે               0.6-1.2 મિગ્રા.

પુખ્ત પુરુષો માટે          1.6-2.0 મિગ્રા.

પુખ્ત સ્ત્રીઓ માટે          1.6-2.0 મિગ્રા.

શરીરક્રિયાત્મક કાર્ય : શિશુના વિકાસ માટે આવશ્યક છે.

પરિમાપન : તેનું પરિમાપન (1) ઉંદર ઉપર bioassay દ્વારા, (ii) સેકેરોમાઇસીસ ઉપર માઇક્રોબિયલ એસે દ્વારા થઈ શકે છે. B6 યા પિરિડૉક્સિનની ઊણપ ભાગ્યે જ જણાય છે; કારણ કે મોટા ભાગનું ખોરાકમાંથી મળી રહે છે. તેની ઊણપથી ચીડિયાપણું તથા બાળકોમાં એનીમિયા થાય છે. વિષાળુતા અંગે કોઈ નોંધ લેવાઈ નથી.

પેન્ટોથેનિક ઍસિડ (વિટામિન B5) : 1938માં તેનો કૅલ્શિયમ ક્ષાર શુદ્ધ સ્વરૂપે મેળવાયો. 1940માં તેનું સંશ્લેષણ જાહેર થયું.

સ્રોત : ઉત્તમ સ્રોત જેલી છે. આ ઉપરાંત યીસ્ટ, કલેજી, ચોખાનું ઓસામણ તથા ઘઉંના બીજદ્રવ્ય(germ)માં સારા પ્રમાણમાં તથા દૂધ, માંસ, ઈંડાં, પાંદડાંવાળાં શાકભાજીમાં મળે છે.

રસાયણ : પેન્ટોથેનિક ઍસિડ, β-એલેનાઇન તથા પેન્ટોઇક ઍસિડના પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાઈને બને છે.

તે પાણીમાં સુદ્રાવ્ય, પરંતુ ઍસિડ/આલ્કલી માધ્યમમાં વિઘટન પામે છે; તેના Na, K તથા Ca ક્ષારો સ્ફટિક રૂપે મેળવાયા છે; પરંતુ પેન્ટોથેનિક ઍસિડ સ્ફટિક રૂપે મેળવાયું નથી. સ્નાયુઓમાં પેન્ટોથેનિક ઍસિડ સક્રિય સહ-ઉત્સેચક A સ્વરૂપે હોય છે.

             રોજિંદી આવશ્યકતા

શિશુ માટે                        1-2 મિગ્રા.

બાળકો માટે                     4-5 મિગ્રા.

પુખ્ત પુરુષો માટે                5-10 મિગ્રા.

પુખ્ત સ્ત્રીઓ માટે                5-10 મિગ્રા.

શરીરક્રિયાત્મક કાર્ય : બહુ નાનાં શિશુઓ તથા બાળકોના વિકાસ માટે આવશ્યક.

પરિમાપન : L-એરેબિનોસસ (arabinosus) વાપરીને માઇક્રોબિયલ આમાપન (assay) કરવામાં આવે છે.

તેની ઊણપથી મોળ, વમન, ચીડિયાપણું, પાચનતંત્રના રોગો, એનીમિયા, યકૃત વધવું તથા વજન ન વધવાનાં લક્ષણો જણાય છે.

ફૉલિક ઍસિડસમૂહ : 1934માં વિલિયમ્સે દર્શાવ્યું કે એનીમિયા યીસ્ટ નિષ્કર્ષ(extract)માં રહેલા વિટામિનથી મટાડી શકાય છે. 1947માં પિફિનરે (Pifiner) લીવર(કલેજું)માંથી ફૉલિક ઍસિડ સ્ફટિક સ્વરૂપે મેળવ્યો.

રસાયણ : તે પ્ટેરિડીન, પેરાએમિનોબેન્ઝાઇક ઍસિડ અને ગ્લૂટામિક ઍસિડમાંથી બનતું સંયોજન છે. તેને પ્ટેરોઇલ ગ્લૂટામિક ઍસિડ એવું નામ આપવામાં આવ્યું છે. તેને વિટામિન B9 (જૂનું વિટામિન Bc) પણ કહે છે.

તે જળદ્રાવ્ય, pH 7એ ઉષ્માસ્થાયી તેમજ 120° સે.એ 30 મિનિટ ગરમ કરતાં pH 7 સુધી સક્રિયતા ગુમાવતો નથી. તેનું પ્રકાશ-ઉપચયન (photo-oxidation) રિબોફ્લેવિન દ્વારા પ્રવેગિત થાય છે.

સ્રોત : યીસ્ટ, કલેજી તથા યકૃતમાં ખૂબ સારા પ્રમાણમાં, માંસ, મચ્છી તથા લીલાં શાકભાજીમાં એકંદરે સારા પ્રમાણમાં તેમજ દૂધ અને ફળોમાં પણ ફૉલિક ઍસિડ હોય છે.

રોજિંદી આવશ્યકતા : શિશુ માટે 50 mg; બાળકો માટે 100-300 mg; પુખ્ત ઉંમરના માટે 500 mg.

ફૉલિક ઍસિડની ઊણપથી આંત્ર-અપ-શોષણ સંલક્ષણ ઉપરાંત વિકાસ રૂંધાવો, નબળાઈ, વંધ્યત્વ, અપૂરતું ધાવણ વગેરે લક્ષણો જણાય છે. બાળકોમાં થતો લ્યૂકેમિયા મટાડવા તે ઉપયોગી છે. વધુ પ્રમાણમાં લેતાં કિડનીના રોગો (renal injury) થાય છે. માણસને દરરોજ 0.1 mg.થી વધુ પ્રમાણમાં folic acid આપવાથી pernicious anaemia અટકાવી શકાય છે.

વિટામિન B12 (સાયનોકોબાલામિન) : મિનોટ તથા મર્ફીએ 1926માં પ્રણાશી અરક્તતા (પાંડુરોગ) (pernicious anaemia) કલેજું (લીવર) આપીને મટાડ્યો હતો. 1948માં સ્મિથ અને પાર્કરે ઇંગ્લૅન્ડમાં તથા રિક્સે (Ricks) અમેરિકામાં આ વિટામિન સ્વતંત્ર રીતે અલગ પાડ્યું. નાની માત્રામાં (5થી 10 mg) અંત:સ્નાયવી આપતાં પાંડુરોગ મટાડી શકાય છે.

રસાયણ : અણુના મધ્યભાગમાં 4 અપચયિત તથા વિસ્થાપિત પાયરોલ વલયો એક કોબાલ્ટ પરમાણુની આજુબાજુ છે. મધ્યસ્થ રચનાને કોરિન (corrin) વલય-પ્રણાલી કહે છે. પાયરોલ વલયોમાંના બે (I તથા IV) સીધાં જ એક મિથીલિડાઇન (methylidyne) કાર્બન સાથે જોડાયેલ છે.

કોરિન વલય-પ્રણાલી નીચે 5, 6-ડાઇમિથાઇલ બેન્ઝિમિડાઝોલ રિબોસાઇડ મધ્યસ્થ કોબાલ્ટ-પરમાણુ સાથે એક છેડે જોડાયેલો છે; જ્યારે બીજા છેડે રિબોઝ અર્ધભાગ (moiety) ફૉસ્ફેટ તથા ઍમિનૉ-પ્રોપેનોલ સાથે ઉપશાખા તરીકે વલય IV સાથે જોડાયેલ છે. સાયનાઇડ ઉમેરતાં તે સાયનોકોબાલામિન બનાવે છે, જે અગાઉ અલગ પાડેલા વિટામિન B12ને એકરૂપ (identical) છે તથા સાયનાઇડ સમૂહ દૂર કરવાથી કોબાલામિન બને છે. જો −CNને બદલે −OH સમૂહ હોય તો હાઇડ્રૉક્સો-કોબાલામિન; −NO2 હોય તો નાઇટ્રો-કોબાલામિન તથા −CH3 હોય તો મિથાઇલ-કોબાલામિન બને છે. તેમાં કોબાલ્ટનું પ્રમાણ 4થી 5 % હોય છે. તેનો અણુભાર 1355 તથા પ્રયોગનિર્ણીત સૂત્ર C63H88N14O14 PCo છે.

તેનું જલીય દ્રાવણ સૂર્યપ્રકાશમાં રાખવાથી વિટામિન નાશ પામે છે. તેના દ્રાવણ pH 4-7 વચ્ચે સ્થાયી છે. આ વિટામિનને pH 9 તથા તેના ઉપરના pHએ ગરમ કરવાથી ઝડપથી નાશ પામે છે.

સ્રોત : વનસ્પતિજ ખોરાકમાં તે હોતું નથી, માત્ર પ્રાણીજ ખોરાકમાં તે હોય છે. તેનું સૌથી ઉત્તમ પ્રમાણ કલેજામાં તથા કિડનીમાં અને સારું એવું પ્રમાણ માંસ, મચ્છી, ઈંડાંમાં હોય છે. સામાન્ય રીતે તે દૂધ અને ચીઝમાં પણ હોય છે.

રોજિંદી આવશ્યકતા : શિશુ માટે 0.3 mg; બાળકો માટે 1-2 mg; પુખ્ત વયના માટે 3.0 mg. આ વિટામિનની ઊણપથી મંદદૃષ્ટિતા (amblyopia), એનીમિયા (પાંડુ), જીભ તથા મોંનું આવી જવું વગેરે વરતાય છે.

બાયૉટિન (Biotin) (વિટામિન B7) : 1927માં બોઆસે (Boas) અવલોક્યું કે ત્વચાશોથ, વાળ ખરી પડવા, પેશીય નિયંત્રણ ગુમાવવું વગેરે લક્ષણો ઈંડાંની જરદી(egg yolk)થી મટાડી શકાય છે. 1931માં ગ્યૉરી(gyory)એ આ ફૅક્ટરને વિટામિન H નામ આપ્યું તથા 1939માં લેડરર તથા કુહ્ન દ્વારા તે અલગ પાડવામાં આવ્યું. 1942માં મેલ્વિલ દ્વારા બાયૉટિન નામ આપવામાં આવ્યું.

સ્રોત : વિસ્તૃત રૂપે કુદરતી ખોરાકમાં હોય છે. આંતરડામાંના બૅક્ટેરિયા પણ તે ઉત્પન્ન કરે છે. ઉત્તમ સ્રોત ઈંડાંની જરદી, યકૃત તથા કિડની; સારો સ્રોત યીસ્ટ, દૂધ, ટમેટાં તથા સાધારણ સ્રોત ફળો, શાકભાજી અને માનવદૂધ.

રસાયણ : બાયૉટિનમાંનો −COOH સમૂહ લાઇસીનના અંતિમ નાઇટ્રોજન સાથે જોડાયેલ છે. તે ગરમ પાણીમાં સુદ્રાવ્ય છે તથા આલ્કલી હાઇડ્રૉક્સાઇડ સાથે ક્ષાર બનાવે છે. નાના આંતરડા દ્વારા તે ઝડપથી શોષાય છે. વધુ પ્રમાણ પેશાબ વાટે નીકળી જાય છે.

રોજિંદી આવશ્યકતા : શિશુ માટે 10-15 mg; બાળકો માટે 20-40 mg. તથા પુખ્તો માટે 30-60 mg.

સામાન્ય રીતે શિશુઓનાં લોહીમાં તે 14-55 mg./dl. તથા પુખ્તોમાં 12-24 mg./dl.

બાયૉટિનની ઊણપથી મોળ આવવી, અરુચિ, ત્વચાશોથ વગેરે લક્ષણો જોવા મળે છે.

લિપોઇક ઍસિડ (Thioctic acid or Lipoic acid) :

સ્રોત : કુદરતી ખોરાકમાં વિસ્તૃત રૂપે મળે છે.

રોજિંદી જરૂરિયાત હજી નક્કી થઈ શકી નથી.

રસાયણ : સલ્ફરયુક્ત ચરબીજ ઍસિડ (6, 8-ડાઇથાયો- ઑક્ટેનોઇક ઍસિડ અથવા થાયોક્ટિક ઍસિડ)

(6, 8-ડાઇથાયોઑક્ટેનોઇક ઍસિડ)

તે જળદ્રાવ્ય છે.

પાયરૂવિક ઍસિડ તથા α-કીટોગ્લૂટારિક ઍસિડના ઉપચયનીય ડિકાબૉર્ક્સિલેશન માટે સહઉત્સેચક તરીકે કાર્ય કરે છે.

તેની ઊણપનાં કોઈ લક્ષણો નક્કી થયાં નથી.

ઇનોસિટૉલ (Inositol) : ધાન્ય(cereals)માં રહેલ ઇનોસિટૉલનો હેક્ઝાફૉસ્ફોરિક એસ્ટર (ફાઇટિક ઍસિડ, Phytic acid) લાંબા સમયથી જાણીતો છે. ઇનોસિટૉલનાં પ્રકાશક્રિયાશીલ 7 સ્વરૂપો તથા બિનપ્રકાશક્રિયાશીલ 2 સ્વરૂપો કુદરતમાં મળે છે; જેમાંથી માત્ર એક જ અક્રિયાશીલ સ્વરૂપનું પોષણમૂલ્ય છે. વૂલી(Woolley)એ 1940માં નોંધ્યું કે ઉંદરોમાં થતો ખાલિત્ય (alopecia) રોગ ઇનોસિટૉલ અટકાવે છે.

સ્રોત : યીસ્ટ, કલેજું, માંસ, ફળો, દૂધ, કાષ્ઠફળ (nut), શાકભાજી, અનાજ વગેરે.

તેની રોજિંદી જરૂરિયાત હજી નક્કી થઈ શકી નથી.

રસાયણ : ઇનોસિટૉલ [મૅસોઇનોસિટૉલ અથવા માયો(myo) ઇનોસિટૉલ] હેક્ઝાહાઇડ્રોક્સિ સાઇક્લો હેક્ઝેન છે.

જૈવિક રીતે મેસો-ઇનોસિટૉલ ખૂબ જ અસરકારક છે. તે જળસુદ્રાવ્ય છે. સ્વાદે મીઠો સ્ફટિકમય આ પદાર્થ ઉષ્માસ્થાયી છે.

કોલાઇન (Choline) : જીવનપ્રક્રિયા માટે ખૂબ આવશ્યક પરંતુ તે વિટામિન ગણાતું નથી; જોકે તેની ઊણપનાં લક્ષણો વિટામિનની ઊણપનાં લક્ષણો જેવાં જણાતાં હોવાથી તેને વિટામિન માનવામાં આવે છે.

રસાયણ : ટ્રાઇમિથાઇલ-N-ઇથેનૉલ એમાઇન હાઇડ્રૉક્સાઇડ. તે પ્રબળ બેઇઝ છે તથા સ્ફટિકમય રંગવિહીન જળદ્રાવ્ય પદાર્થ છે. તેનાં મંદ દ્રાવણો ઉષ્મા-સ્થાયી છે. લિવર, ઈંડાં, માંસ, ધાન્ય (cereals) વગેરે તેના સ્રોતો છે. એસિટાઇલ કોલાઇન પરાનુકંપી ક્રિયાશીલતા માટેનો રાસાયણિક મધ્યસ્થી છે.

વિટામિન C (એસ્કૉર્બિક ઍસિડ) : 1928માં ઝેન્ટ જ્યૉર્જી(SzentGyorgy)એ એડ્રિનલ ગ્રંથિઓ, નારંગી તેમજ કોબીમાંથી એક ઍસિડ અલગ પાડી તેને હેક્ઝયુરૉનિક (hexuronic) ઍસિડ નામ આપ્યું. લીંબુના રસમાંથી વૉ (Waugh) તથા કિંગ દ્વારા 1931માં તે મેળવાયું. વિટામિન Cના સ્કર્વીરોધી (antiscorbatic) ગુણધર્મને લીધે તેને એસ્કૉર્બિક ઍસિડ નામ અપાયું છે.

સ્રોત : ઉત્તમ સ્રોતમાં આમળાં ખાટાં (citrous) ફળો ગાવા (guava) (જામફળ) વગેરે મુખ્ય છે. વળી દ્રાક્ષ, સફરજન, લીલાં શાકભાજી, તાજું માંસ, પપૈયાં વગેરેમાં પણ તે હોય છે.

રસાયણ : 1933માં તેનું બંધારણ હાવર્થ તથા સહકાર્યકરોએ નક્કી કર્યું. તેનું સંશ્લેષણ 1933માં ઇંગ્લડમાં હાવર્થ તથા સ્વિટ્ઝર્લૅન્ડમાં રાઇકસ્ટાઇને (Reichstein) કર્યું. L-એસ્કૉર્બિક ઍસિડ તથા L-ડિહાઇડ્રોએસ્કૉર્બિક ઍસિડનાં બંધારણો નીચે મુજબ છે :

L-એસ્કૉર્બિક ઍસિડનું બંધારણ સૂચવે છે કે તે L-ગુલોઝ નામના હેક્ઝોસનું વ્યુત્પન્ન છે.

તે સફેદ સ્ફટિકમય જળદ્રાવ્ય, સ્વાદે તૂરો પદાર્થ છે. રાસાયણિક રીતે તે ઇનડાયોલ લૅક્ટોન છે, જેનું ડિહાઇડ્રોએસ્કૉર્બિક ઍસિડ(એસ્કૉર્બોન)માં ઉપચયન થાય છે. આ બંને સ્વરૂપો જૈવ વૈજ્ઞાનિક રીતે સક્રિય છે. D-એસ્કૉર્બિક ઍસિડમાં સ્કર્વીરોધક ક્રિયાશક્તિ નથી હોતી. એસ્કૉર્બિક ઍસિડનું ઉપચયન Cu તથા Ag આયન જેવા ઉદ્દીપક દ્વારા થાય છે. ઊંચા તાપમાને (દા.ત., ખોરાક રાંધતી વેળા) ઉપચયન ઝડપી બને છે. તે પ્રભાવકારી અપચયનકારક છે, જે ઠંડા ફેહલિંગ દ્રાવણનું અપચયન કરી શકે છે. વ્યાપારી ધોરણે ગ્લુકોઝમાંથી તેનું ઉત્પાદન કરાય છે.

પરિમાપન : (i) 2, 6-ડાઇક્લોરોફિનોલ ઇન્ડોફિનૉલના રંગીન દ્રાવણનું રંગવિહીન લ્યુકોબેઝમાં અપચયન કરે છે. તેના ઉપરથી અનુમાપન-રીત નક્કી થયેલી છે. (ii) રંગમિતીય રીતે (colorimetrically) ડિહાઇડ્રો સ્વરૂપનું 2, 4-ડાઇનાઇટ્રોફિનાઇલ-હાઇડ્રેઝીન સાથે પરિમાપન કરીને એસ્કૉર્બિક ઍસિડ માનવશરીરમાં સંશ્લેષિત થતો નથી. કૃત્રિમ ખોરાકો તેમજ રોગાણુહીન કરેલા દૂધમાં વિટામિન C હોતું નથી.

રોજિંદી આવશ્યકતા : શિશુઓ માટે 35 મિગ્રા.; બાળકો માટે 40 મિગ્રા.; પુખ્ત વયનાઓ માટે 60 મિગ્રા.થી 1 ગ્રામ સુધી.

તેની ઊણપથી સ્કર્વી નામનો રોગ થાય છે, જેનાં મુખ્ય લક્ષણો છે – આંતરિક રક્તસ્રાવ, દાંત ઢીલા પડી જવા, ઘા ધીરે ધીરે રુઝાવા, હાડકાંનું સહેલાઈથી ભાંગી જવું, પેઢાનો સોજો, એનીમિયા, ઝડપથી ચેપ લાગવો વગેરે. પ્રો. લીનરુ પૉલિંગ અનુસાર વિટામિન C શરદી પ્રતિકારક છે.

વિટામિન E (Tocopherols) : પ્રતિવંધ્યતા(Anti-fertility)ના ટૉકૉફેરૉલ નામનાં સંયોજનોના સમૂહને વિટામિન E કહે છે. ચાર ટૉકૉફેરૉલ α, β, γ તથા δ અલગ પાડી શકાયાં છે :

β તથા γ-ટૉકૉફેરૉલમાં ઍરોમૅટિક વલયમાં બે મિથાઇલ-સમૂહો હોય છે, જ્યારે dટૉકૉફેરૉલમાં માત્ર એક મિથાઇલ-સમૂહ હોય છે.

મૂળ સંયોજન ટૉકોલ(tocol)ના મુખ્યત્વે મિથાઇલ વ્યુત્પન્નો ટૉકૉફેરૉલ્સ કહેવાય છે તથા તેઓ પીળા રંગના તૈલી પદાર્થો છે. ચરબીજ દ્રાવકોમાં તે ઓગળે છે તથા ઉપચયન દ્વારા તેની ક્રિયાશક્તિ નાશ પામે છે. કેટલાક ટૉકૉફેરૉલ, ટૉકૉટ્રાઇનૉલના વ્યુત્પન્નો છે; જેમાં એલિફેટિક ઉપશાખામાં ત્રણ દ્વિબંધ હોય છે. આમ તે ટર્પિનૉઇડ જેવું બંધારણ ધરાવે છે.

સ્રોત : ઈંડાં, માંસ, યકૃત, મરઘાં, મચ્છી, મકાઈનું તેલ તથા કપાસિયાનું તેલ તેના ઉત્તમ સ્રોત છે.

રોજિંદી આવશ્યકતા : પુખ્ત માટે 1530 મિગ્રા.

ઊણપનાં લક્ષણો : તેની ઊણપને લીધે રુધિરલયન (hemolysis) થાય છે. ઊણપથી ઉંદરોમાં વંધ્યત્વ જોવા મળે છે તથા ચેતાતંત્રીય અવ્યવસ્થા થાય છે. પાંડુરોગ પણ થાય છે.

વિટામિન K (પ્રતિરક્તસ્રાવી વિટામિન) :

1935માં ડૅમ (Dam) દ્વારા તેને વિટામિન K નામ અપાયું, કારણ તે Koagulation-vitamin છે. 1939માં ડૅમ તથા કારર (Karrer) દ્વારા તે શુદ્ધ સ્વરૂપે (K1) અલગ પડાયું. તે જ વર્ષે ડૉઇઝી (Doisy) દ્વારા વિટામિન K2 પણ શુદ્ધ સ્વરૂપે અલગ મેળવાયું.

સ્રોત : ઉત્તમ સ્રોત લીલાં પાંદડાંવાળાં શાકભાજી; દા.ત., અલ્ફા-લ્ફા (alfalfa), કોબી, પાલખ વગેરેમાં. ઉપરાંત સોયાબીન, વ્હીટ-જર્મ, કૉબીફ્લાવર, ગાજર તથા બટાટામાં પણ તે મળે છે.

રસાયણ : અનેક કુદરતી અને સંશ્લેષિત પદાર્થો વિટામિન Kની પ્રતિરક્તસ્રાવ ક્રિયાશીલતા ધરાવતા નેપ્થોક્વિનોન છે. કુદરતમાં મળતાં બે વિટામિન K ઓળખાયાં (નિશ્ચિત થયાં) છે. K1 મૂળે અલ્ફાલ્ફામાંથી તથા K2 સડેલ માછલી(ખોરાક)માંથી મળ્યાં છે. કુદરતી વિટામિન K ચરબીદ્રાવ્ય છે. સંશ્લેષિત વિટામિન Kમાં લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ન હોવાને કારણે થોડા અંશે પાણીમાં દ્રાવ્ય છે. વિટામિન K1માં ફાઇટાઇલ (Phytyl) સમૂહ C3 ઉપર હોય છે; જે વનસ્પતિમાં પણ હોય છે. વિટામિન K2 (મિનાડાયોન, ફાર્નેક્વિનોન)માં ડાઇફાર્નેસાઇલ-સમૂહ (જે બૅક્ટિરિયામાં હોય છે.) હાજર હોય છે.

ઊણપનાં લક્ષણો : પ્રોથ્રોમ્બીન લેવલ ઘટે છે, પરિણામે લોહીના જામવાનો સમય વધે છે અને રક્તસ્રાવની સ્થિતિ ઉદ્ભવે છે. નવજાત શિશુમાં તેની ઊણપ રક્તસ્રાવનું કારણ બને છે. ચરબીના ચયાપચયન દ્વારા વિટામિન Kની ઊણપ ઉદ્ભવી શકે. વળી મોટા આંતરડામાં પ્રતિજીવીઓ દ્વારા રોગાણુનાશ(stecrilization)ને કારણે તેની ઊણપ ઉદ્ભવે છે.

વિટામિન D (કૉલેકૅલ્સિફેરૉલ : Cholecalciferol) : આ વિટામિન સમૂહ મુખ્યત્વે સ્ટેરોલ છે. પ્રો-વિટામિન Dમાં રિકેટ (rickets) મટાડવાનો કે થતો અટકાવવાનો ગુણ છે. વિટામિન D એક સ્ટેરૉઇડ હોર્મોન છે. મુખ્યત્વે પ્રાણીઓમાં, પરંતુ યીસ્ટ તથા વનસ્પતિમાં પણ કદી મળતા સ્ટેરૉઇડ સમૂહનો તે એક પ્રતિનિધિ ગણી શકાય. આ સ્ટેરૉઇડ અનેકવિધ ચયાપચયી ફેરફારો દ્વારા કૅલ્શિટ્રાયૉલ (calcitriol) નામનો અંત:સ્રાવ બનાવે છે. કૅલ્શિટ્રાયૉલ કૅલ્શિયમ તથા ફૉસ્ફેટ ચયાપચયમાં અગત્યનો ભાગ (role) ભજવે છે.

સ્રોત : સક્રિયિત સ્થિતિમાં વિટામિન D કુદરતમાં સારી પેઠે વહેંચાયેલું નથી.

માછલીનાં લિવર તથા મચ્છી ખાનાર પ્રાણીઓનાં લિવર (યકૃત) તેનો સ્મૃદ્ધ સ્રોત છે. જ્યારે ઈંડાં, માખણમાં પણ તે હોય છે.

વિટામિન D1 નામ વિન્ડાઉસે (Windaus) (1931) કૅલ્સિફેરૉલ માટે સૂચવેલું, જે હવે વિટામિન D2 તરીકે ઓળખાય છે.

પોષણક્ષમતાની દૃષ્ટિએ સૌથી અગત્યનાં D વિટામિનો D2 (સક્રિયિત ઓર્ગેસ્ટેરોલ) અને D3 (સક્રિયિત 7-ડિહાઇડ્રૉકોલેસ્ટેરૉલ (કૉલેકૅલ્સિફેરૉલ) છે.

પ્રાગ્-વિટામિન D2 (એર્ગોસ્ટિરોલ) વનસ્પતિ જગતમાં મળે છે; જ્યારે વિટામિન D3 ફિશ-લિવર ઑઇલમાં મળે છે. વિટામિન D2નું બંધારણ D3 જેવું જ છે, સિવાય કે તેના C17માં સ્થાન ઉપરની ઉપશાખા કોલેસ્ટેરૉલ જેવી હોય છે.

પ્રાગ્-વિટામિન D3 માનવશરીર તથા અન્ય સ્તન્ય પ્રાણીઓ (mammals) જાનવરોમાં સંશ્લેષિત થાય છે. ત્યારબાદ તે સૂર્યપ્રકાશ કે U. V. પ્રકાશ દ્વારા ચામડીમાં સક્રિયિત બને છે તથા શરીરના જુદા જુદા અવયવોના વપરાશ માટે અથવા યકૃતમાં એકઠું થવા માટે મોકલાય છે.

D વિટામિનો વિટામિન A કરતાં વધુ સ્થાયી હોય છે અને સામાન્ય રીતે રાંધવાથી કે જાળવી રાખવાથી નષ્ટ થતાં નથી.

રોજિંદી આવશ્યકતા : શિશુ તથા બાળકો માટે 400 IU.; પુખ્તો માટે 600-800 I.u.

તેની ઊણપથી સુકતાન (rickets) થાય છે. પુખ્તોનાં સંપૂર્ણ વિકસિત હાડકાંઓમાં સ્નાયુઓનું ક્ષતિયુક્ત ખનીજીભવન (defective mineralization) થાય છે; જેને અસ્થિમૃદુતા (osteomalacia) કહે છે.

જ. પો. ત્રિવેદી